અમદાવાદઃ વૈશ્વિક સ્તરે મંદીના જોખમો સામે મોટાપાયે છટણીની ઘટના વચ્ચે ભારતીય મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટની 60 ટકા કંપનીઓ આગામી ત્રિમાસિકમાં મોટાપાયે ભરતી કરવાની યોજના ધરાવે છે. જેમાં સૌથી વધુ 69 ટકા હાઈ પોઝિટીવ હાયરિંગ સેન્ટિમેન્ટ મોટા પાયાના સાહસોમાં જોવા મળ્યો છે. ત્યારબાદ મધ્યમ (44%) અને નાના (39%) વ્યવસાયો છે. મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર બંને માટે સંયુક્ત રીતે નોકરી પર રાખવાનો એકંદર હેતુ Q3માં 65%થી વધીને Q4માં 68% થયો છે. HR સોલ્યુશન્સની રેન્જ ઓફર કરતી ભારતની અગ્રણી રોજગાર સેવાઓમાંની એક ટીમલીઝે મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે Q4 (જાન્યુઆરીથી માર્ચ 2023) માટે એમ્પ્લોયમેન્ટ આઉટલુક રિપોર્ટમાં આ આઉટલૂક જારી કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ, ટીઅર 2 શહેરોમાં 73%, ટીઅર 3 (43%)ની તુલનામાં મેટ્રો અને ટાયર 1 શહેરોમાં સૌથી વધુ 94 ટકા કંપનીઓ ભરતી કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. ગ્રામ્ય ક્ષેત્રે 23 ટકા આઉટલૂક જોવા મળ્યો છે. મુંબઈની 97 ટકા, બેંગ્લુરૂની 94 ટકા, ચેન્નઈની 89 ટકા, દિલ્હીની 84 ટકા અને પુણેની 73 ટકા કંપનીઓ ભરતી કરવાની યોજના ધરાવે છે.

આ સેક્ટરમાં જોવા મળશે ભરતી

હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ (98%), ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (86%), ઇલેક્ટ્રિક વાહન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર (71%), કૃષિ અને કૃષિ રસાયણ (69%), ઉત્પાદન અને એન્જિનિયરિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર (65%) સૌથી મજબૂત ભરતીના ઉદ્દેશ્ય સાથેના ક્ષેત્રો છે.


ટીમલીઝ સર્વિસીસના ચીફ બિઝનેસ ઓફિસર ડૉ. મહેશ ભટ્ટે જણાવ્યું હતું કે, છેલ્લી કોવિડ-19 વેવ પછી વૈશ્વિક રોજગાર દરમાં નોંધપાત્ર વધારો થયો છે અને આગામી ક્વાર્ટરમાં તે વધુ મજબૂત થવાની તૈયારીમાં છે.સ્થાનિક માંગમાં વધારો સાથે, કડક બાહ્ય પરિસ્થિતિઓ હોવા છતાં, ઉત્પાદન ઉદ્યોગમાં સર્વગ્રાહી વૃદ્ધિનો અંદાજ છે. વધુમાં, સરકારનો ‘મેક ઇન ઇન્ડિયા’ ચલાવવાનો એજન્ડા અને સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા માટે સુધારાની રજૂઆત ભારતને રોકાણ માટે વધુ આકર્ષક બનાવશે, જેનાથી રોજગાર પર સકારાત્મક અસર પડશે. જાન્યુઆરીથી માર્ચ દરમિયાન એટ્રિશન રેટ વધુ સંતુલિત રહેશે. હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ સેક્ટરમાં સિંગલ ડિજિટ છટણી થવાનો અંદાજ છે. જ્યારે જુલાઈ-સપ્ટેમ્બર, 2022-23 દરમિયાન હેલ્થકેર અને ફાર્માસ્યુટીકલ સેક્ટરમાં 14.71%થી 15.67%નો ડબલ ડિજિટ એટ્રિશન રેટ દર્શાવે છે.