ગાંધીનગર, 20 જુલાઇ: ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડે ધોલેરા SIR માં હોટેલ પ્લોટની પ્રથમ સફળ જમીનની હરાજી પૂર્ણ કરી છે. આ અંગે ધોલેરા SIR ના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ઇ-ઓક્શન સફળતાપૂર્વક પૂર્ણ થવાથી સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ પ્રોત્સાહન મળશે, હોસ્પિટાલિટી ઉદ્યોગમાં પ્રથમ રોકાણથી ધોલેરાના વિકાસની એક નવી શરૂઆત થઈ છે. ધોલેરા SIR પાસે પહેલાથી જ વિશ્વનું સર્વશ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે જેનો યુટિલિટીનો બેન્ચમાર્ક વિશ્વમાં શ્રેષ્ઠ છે. ધોલેરા SIR પ્રદેશમાં 228 એકર જમીન પ્રવાસન અને મનોરંજન પ્રવૃત્તિઓ માટે સમર્પિત કરવામાં આવી છે.

ધોલેરા SIR એ હોટલ વિકસાવવા માટે એક્ટિવેશન એરિયા (T.P. સ્કીમ નંબર 2 A) ની અંદર હાઈ એક્સેસ કોરિડોર ઝોનમાં આવતા પ્લોટ 307 (ભાગ)ની ઈ-ઓક્શન નોટિસ જાહેર કરી હતી. સબમિટ થયેલી ઘણી ઓનલાઈન અરજીઓમાંથી ત્રણ યોગ્ય હોવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ પ્રદેશમાં હોસ્પિટાલિટી ઉદ્યોગને ફાળવવામાં આવેલો આ પ્રથમ પ્લોટ હશે, જે વ્યવસાય અને શહેરી વિકાસ માટે મહત્વનું સ્થાન બની ગયું છે. સ્પર્ધાત્મક બિડ M/s Aju Ryokan NCR Pvt. Ltd. દ્વારા જીતવામાં આવી છે. આશરે 920 ચો.કિ.મી.ના વિસ્તાર અને અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના 22 ગામોને આવરી લેતા વ્યાપક વિસ્તાર પર DSIRનું આયોજન કરવામાં આવ્યું છે. AJU જાપાનીઝ હોટેલ્સ જૂથે ગુરુગ્રામ (હરિયાણા), માનેસર (હરિયાણા), નીમરાણા (રાજસ્થાન), અમદાવાદ અને વિઠ્ઠલાપુર (ગુજરાત)નો સમાવેશ કરીને હોટેલનું વિસ્તરણ કર્યું છે. માંડલ બેચરાજીમાં, તેઓ મારુતિ સુઝુકી લિ.ના જાપાની પ્રતિનિધિઓને સેવા પૂરી પાડે છે.