રોકાણકારોને કમાણી જ કમાણી

વિગતવાર્ષિક ઉછાળોરિટર્ન %માસિક ઉછાળો
સેન્સેક્સ6640.4510.91%6.11%
નિફ્ટી2162.511.94%6.73%
સોનુ730012.70%2.86%
ચાંદી850012.5%4.79%

અમદાવાદ, 2 ડિસેમ્બરઃ ફેડ રિઝર્વ બેન્ક દ્વારા આગામી વર્ષે વ્યાજદરોમાં ઘટાડો તેમજ અમેરિકાના આર્થિક આંકડાઓ પોઝિટીવ રહેતાં સોના-ચાંદીની ચમક વધી છે. અમદાવાદના બુલિયન માર્કેટમાં સોનુ આ સપ્તાહે રૂ. 1300 પ્રતિ 10 ગ્રામ મોંઘુ થયું છે. જ્યારે ચાંદી રૂ. 2500 પ્રતિ કિગ્રા વધી છે.

ગત શુક્રવાર, 24 નવેમ્બરે સોનુ રૂ. 63500 હતું. ગઈકાલે તોલા સોના (999)નો ભાવ રૂ. 64800 પર પહોંચ્યો હતો. ચાંદીની કિંમત પણ 74000 સામે વધી 76500 પ્રતિ કિગ્રા થઈ છે. એમસીએક્સ ખાતે સોનુ વાયદો રૂ. 1487 અને ચાંદી વાયદો 3336 રૂપિયા ઉછળ્યો છે.

પ્રથમ ઈક્વિટી માર્કેટની સાથે કિંમતી ધાતુ બજારમાં પણ તેજી

વૈશ્વિક બજારોના સથવારે કિંમતી ધાતુઓમાં તેજી જોવા મળી રહી છે. જ્યારે બીજી બાજુ મજબૂત જીડીપી ગ્રોથ, ચૂંટણીના એક્ઝિટ પોલ રિઝલ્ટ, કોર સેક્ટર ગ્રોથ સહિતના સ્થાનિક પોઝિટીવ પરિબળોના પગલે નિફ્ટી સહિત 14 સેક્ટોરલ ઈન્ડેક્સ નવી ટોચે પહોંચ્યા છે. સેન્સેક્સ પણ તેની ઓલટાઈમ હાઈ નજીક પહોંચ્યો છે. આ વર્ષે પ્રથમ વખત ઈક્વિટી માર્કેટની સાથે સાથે કિંમતી ધાતુમાં પણ આકર્ષક રિટર્ન પ્રાપ્ત થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે, સોના-ચાંદીમાં રોકાણ ઈક્વિટી બજારની મંદી સમયે હેજિંગ કરી નુકસાન સરભર કરવા ઉપયોગી બનતું હોય છે. પરંતુ હાલ બંને સેગમેન્ટમાં મજબૂત વૃદ્ધિ નોંધાઈ છે.

નિષ્ણાતોની ટીપ્સ

HDFC Securitiesના કમોડિટી સિનિયર એનાલિસ્ટ સૌમિલ ગાંધીના મતે, રોકાણકારોને 62800ના સ્ટોપલોસ સાથે સોનામાં ખરીદી વધારી શકે છે. આગામી સમયમાં સોના-ચાંદીમાં 5થી 10 ટકાનો ઉછાળો જોવા મળી શકે છે. વર્તમાન સંજોગોને ધ્યાનમાં લેતાં ડોલર અને અમેરિકી યીલ્ડ સર્વોચ્ચ ટોચેથી કરેક્શન તરફ વળ્યા છે. જેની અસર સોના-ચાંદી બજાર પર પડશે. સોનામાં 65500નો રેઝિસ્ટન્સ લેવલ નિર્ધારિત કરવામાં આવ્યો છે.

વાયદા બજારમાં ઉછાળો

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 7,83,651 સોદાઓમાં રૂ.65,401.48 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.61,072ના ભાવે ખૂલી, ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.62,675 અને નીચામાં રૂ.61,056 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,487 વધી રૂ.62,559ના ભાવે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.72,899ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.76,784 અને નીચામાં રૂ.72,627 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.3,336 વધી રૂ.76,234 ના સ્તરે બંધ થયો હતો.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)