MCXની સ્પષ્ટતા કોમોડિટી વાયદામાં ઓપન ઈન્ટરેસ્ટ જૂના ધારાધોરણ પ્રમાણે ચાલુ રહેશે
ઓગસ્ટ, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર 2022માં વેપાર કરી શકાશે
રનિંગ વાયદા ચાલુ જ રહેશે, નવા વાયદા 30 દિવસમાં નવા સ્વરૂપે શરૂ કરાશે
અમદાવાદઃ રૂ વાયદા બજારના અગ્રણી એક્સચેન્જ એમસીએક્સ દ્વારા કોટનના વાયદાના વેપારની શરૂઆત વર્ષ 2011માં કરવામાં આવી હતી. આ વાયદાની શરૂઆત પહેલાં અને પછી ઘણાં બધા અથાગ પ્રયત્નો કરીને આજે જ્યારે 11 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે છેલ્લાં ઘણાં દિવસોમાં વાયદાના ભાવની વધઘટને લઈને મિલો દ્વારા એક વાયદા વિરોધી અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ સંદર્ભમાં એક્સચેન્જ અને સેબી દ્વારા બજારના સહભાગીઓની એક મિટિંગ તારીખ 26-08-2022 (શુક્રવાર)ના રોજ સેબી ભવન, મુંબઈ ખાતે યોજવામાં આવી હતી. આ ઐતિહાસિક દિવસ સાબિત થશે કેમ કે અત્યાર સુધી જ્યારે પણ ભાવોમાં વધારો થાય એટલે વાયદા બંધ કરવામાં આવતા હતા, પરંતુ આ પહેલી વખત છે કે વાયદા બંધ કરવાને બદલે એમાં સુધારા-વધારા કરવાનું અને મિલોની ભાગીદારી વધે એવા પ્રયાસો કરવાનું આ મિટિંગ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.
મિટિંગમાં કોણ કોણ રહ્યાં હાજર
આ મિટિંગમાં સેબી ઉપરાંત ટેક્સટાઈલ કમિશનર, ટેક્સટાઈલ મંત્રાલયના અધિકારીઓ, ટેક્સટાઈલ એડવાઈઝરી ગ્રુપ, સીસીઆઈ, સીએઆઈ, સીમા, એમસીએક્સ અને એમસીએક્સસીસીએલ વગેરે જેવી સંસ્થાના ઉચ્ચ અધિકારીઓ સામેલ થયા હતા.
મિટિંગમાં શું લેવાયો નિર્ણય
આ મિટિંગમાં નક્કી થયા મુજબ જે વાયદાના કરારોમાં ઊભાં ઓળિયાં (ઓપન ઈન્ટરેસ્ટ) છે એ વાયદાના વેપાર જૂના ધારાધોરણ પ્રમાણે ચાલુ રહેશે એટલે કે ઓગસ્ટ, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર 2022માં વાયદાના વેપાર કરી શકાશે.
જાન્યુઆરી-2023 અને એ પછીના વાયદાના કરાર ચાલુ કરવા માટે સેબી દ્વારા 30 દિવસનો સમય સુધારા-વધારા કરવા અને હાજર બજારના મંતવ્યોને સામલ કરીને આ વાયદાને વધુ સુદૃઢ બનાવવાનાં પગલાંનો સેબીનો નિર્ણય વૈશ્વિક સ્તરે સારો સંદેશ આપે છે કે ભારતમાં પણ કૃષિના વાયદા સારી રીતે નિયમન થઈ શકે છે. આવનારા દિવસોમાં સેબી દ્વારા આવા પગલાં લઈને અન્ય કૃષિ કોમોડિટીના વાયદા વેપારને મંજૂરી આપવી જોઈએ, એવી રજૂઆત અત્રેથી કરવામાં આવે છે.
યુએસ કોટન માટે આઈસ કોટન વાયદો ઘણા બધા લોકો જોતા હોય છે, એ જ રીતે ચાઈના કોટન માટે ઝેડસીઈ કોટન વાયદો ખૂબ જ પ્રચલિત છે. આવી જ રીતે ભારતીય કોટન માટે એમસીએક્સ કોટન વાયદો આજે જ્યારે બેન્ચમાર્ક સ્થાપિત કરી રહ્યો છે ત્યારે બજારના તમામ સહભાગીઓએ પોતાના અંગત સ્વાર્થને બાજુએ મૂકીને ભારતીય વાયદાને વૈશ્વિક સ્તરે પહોંચડાવા પૂરતાં પ્રયાસ કરવા જોઈએ. બજારના તમામ લોકો ભારતીય રૂ વાયદામાં ભાગીદારી લઈને આપણા આ વાયદાને વૈશ્વિક બેન્ચમાર્ક બનાવીને આત્મનિર્ભર બની શકે છે. વાયદા બજારથી ખેડૂતોને ભાવની આગોતરી જાણ થતી હોવાથી ખેડૂત પોતાનો માલ યોગ્ય સમયે અને યોગ્ય ભાવે વેચી શકે છે. ખેડૂત પોતે ખેડૂત મંડળીઓ (એફપીઓ)ના માધ્યમ દ્વારા પોતાની ઊપજ એક્સચેન્જના પ્લેટફોર્મ પર હેજ કરીને વેચાણની તકોનો લાભ પણ લઈ શકે છે. રનિંગ વાયદા જે ચાલુ છે એ ચાલુ જ રહેશે અને નવા વાયદા ફક્ત 30 દિવસમાં નવા સ્વરૂપે શરૂઆત કરવામાં આવશે, જે હાજર બજારના સૂચનો આધારિત હશે.