Flash news: મૂડીરોકાણ માટે સેફ હેવન ગણાતા સોનાના ભાવોમાં સટ્ટાનો હેવાન હાવી થઇ રહ્યો છે…. ઊંચા ભાવોના કારણે માગ ઘટવા છતાં સટ્ટોડિયાઓ ગેમ જમાવી રહ્યા છે… કેલેન્ડર વર્ષ 2023ના 4 માસમાં જ સોનાનો ભાવ રૂ. 6900 વધી ગયો….!!!
Gold All Time High at RS. 64500: અમદાવાદ હાજર સોનુ રૂ. 700 ઉછળી 63500ની નવી ટોચે
અમદાવાદ, 4 મેઃ મૂડીરોકાણ માટે સેફ હેવન ગણાતાં સોનામાં ધીરે ધીરે સટ્ટારૂપી હેવાન હાવી થઇ રહ્યો છે. આસમાની- સુલતાની અને રોજ રૂ. 500- 1000ના ઉછાળાના કારણે સામાન્ય રોકાણકાર વર્ગ તેમજ સ્ટોકિસ્ટો હવે અતિની ગતિ નહિં… તે ન્યાયે નવી ખરીદીમાં કિનારો કરી રહ્યા છે. પરંતુ સટ્ટોડિયાઓ તાનમાં આવીને સોનાના ભાવોમાં રોજ નવી ઊંચી સપાટીઓ સર કરાવી રહ્યા છે. પરિણામે અમદાવાદ ખાતે આજે હાજર બજારમાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ. 700 વધી રૂ. 63500ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યુ હતું. જ્યારે ચાંદી કિલોદીઠ રૂ. 1500 વધી રૂ. 76500ની ટોચે પહોંચી હતી.
અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં વધારો તેમજ અમેરિકામાં ભીતિની શરૂઆતના અહેવાલોના પગલે સેફ હેવન ગણાતા સોનામાં તેજી જોવા મળી રહી છે. વૈશ્વિક સ્તરે સોનુ ઔંશદીઠ 0.2 ટકા વધી 2043.38 ડોલરની 2020ની રેકોર્ડ હાઈ સપાટી નજીક પહોંચ્યુ હતું. 2020માં 2072.49 ડોલર હતુ. જિઓ-પોલિટિકલ ટેન્શન, બેન્કિંગ ક્રાઈસિસ, અમેરિકી દેવામાં વધારો અને મંદીની ભીતિના કારણે સોના-ચાંદી જેવા સેફ હેવન ઈન્સ્ટ્રુમેન્ટમાં ખરીદી વધી છે. વર્તમાન સંજોગોને ધ્યાનાં રાખતાં સોનુ ઝડપથી 2100 ડોલરની સપાટી કૂદાવી આગળ વધશે.
2023માં સોનુ રૂ. 6900 વધ્યું
વિવિધ કોમોડિટી નિષ્ણાતોએ આ વર્ષના અંત સુધી સોનામાં 12 ટકાથી વધુ રિટર્ન મળવાની સંભાવના વ્યક્ત કરી છે. જો કે, 2023માં અત્યારસુધીમાં સોનાના ભાવમાં 12.19 ટકા ઉછાળો નોંધાઈ ચૂક્યો છે. 31 ડિસેમ્બર-22ના રોજ સોનુ હાજર બજારમાં 56600ની સપાટીએથી રૂ. 6900 વધી રૂ. 63500 થયુ છે. ચાંદી આ સમયગાળામાં રૂ.9000 વધી છે.