અમદાવાદ

સૌથી વધુ ઉર્જાનો વપરાશ કરતાં ક્રિપ્ટો માઈનિંગનો વિષય હંમેશાથી વિવાદોમાં રહ્યો છે. પરંતુ બીજી બાજુ નીચો વીજ દર ધરાવતા દેશોમાં ક્રિપ્ટો માઈનિંગ સોનાની ખાણ બન્યું છે. CoinGeckoના રિસર્ચ મુજબ, આર્થિક પડકારો વચ્ચે લેબનોન ક્રિપ્ટોકરન્સીના માઈનિંગ મારફત અઢળક કમાણી કરી રહ્યું છે. જેનો વાર્ષિક ઘરગથ્થુ વીજ ખર્ચ $266.20 હોવાથી બિટકોઈન માઈનિંગ નફાકારક બન્યું છે. આ સાથે અન્ય 65 દેશો ક્રિપ્ટો માઈનિંગ દ્વારા કમાણી કરી રહ્યા છે.

જેમાં આઠ દેશો  ખાસ કરીને દક્ષિણ અમેરિકા અને કેરેબિયનમાં છે. આફ્રિકાના 18 અને એશિયાના 34 દેશો નીચા વીજદરોના લીધે મોટાપાયે ક્રિપ્ટો માઈનિંગ દ્વારા નફો મેળવી રહ્યા છે. ઉલ્લેખનીય છે, ઈરાકમાં ક્રિપ્ટોકરન્સી ટ્રાન્જેક્શન પર 2017માં પ્રતિબંધ મૂક્યો હોવા છતાં માઈનિંગ મામલે નફો મેળવતા દેશોમાં સાતમા ક્રમે છે.

બિટકોઈન માઈનિંગ પાછળ ખર્ચ 46 હજાર ડોલર

સરેરાશ વીજ દરને ધ્યાનમાં રાખતાં એક બિટકોઈન માઈનિંગ પાછળ એવરેજ $46,291.24નો ખર્ચ થાય છે. જ્યારે તેનો વર્તમાન ભાવ $25,736 છે. જુદા-જુદા દેશોમાં તેનો માઈનિંગ ખર્ચ બદલાતો હોય છે. યુરોપમાં તે વધી $85,767.84 થાય છે. જો કે, એશિયામાં એક બિટકોઈનની ખાણકામ ખર્ચ સરેરાશ માત્ર $20,635.62 છે. આ પ્રદેશમાં ઓછા ઉર્જા ખર્ચને લીધે ખાણિયાઓને નફો કરવાનું શક્ય બને છે. તેમ છતાં, લેબનોનની નીચી કિંમત $266.20થી લઈને જાપાનની $64,111.02ની ઊંચી કિંમત સુધીના પાવરની કિંમતોમાં નોંધપાત્ર અસમાનતા રહે છે.