Stock Watch: LICના શેરએ પ્રથમ વખત ઐતિહાસિક 1000ની સપાટી ક્રોસ કરી
અમદાવાદ,5 ફેબ્રુઆરીઃ દેશની ટોચની જીવન વીમા કંપની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC)ના શેર આજે પ્રથમ વખત ₹1,000ની સપાટી વટાવી 8.8%ના ઉછાળા સાથે ₹1,028ની રેકોર્ડ ટોચે પહોંચ્યો છે. લિસ્ટિંગના પોણા બે વર્ષ બાદ પ્રથમ વખત એલઆઈસીના શેર તેની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 50થી વધ્યો છે.
LICના શેરોએ નવેમ્બરમાં નોંધપાત્ર 12.83%નો ઉછાળો નોંધાવ્યો હતો. ડિસેમ્બરમાં 22.52% અને જાન્યુઆરીમાં 14%ના પ્રભાવશાળી વધારા સાથે આ સકારાત્મક વલણ આગામી બે મહિના સુધી જારી રહ્યું હતું. 23 જાન્યુઆરીના રોજ, કંપનીના શેરો પ્રતિ શેર ₹949ના IPO ભાવને વટાવી ગયા હતા, જે લિસ્ટિંગ પછીના નોંધપાત્ર માઇલસ્ટોન છે. ત્યારથી, શેરે સતત રેકોર્ડ ટોચ હાંસલ કરી છે.
આ સતત ઉછાળો આઈપીઓથી માંડી અત્યારસુધી રોકાણ જાળવી રાખનારા પ્રારંભિક રોકાણકારો માટે લાભદાયી સાબિત થયો છે 17 મે, 2022ના રોજ ભારતીય સ્ટોક એક્સચેન્જ ખાતે એલઆઈસીના આઈપીઓએ ₹949ની ઈશ્યુ પ્રાઈસ સામે ₹875.25ના દરે લિસ્ટિંગ કરાવ્યું હતું.
નવી ઓલ-ટાઇમ હાઈ સપાટી સાથે, કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન ₹6.50 લાખ કરોડે પહોંચ્યું હતું, જેણે છઠ્ઠી સૌથી મોટી લિસ્ટેડ કંપની અને PSU કંપનીઓમાં મોખરાનું સ્થાન મેળવ્યું હતું.
ડિસેમ્બરમાં, સરકારે 10 વર્ષની અંદર જરૂરી 25% લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગ (MPS) હાંસલ કરવા માટે LICને એક વખતની છૂટ આપી હતી. મૂળ રૂપે 2027 સુધીમાં 25% MPS નિયમને પૂર્ણ કરવાની જરૂર છે.
FY24ના Q3ના અંતે સરકાર પાસે કંપનીમાં 96.5% હિસ્સો હતો, જ્યારે રિટેલ રોકાણકારો અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો પ્રત્યેક અનુક્રમે 2.4% અને 1% હિસ્સો ધરાવે છે.
કંપનીએ 9 ફેબ્રુઆરીએ Q3 FY24ના પરિણામો જારી કર્યા હતા. H1FY24 માટે, કંપનીએ એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં ₹16,635 કરોડના ચોખ્ખા નફાની સરખામણીમાં ₹17,469 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.
H1FY24 માટે તેનું નવું બિઝનેસ પ્રીમિયમ (વ્યક્તિગત) H1FY23માં ₹24,535થી 2.65% વધીને ₹25,184 કરોડ થયું છે. નવું બિઝનેસ પ્રીમિયમ એ જીવન વીમા કરારના પ્રથમ પોલિસી વર્ષમાં ચૂકવવાનું પ્રીમિયમ છે.
એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) H1FY24માં વધીને ₹47,43,389 કરોડ થઈ હતી જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ₹42,93,778 કરોડ હતી, જે વાર્ષિક ધોરણે 10.47%નો વધારો નોંધાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)