ઇલેક્ટ્રીક વ્હિકલ્સ રજિસ્ટ્રેશનમાં 2022માં 125 ટકાનો વધારો નોંધાયો
અમદાવાદઃ કેલેન્ડર વર્ષ 2022માં અત્યાર સુધીમાં ઇલેક્ટ્રીક પેસેન્જર અને મોટર વ્હિકલ્સનું રજિસ્ટ્રેશન બમણાંથી પણ વધુ વધ્યું છે. ઇલેક્ટ્રીક પેસેન્જર અને મોટર વ્હિકલ્સ કે જેમાં લાઇટ, મિડિયમ અને હેવી વ્હીકલ્સ જેવાં કે, મોટર કાર્સ અને બસનું રજિસ્ટ્રેશન સતત વધી રહ્યું છે.જે દર્શાવે છે કે, ભારતમાં ઇલેક્ટ્રીક વ્હીકલ્સનો વપરાશ ધીરે ધીરે વધી રહ્યો છે.
રજિસ્ટ્રેશન કેલેન્ડર વર્ષ 2021માં 13884 યુનિટ્સનું હતું તે 2022ના 11 માસમાં 31281 યુનિટ્સનું થયું છે. જે 125 ટકાનો ગ્રોથ દર્શાવે છે. વાહન તરફથી પ્રાપ્ત ડેટા અનુસાર તાતા મોટર્સની કાર્સનું રજિસ્ટ્રેશન વર્ષ દરમિયાન બમણાંથી પણ વધુ વધ્યું છે. ઓક્ટોબર-22ના અંત સુધીમાં 25795 યુનિટ્સ થયું છે. જે કેલેન્ડર વર્ષ 2021માં માત્ર 10200 યુનિટ્સ હતું. કંપનીએ સપ્ટેમ્બરમાં મોટાભાગની કાર્સની કિંમતમાં રૂ. 10000 આસપાસ ઘટાડો કર્યો હતો. તેના કારણે તેની નેક્સોન, ટીયાગો બેસ્ટ સેલર્સ રહી હતી.
બીજા ક્રમે રહેલી એમજી મોટર્સની નવી લોન્ચ થયેલી કારનું વેઇટિંગ ચાલે છે. સારા સમાચાર એ છે કે, હ્યુન્ડાઇ મોટર્સ બીવાયડી અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના રજિસ્ટ્રેશનમાં પણ સતત વધારો થઇ રહ્યો છે.
ઇલેક્ટ્રીક કાર્સ રજિસ્ટ્રેશન ફીગર્સ એક નજરે
કંપની | 2020 | 2021 | 2022* |
તાતા | 2700 | 10201 | 25795 |
એમજી મોટર્સ | 769 | 2350 | 2277 |
હ્યુન્ડાઇ | 203 | 161 | 426 |
બીવાયડી | 0 | 0 | 339 |
મહિન્દ્રા | 409 | 111 | 271 |
*ઓક્ટોબર-22ના અંત સુધીના આંકડાઓ દર્શાવે છે.