અમદાવાદ, 14 ફેબ્રુઆરીઃ જના સ્મોલ ફાઈનાન્સ બેન્કના આઈપીઓએ આજે ડિસ્કાઉન્ટે લિસ્ટંગ કરાવી રોકાણકારોને નિરાશ કર્યા છે. આજે કુલ 3 આઈપીઓએ મેઈન બોર્ડ ખાતે લિસ્ટિંગ કરાવ્યું છે. જેમાંથી બંને સ્મોલ ફાઈનાન્સ બેન્કો રિટર્ન આપવામાં નિષ્ફળ રહી છે. જ્યારે રાશિ પેરિફેરિલ્સે પણ નજીવા 8 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યું છે.

બીએસઈ ખાતે જના સ્મોલ ફાઈનાન્સ બેન્કે આજે 396ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યું હતું. જેની ઈશ્યૂ પ્રાઈસ રૂ. 414 સામે 4.5 ટકા ડિસ્કાઉન્ટ દર્શાવે છે. લિસ્ટિંગની થોડી ક્ષણોમાં શેર વધી 408.80ના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો. જો કે, બાદમાં સતત ઘટી  385.10 થયો હતો. 12.11 વાગ્યે 5.10 ટકા ડિસ્કાઉન્ટે 392.90 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

શેરબજારના ખરાબ માહોલ વચ્ચે ગ્રે માર્કેટમાં જના સ્મોલ ફાઈનાન્સ બેન્કના આઈપીઓ માટે પ્રીમિયમ ઘટી 3 ટકા (રૂ. 15) થયા હતા. આઈપીઓની જાહેરાત સમયે 15-20 ટકા ગ્રે પ્રીમિયમ બોલાઈ રહ્યા હતા. જના સ્મોલ ફાઈનાન્સે આઈપીઓ કુલ 19.89 ગણો ભરાયો હતો. જેમાં ક્યુઆઈબી પોર્શન 39.81 ગણો, એનઆઈઆઈ 26.13 ગણો અને રિટેલ પોર્શન 5.70 ગણો ભરાયો હતો.

જના સ્મોલ ફાઈનાન્સ બેન્ક દેશની ચોથી ટોચની સ્મોલ ફાઈનાન્સ બેન્ક છે. ગતવર્ષે તેનો ચોખ્ખો નફો 1365.12 ટકા વધ્યો હતો. આવકો પણ સતત વધી છે. નેટવર્થ પણ વધી રૂ. 2547 અને કુલ દેવુ રૂ. 5313.54 કરોડ (30 સપ્ટેમ્બર-23) રહ્યા હતા.