અમદાવાદ, 5 ફેબ્રુઆરીઃ દેશની બીજી ટોચની પેસેન્જર વ્હિકલ મેન્યુફેક્ચરર હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા (HMIL) નવેમ્બરમાં દિવાળીની આસપાસ આઈપીઓ લોન્ચ કરવા માગતી હોવાના અહેવાલો મળ્યા છે. દક્ષિણ-કોરિયન કંપની હ્યુન્ડાઈ મોટર કો.એ 6 મે, 1996માં ભારતમાં બિઝનેસ શરૂ કર્યો હતો. જે 28 વર્ષ બાદ ભારતીય સ્ટોક એક્સચેન્જ ખાતે લિસ્ટિંગ કરાવશે. ગતવર્ષે પીવીના વેચાણોની દ્રષ્ટિએ મારૂતિ સુઝુકી બાદ હ્યુન્ડાઈ મોટર બીજી ટોચની કંપની રહી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હ્યુન્ડાઈ ઈન્ડિયા સંભવિત IPO માટે ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ બેન્કો સાથે વાતચીત કરી રહી છે. ગોલ્ડમેન સાશ, સિટી, મોર્ગન સ્ટેનલી, જેપી મોર્ગન, બેન્ક ઓફ અમેરિકા, HSBC, ડોઇશ બેન્ક અને UBSના પ્રતિનિધિઓએ ગયા અઠવાડિયે સિઓલમાં હ્યુન્ડાઇ સમક્ષ તેમની કુશળતા રજૂ કરી હતી. બેન્કર્સે કંપનીનું મૂલ્ય $22-28 અબજ આંક્યું હતું, જે ₹1.82-2.32 લાખ કરોડની સંભવિત માર્કેટ કેપ સૂચવે છે. હ્યુન્ડાઈ 3.3-5.6 અબજ ડોલર (₹27,390 કરોડથી ₹46,480 કરોડ) એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખી 15-20% સ્ટેક જાહેર ભરણાં હેઠળ હળવો કરશે.

હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા 2024માં તેના વેચાણના 65 ટકા સ્પોર્ટ યુટિલિટી વ્હિકલ્સ (SUVs)માંથી મેળવવાની અપેક્ષા રાખે છે, તે સેગમેન્ટ જેમાં ગ્રાહકો મોટા સેગમેન્ટમાં ડીઝલ એન્જિનની ઊંચી ઈંધણ કાર્યક્ષમતા અને પાવર અને પેટ્રોલ અને CNGને વધુ સારી રીતે પસંદ કરે છે.

હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના સીઓઓ તરૂણ ગર્ગે જણાવ્યું હતું કે, તેના કુલ વેચાણોમાં ડિઝલ કારનો હિસ્સો 60 ટકા અને પેટ્રોલનો હિસ્સો 40 ટકા હતો. પરંતુ હવે ટ્રેન્ડ બદલાયો છે. ડિઝલ કારના વેચાણ હિસ્સો 40 ટકા થયો છે. આ વર્ષે નવા ટર્બો પેટ્રોલ એન્જિનના કારણે ડિઝલનો હિસ્સો વધુ ઘટી 30-35 ટકા થવાની શક્યતા છે.

કંપનીએ દાવોસમાં મહારાષ્ટ્રમાં 6 હજાર કરોડનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવતા એમઓયુ પર મહારાષ્ટ્રના ઔદ્યોગિક મંત્રી ઉદય સમંત સાથે હસ્તાક્ષર કર્યા હતા.