અમદાવાદ, 4 ઓક્ટોબરઃ ભારત વિશે દ્રઢ આશાવાદ ધરાવતા આંતર્ રાષ્ટ્રીય ફંડ મેનેજરોએ પણ ભારતના વેઇટેજમાં એક ટકાનો ઘટાડો કર્યો અને એની સામે ચીનનું વજન એક ટકાના પ્રમાણમાં વધારી દીધું હોવાનું અને ચીનનું બજાર ન ખુલે ત્યાં સુધી હોંગકોંગના રુટ મારફત ચીનના શેરોમાં પોઝીશન વધારવાનું તેમણે શરૂ કરી દીધું હોવાના અહેવાલોએ આપણા બજારને પાણી પાણી કરી દીધું હતુ. જોકે આ વર્ગ એવું પણ માને છે કે શક્તિશાળી બુલ માર્કેટનું આ સાધારણ કરેક્શન જ છે. સામાન્ય રીતે વિદેશી ફંડ મેનેજરો ભારત પર વધુ અને ચીન પર ઓછું વજન આપે છે, પરંતુ ચીને અર્થતંત્રને ધમધમતું કરવા કરેલી જાહેરાતો પછી તેમણે  ભારતનું વેઇટેજ થોડું ઘટાડી ચીનનું વધાર્યું હોવાનું ઘણા ફંડ મેનેજરોનું માનવું છે. ગુરુવારે ભારતીય ઇક્વિટી પર વેચવાલીનું પ્રચંડ દબાણ આવતા રોકાણકારોની લગભગ ₹ 10 લાખ કરોડની સંપત્તિ ઓછી થઇ  હોવાનું બીએસઇના આંકડાઓ પરથી જણાય છે. બીએસઇ લીસ્ટેડ શેરોનું માર્કેટ કેપીટલાઇઝેશન મંગળવારે મોડી સાંજે રૂ. 474.86લાખ કરોડના સ્તરે હતું એ ગુરૂવારે પોણા ચાર આસપાસ રૂ. 465.26 લાખ કરોડ દેખાતું હતુ. વિશ્વાસનીય ડેટા અનુસાર દક્ષિણ કોરિયા, ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઇલેન્ડેમાંથી એફઆઇઆઇ રોકાણોનો ગયા અઠવાડિયે ચોખ્ખો આઉટફ્લો થયો હતો. તે જ રીતે  સપ્ટેમ્બરના પ્રથમ ત્રણ સપ્તાહમાં જાપાનીઝ ઇક્વિટીમાંથી $ 20 બિલિયનથી વધુ ભંડોળો પાછા ખેંચાયા હતા. સામે પક્ષે એમએસસીઆઇનો ચીનનો  ઇન્ડેક્સ તાજેતરના નીચા સ્તરેથી 30% થી વધુ વધ્યો છે.

નિફ્ટી વિક્લી ઓપ્શન્સની એક્સપાયરીમાં વન વે ફોલના કારણે મોટી ઉથલપાથલ

ગુરૂવારે નિફ્ટી વિક્લી ઓપ્શન્સની સાપ્તાહિક એક્સપાયરીના દિવસે નિફ્ટી 13 દિવસનું તળિયું તોડી નીચામાં 25230.30નો દૈનિક લો બનાવી દિવસના અંતે 546.80 પોઇન્ટ્સ ના ગાબડાંએ 2.12 ટકાના લોસે 25250.10 બંધ રહ્યો હતો. ચાર દિવસમાં મેળવેલા 1000 પોઇન્ટ્સ પાછા 4 દિવસમાં જ ગુમાવી દીધા હતા. 25452.85ના સ્તરે ખુલી વધીને 25639.45 સુધી ગયો હોવાથી ઇન્ટ્રાડેમાં ટ્રેડીંગ થકી નિફ્ટીએ 409 પોઇન્ટ્સ ગુમાવ્યા હતા. તદુપરાંત 25796.90ના મંગળવારના લો 25739.20 સામે ગુરૂવારે હાઇ 25639.45નો હાઇ રાખ્યો હોવાથી 100 પોઇન્ટ્સનો ગેપ છોડ્યો છે જેના કારણે સોદા વગર જ આ 100 પોઇન્ટ્સના પ્રમાણમાં લોકોને માર પડ્યો છે. ગુરૂવારે પૂરા થયેલા વિક્લી ઓપ્શન્સમાં 25300 અને 25300 સ્ટ્રાઇક વાળા કોલ ઓપ્શન્સ દિવસમાં વધીને રૂ. 300 પ્લસ હતાં એ બંધ માત્ર 5 પૈસાના સ્તરે થયા હતા. તેથી વિપરિત 25400 અને 25450ના પુટ્સ અનુક્રમે રૂ. 9.50 અને 14.55થી વધીને રૂ. 184 અને 232.50 સધી જઇ આવી છેલ્લે રૂ. 150 અને 200 બોલાતાં હતા. આવી અફરાતફરીમાંથી નાના ટ્રેડરોને બચાવવા માટે જ સેબીએ કડક કાયદા બનાવ્યા છે. નિફ્ટીએ દૈનિક બે ટકાથી વધુ નો ઘટાડો છેલ્લે 5મી ઓગષ્ટના રોજ જોય હતો. તે દિવસે પણ નિફ્ટી ગેપથી નીચે ખુલી 2.7 ટકા ગુમાવી 24055.60 બંધ રહ્યો હતો. સેન્સેક્સ  82497.10ના સ્તરે 1769.19 પોઇન્ટ્સ,2.10% ના જોરદાર નુક્શાને બંધ રહ્યો હતો. જોકે બીએસઇનો શેર એનએસઇ ખાતે 3.14% વધી રૂ. 3980 બંધ રહ્યો હતો. એફએન્ડઓ નિયમોમાં ફેરફારોનો ફાયદો અને ભવિષ્યમાં એનએસઇના શેરોનું બીએસઇ પર લીસ્ટીંગ થવાથી ડબલ બેનિફીટ થશે એવી ગણતરીએ બીએસઇનો શેર તેજીમાં મહાલે છે.

ગુરૂવારે યેન 0.20% સુધરી એક $ ના 146.8750 બોલાતો હતો. હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ દોઢ ટકો ઘટ્યો હતો તો જપાનનો નિક્કાઇ 225 ઇન્ડેક્સ બે ટકા સુધર્યો હતો. ઘરઆંગણે નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સ 2.38% ઘટી 1836 પોઇન્ટ્સ ખાબકીને 75448 થઇ ગયો હતો. મિડકેપ સિલેક્ટ ઇન્ડેક્સ તો 2.40% તૂટી 12976 પર આવી ગયો હતો. બેન્ક નિફ્ટી 2.04% અને નિફ્ટી ફાઇનાન્સીયલ સર્વીસ ઇન્ડેક્સ 2.43% ઘટી અનુક્રમે 51845 અને 23881ના લેવલે બંધ હતા. નિફટીના માત્ર બે જ શેરો સુધર્યાં હતા. જેએસડબલ્યુ સ્ટીલ 1.33 ટકા વધી રૂ. 1041 અને ઓએનજીસી 0.35%  સુધરી રૂ. 293 બંધ રહ્યા હતા. ઘટવામાં બીપીસીએસ 5% લપસી રૂ. 349, શ્રીરામ ફાયેનાન્સ   સાડા ચાર ટકા તૂટી રૂ. 3412,  લાર્સન ચાર ટકાના નુકશાને 3505, એક્સીસ બેન્ક 4%ના ઘટાડે 1178 અને રિલાયન્સ 3.95% ડાઉન થઇ 2813 પર આવી ગયા હતા. બજારનો રંગ જોતાં અગ્રણી શેરોમાં 4-5 ટકાનો ઘટાડો સામાન્ય બાબત બની ગયો હતો.

બ્રેન્ટ ક્રુડ વધ્યું- બીપીસીએલ 5%  તૂટ્યો

એનએસઇના 77માંથી 73 ઇન્ડેક્સો ઘટી ગયા હતા. તેમાંથી મોટા ગાબડાં રિયલ્ટી ઇન્ડેક્સમાં 4.36%, ઓટો ઇન્ડેક્સમાં 2.88% અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 2.83% ના પ્રમાણમાં પડ્યાં હતા. નિફ્ટીના 50માંથી 48, નિફ્ટી નેક્સ્ટ 50ના 50માંથી 47, નિફ્ટી બેન્કના 12માંથી 11, નિફ્ટી ફાયેનાન્સીયલ સર્વીસના 20માંથી 19 અને મિડકેપ સિલેક્ટના 25માંથી 23 શેરો તૂટ્યાં હોવાથી બિહામણું ચિત્ર ઉપસતું  હતુ. સેન્સેક્સના 30માંથી 29 અને બેન્કેક્સના દસે દસ  શેરો ગબડ્યાં હતા.  એનએસઇના વેબસાઇટ પરની માહિતી અનુસાર 2912(2874) ટ્રેડેડ શેરોમાંથી 637(1639) વધ્યા, 2200(1137) ઘટ્યા અને 75(98) સ્થિર રહ્યા હતા. બાવન સપ્તાહના નવા હાઇ 102(101) શેરોએ અને નવા લો 65(33) શેરોએ નોંધાવ્યા હતા. ઉપલી સર્કીટે 106(154) તો નીચલી સર્કીટે 112(54) શેરો ગયા હતા.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)