અમદાવાદ, 16 ઓક્ટોબરઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધની વણસતી સ્થિતિને પગલે ફોરેક્સ, ક્રૂડ ઓઈલ માર્કેટમાં અફરાતફરી વધી છે. જેના પગલે આજે ડોલર સામે રૂપિયો એક વર્ષના તળિયે પહોંચ્યો હતો. ક્રૂડ ઓઈલની કિંમતો અંગે ચિંતાઓ વધી રહી છે. આ યુદ્ધ અન્ય દેશોમાં ખેંચાઈ છે કે કેમ તે અંગે રોકાણકારો અસમંજસમાં મૂકાયા છે.

સોમવારે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો 2 પૈસા ઘટી 83.28 થયો હતો. જે શુક્રવારે 83.26 પર બંધ રહ્યો હતો. ડોલર સામે રૂપિયો અગાઉ ઓક્ટોબર,2022માં 83.29ની ઓલટાઈમ લો સપાટીએ બંધ નોંધાયો હતો.

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ક્રૂડની કિંમતોમાં વૃદ્ધિ અંગે ભીતિનો માહોલ તેમજ અન્ય દેશોમાં યુદ્ધ પ્રસરવાની શક્યતા સાથે રોકાણકારો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા રૂપિયોને તેના ઐતિહાસિક નીચા સ્તરે સરકતો અટકાવવા માટે નિયમિત રીતે હસ્તક્ષેપ કરી રહી છે અને સત્રની શરૂઆતમાં યુએસ ડોલરનું વેચાણ થવાની સંભાવના છે.

અગાઉ 6 ઓક્ટોબરે પૂરા થયેલા સપ્તાહમાં દેશનું ફોરેક્સ રિઝર્વ વધુ $2.166 બિલિયન અબજ ઘટીને $584.742 અબજ થયું છે. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ આજે 0.15 ટકા સુધારાસાથે 90.75 ડોલર પ્રતિ બેરલ નોંધાયું હતું. અમેરિકાની ફેડ રિઝર્વની બેઠક ટૂંકસમયમાં યોજાવાની છે. જેમાં દરો સ્થિર રહેવાની શક્યતા ઉપરાંત હમાસ-ઈઝરાયલ યુદ્ધમાં અમેરિકાની દખલગીરીના પગલે સેફ હેવનની માગ વધી છે.

ડોલર સામે રૂપિયો વધુ તૂટશે??

"રૂપિયો 83.23 અને 83.27 ની વચ્ચે પ્રમાણમાં ચુસ્ત અને સાઈડવેની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે. આ સ્થિર પેટર્ન એક મહિનાથી લાગૂ છે. આરબીઆઈ રૂપિયોને 83.30 ની નીચે જતા અટકાવી રહી હોય તેવું લાગે છે. ડૉલર ઇન્ડેક્સમાં 106.20$ થી 106.40$ની રેન્જમાં વધઘટ થઈ રહી છે. ઇઝરાયેલ અને ગાઝાને સંડોવતા જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ ફોરેક્સ માર્કેટ માટે અસ્થિરતા વધારી રહી છે." – જતિન ત્રિવેદી, રિસર્ચ એનાલિસ્ટ, LKP Securities.