IPO: LICનો રૂ. 60000 કરોડનો મેગા આઇપીઓ માર્ચના પ્રથમ સપ્તાહમાં
ઇશ્યૂ પ્રાઇસ 2000 થી 2100 રૂપિયાની રેન્જમાં રહેવાની ધારણા
IPO પછી LIC પણ રિલાયન્સ અને TCSની હરોળમાં આવી જશે
લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન(LIC) આગામી 11 માર્ચે પોતાનો 60,000 કરોડ રૂપિયા (8 અબજ ડોલર)નો મેગા આઈપીઓ (LIC IPO) લોન્ચ કરે તેવી શક્યતા છે. 11 માર્ચે આ આઇપીઓ એન્કર ઇન્વેસ્ટર માટે ખુલશે. ત્યાર બાદ લગભગ બે દિવસ પછી અન્ય રોકાણકારો માટે આઇપીઓ ખુલશે તેવું સૂત્રોનું કહેવું છે. માર્ચના પ્રથમ સપ્તાહમાં LICના IPOને રેગ્યુલેટરી મંજૂરી મળી જાય તેવી શક્યતા છે. ત્યાર પછી પ્રાઈસ બેન્ડ નક્કી કરવામાં આવશે. જોકે, આ અંગે એલઆઈસીએ કોઈ ટિપ્પણી કરી નથી. LIC એ દેશની સૌથી મોટી જીવનવીમા કંપની છે અને લગભગ 9.5 લાખ કરોડ રૂપિયાનો પોર્ટફોલિયો ધરાવે છે જેમાં મોટા પ્રમાણમાં બ્લૂ ચિપ સ્ટોક્સ છે. રવિવારે એલઆઈસીએ પોતાના આઇપીઓ માટે સેબી સમક્ષ ઓફર ડોક્યુમેન્ટ્સ ફાઇલ કર્યા હતા.
નાણાકીય વર્ષ 2021-22 માટે 6.4 ટકાનો જીડીપી ખાધ (GDP Deficit)નો લક્ષ્ય પૂરો કરવા માટે આ આઈપીઓ લાવવો જરૂરી છે. સરકાર રૂ. 60,000 કરોડ એકઠા કરવા માટે આ આઈપીઓ પર આધાર રાખી રહી છે. 31 માર્ચે નાણાકીય વર્ષ સમાપ્ત થવાનું છે, તેમાં સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટ અને ખાનગીકરણની યોજનામાં મોટા પાયે કાપ મુક્યો છે. સરકાર રૂ. 1.75 લાખ કરોડ એકઠા કરવા માંગતી હતી, પરંતુ હવે આ લક્ષ્ય ઘટાડીને માત્ર 78,000 કરોડ કરવામાં આવ્યું છે.
પોલિસી ધારકો માટે 10 ટકા હિસ્સો અનામત રહેશે
એલઆઈસી પોતાનો 5 ટકા હિસ્સો વેચીને 8 અબજ ડોલર એકઠા કરવાની યોજના ધરાવે છે જેમાં એલઆઈસીના પોલિસીધારકો માટે 10 ટકા હિસ્સો અનામત રાખવામાં આવશે. 8.06 કરોડ શેર એન્કર શેરના રૂપમાં અનામત રાખવામાં આવશે, જેનું મૂલ્ય રૂ. 16,935.18 કરોડ જેટલું હોઈ શકે છે. જ્યારે લાયક સંસ્થાકીય બિડર તરીકે 5.37 કરોડ શેર અને બિન-સંસ્થાકીય રોકાણકાર તરીકે 4.03 કરોડ શેર હશે.
LICના IPO માટે બુક રનિંગ લીડ મેનેજર્સઃ
LICના IPO માટે બુક રનિંગ લીડ મેનેજર્સ તરીકે SBI Cap, સિટીગ્રૂપ, Nomura, જેપીમોર્ગન, ગોલ્ડમેન સેક્સ અને બીજી આંતરરાષ્ટ્રીય ઇન્વેસ્ટમેન્ટ બેન્કો નિયુક્ત કરવામાં આવી છે. એલઆઇસી જીવનવીમા માર્કેટમાં સૌથી મોટો હિસ્સો ધરાવે છે અને ખાનગી કંપનીઓના આગમન પછી પણ તેણે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.
એલઆઇસીના કુલ 25 કરોડ પોલિસીધારકોઃ
આઇપીઓ લાવવાની તૈયારી ચાલી રહી છે ત્યારે એલઆઇસીએ આઇપીઓ અગાઉ પોલિસી ધારકોને પોતાની પોલિસી સાથે પાન નંબર લિંક કરવાની સલાહ આપી છે. જેનાથી તેઓ એલઆઇસીના આઇપીઓમાં પોલિસીધારકો માટેની રિઝર્વ કેટેગરીમાં અરજી કરવા માટે પાત્ર થઇ શકશે. એલઆઇસીના આઇપીઓમાં અરજી કરવા માટે વેલિડ ડિમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે. જાહેરાતો મારફતે અને ઇમેઇલ મોકલીને એલઆઇસી પોતાના પોલિસીધારકોને સૂચના આપી રહ્યું છે. તેના કારણે નવા ડિમેટ એકાઉન્ટ ખોલાવવા માટે લોકોમાં હોડ જામી છે. એલઆઇસીના કુલ 25 કરોડ પોલિસીધારકો છે જ્યારે દેશમાં ડિમેટ એકાઉન્ટની સંખ્યા 7.5 કરોડ નજીક છે. એવામાં જે પોલિસીધારકો એલઆઇસીના શેર ખરીદવા માંગે છે તેમની પાસે ડિમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે. જેને જોતા ડિમેટ એકાઉન્ટ ખોલનારાઓની સંખ્યા સતત વધી રહી છે.