ઇસબગુલ સીડ વાયદાનું ટ્રેડિંગ યુનિટ ત્રણ ટન અને ડિલીવરી યુનિટ ત્રણ ટન

ઇસબગુલ સીડના વાયદાનું ડિલીવરી સેન્ટર ઉંઝા રાખવામાં આવ્યું

મુંબઇ, ૧૯ એપ્રિલ: અગ્રણી કોમોડિટી એક્સચેન્જ નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ (એનસીડેક્સ) ખાતે ૧૯ એપ્રિલ-૨૦૨૩થી ઇસબગુલ સીડનાં વાયદાનો પ્રારંભ થયો છે.  શરૂઆતમાં મે-૨૩ થી ઓગસ્ટ-૨૩ એમ ચાર મહિનાનાં વાયદા કારોબાર માટે ઉપલબ્ધ થશે. આગળ જતાં એનસીડેક્સ ખાતે નવા વાયદા શરૂ થવાનાં કેલેન્ડર અનુસાર નવા વાયદા કારોબાર માટે ઉમેરવામાં આવશે. ઉંઝા પરંપરાગત રીતે ઇસબગુલનાં વેપારનું મોટું મથક રહ્યું હોવાથી એનસીડેક્સનાં ઇસબગૂલ સીડનાં વાયદાનું ડિલીવરી સેન્ટર પણ ઉંઝાને રાખવામાં આવ્યું છે.

આ પ્રસંગે એનસીડેક્સનાં ચીફ બિઝનેસ ઓફિસર કપિલ દેવે જણાવ્યું હતું કે ભારતનાં કૄષિ પેદાશોની નિકાસનાં વેપારમાં ઇસબગુલની ભૂમિકા છે  અને તેની નિકાસ સતત વધી રહી છે. ઇસબગુલનાં ભાવમાં જોવા મળતી મોટી વધઘટના સમયમાં નિકાસકારો તથા વેપારીઓને નડતા ભાવની વધઘટનાં જોખમને ઘટાડવા માટે એક મજબુત અને પારદર્શક યંત્રણાની જરુર હતી. હવે એનસીડેક્સ ખાતે ઇસબગુલ સીડસ નો વાયદો શરૂ થવાથી આ જ્રરૂરિયાત પુરી થશે.

ઇસબગુલ સીડનો વાયદો ફરજિયાત ડિલીવરીનો વાયદો છે અને ઉંઝા ડિલીવરી સેન્ટરને ધ્યાનમાં રાખીને જી.એસ.ટીની ગણતરી કર્યા વિનાના ભાવનો વાયદો હશે. જેની દૈનિક ભાવ મર્યાદા ચાર ટકા અને તેના ઉપર વધૂ બે ટકા એમ કુલ છ ટકાની ભાવ મર્યાદા રહેશે.

વિશ્વનું 80 ટકા ઇસબગુલ ભારતમાં ઉત્પાદન થાય છે

ભારતમાં ઇસબગુલનું વાર્ષિક ૧૫૦૦૦૦ ટન થી ૨૦૦૦૦૦ ટનનું ઉત્પાદન થાય છે. જે વિશ્વનાં કુલ ઉત્પાદનનો ૮૦ ટકા જેટલો હિસ્સો ગણાય છે. જ્યારે ભારતનાં કુલ ઉત્પાદનમાં ૮૦ ટકા હિસ્સો  ગુજરાતનો હોય છૈ. આ ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંમાં ઇસબગુલનું ઉત્પાદન થાય છે. આમ તો હજુ ભારતમાં ઇસબગુલનો ઉદ્યોગ સુનિયોજીત થયો નથી પરંતુ વ્યવસાયિક વર્તુળો માને છે કે વિશ્વમાં ઇસબગુલ હસ્કનાં વપરાશમાં ભારત ૮૫ ટકા કરતા વધારે હિસ્સા સાથે ટોચના સ્થાને રહે છે.

આ ઔષધ આધારિત કૄષિપેદાશનાં ઉત્પાદનમાં ભારતનું પ્રભૂત્વ હોવા છતાં ધણીવાર સ્થાનિક તેમજ વૈશ્વિક પરિબળોના કારણે જ્યારે ભાવની મોટી વધઘટ હોય ત્યારે  ભારતનાં ખેડૂતો અને નિકાસકારોને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવા સંજોગોમાં આ વાયદો તેમને ભાવના જોખમનું પ્રબંધન કરવાની ઉજળી તક પુરી પાડશે.