અમદાવાદ, 8 જાન્યુઆરીઃ હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડ (Hyundai Motor India Ltd.)  તમિલનાડુમાં હાઇડ્રોજન રિસોર્સ સેન્ટરની સ્થાપના સહિત વિવિધ પહેલો પર રૂ. 6,180 કરોડનું રોકાણ કરશે.

ઓટોમેકર દ્વારા આ નવું રોકાણ રૂ. 20,000 કરોડ ઉપરાંતનું છે જે તે ઇલેક્ટ્રિક વાહનના ઉત્પાદન, ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્કીલ ડેવલપમેન્ટને વેગ આપવાના પ્રયાસોના ભાગરૂપે આગામી દસ વર્ષ (2023-2032)ના સમયગાળામાં ખર્ચ કરવાની યોજના ધરાવે છે.

કંપનીએ તમિલનાડુ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મીટ 2024 દરમિયાન નવા રોકાણ અંગે રાજ્ય સરકાર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના એમડી અને સીઈઓ અનસૂ કિમે જણાવ્યું હતું કે, રૂ. 6,180 કરોડનું આ નોંધપાત્ર રોકાણ રાજ્યમાં સામાજિક-આર્થિક વિકાસને વેગ આપવા અને દેશને આત્મનિર્ભર બનાવવાના રાજ્યના પ્રયાસોને મજબૂત બનાવવાની અમારી કાયમી પ્રતિબદ્ધતાનો પુરાવો છે.

રાજ્ય સરકાર સાથેનો આ સહયોગ માત્ર રોકાણ જ નહિં પરંતુ, એક મજબૂત હાઇડ્રોજન ટેક્નોલોજી ઇકોસિસ્ટમ કેળવવા માટે એક ઉત્પ્રેરક છે જે કંપનીની ટકાઉપણું અને હરિયાળા ભવિષ્યની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ સામૂહિક પ્રયાસ USD 1 લાખ કરોડની ઈકોનોમી સ્થાપિત કરવાના લક્ષ્યને વેગ આપશે. એમઓયુના ભાગરૂપે, હ્યુન્ડાઈ IIT-મદ્રાસ સાથે મળીને રૂ. 180 કરોડના રોકાણ સાથે સમર્પિત ‘હાઈડ્રોજન વેલી ઈનોવેશન હબ’ની સ્થાપના કરશે. આ સુવિધા હાઇડ્રોજન ઇકોસિસ્ટમના સ્થાનિકીકરણ માટે માળખું વિકસાવવા માટે ઇન્ક્યુબેશન સેલ તરીકે કાર્ય કરશે.

આ પહેલથી પ્રદેશમાં રોજગારીનું સર્જન અને સ્કીલ ડેવલપમેન્ટને ટેકો મળશે. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાનું મેન્યુફેક્ચરિંગ બેઝ તમિલનાડુમાં છે. તે ચેન્નાઈ નજીકના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાંથી વાર્ષિક 8 લાખ યુનિટ્સનું ઉત્પાદન કરે છે.