(લેખકઃ ચંદ્રપ્રકાશ પડિયાર, સિનિયર ફંડ મેનેજર, ટાટા એસેટ મેનેજમેન્ટ)

આજે રોકાણકારો માટે વિવિધ મ્યુચ્યુઅલ ફંડ (MF) સ્કીમ છે, જેમાં તેઓ રોકાણ કરી શકે છે. કોઇપણ MF સ્કીમમાં રોકાણ કરવાનો નિર્ણય મુખ્યત્વે રિસ્ક પ્રોફાઇલ અને વ્યક્તિના નાણાકીય લક્ષ્યો ઉપર આધારિત હોય છે.

સેબીએ રોકાણકારોના લાભ માટે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડના અનેક વર્ગીકરણ કર્યા છે. જેમકે લાર્જ કેપ કેટેગરી, મિડ-કેપ કેટેગરી, સ્મોલ-કેપ કેટેગરી વગેરે. લાર્જ અને મિડ-કેપ કેટેગરી એવા લાંબા ગાળાના રોકાણકારો માટે પસંદગીના વિકલ્પ તરીકે ઝડપથી ઉભરી રહી છે કે જેઓ રૂઢિચુસ્ત એટલે કે સ્થિરતા સાથે તેમની મૂડીમાં સ્થિર વૃદ્ધિ કરવા માગે છે.

લાર્જ અને મિડ-કેપ કેટેગરી શું છે?

લાર્જ અને મિડ-કેપ કેટેગરી મુખ્યત્વે લાર્જ કેપ શેરો અને મિડ-કેપ શેરોમાં રોકાણ કરે છે. રોકાણના હેતુ માટે આ કેટેગરી હેઠળ માર્કેટ કેપિટલાઇઝેશન મૂજબ ટોચના 250 શેરોને ધ્યાનમાં લેવાશે. મેન્ડેટ મૂજબ ફંડ મેનેજરે પ્રત્યેક લાર્જ કેપ અને મિડકેપ્સમાં ઓછામાં ઓછા 35 ટકા રોકાણ કરવું જરૂરી છે.

લાર્જ અને મિડ-કેપ કેટેગરીમાં કેમ રોકાણ કરવું જોઇએ?

લાર્જ અને મિડકેપ ફંડ ઇક્વિટી માર્કેટ્સમાં તકોની ઓળખ કરવા માટે સખત સંશોધન કરે છે. તકો ટર્નઅરાઉન્ડ કંપનીઓમાં અથવા એવી કંપનીઓમાં મળી શકે છે જ્યાં ફંડામેન્ટલ્સમાં સુધારો થઈ રહ્યો હોય. જ્યારે પણ ફંડ મેનેજર તકની ઓળખ કરે ત્યારે તે લાર્જ અને મિડકેપ સ્ટોકમાં રોકાણ કરે છે. ગ્રોથ એટ અ રિઝનેબલ પ્રાઇઝ (જીએઆરપી) રોકાણની ફિલસૂફીની મદદથી મજબૂત બોટમ-અપ અભિગમને આધારે સ્ટોકની પસંદગી થતી હોવા છતાં ફંડ સક્રિય રીતે મેનેજ થાય છે અને ડાયનેમિક છે. જીએઆરપી અભિગમથી તે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શેર્સને ધ્યાનમાં લેવાની સાથે-સાથે તે વાજબી કિંમતે ખરીદાય તે સુનિશ્ચિત પણ કરે છે. આ અભિગમ વ્યક્તિગત શેરોની પસંદગી કરવા માટે વૃદ્ધિ અને મૂલ્ય રોકાણના શ્રેષ્ઠ પાસાઓને જોડવાનો પ્રયાસ કરે છે. જીએઆરપી ઇન્વેસ્ટમેન્ટ ફિલસૂફી અપનાવતી વખતે સમગ્ર ખ્યાલ એવી કંપનીઓને ઓળખવાનો છે કે જેઓ સરેરાશથી સારી આવક ડિલિવર કરવાની તથા આવકમાં વૃદ્ધિની અપેક્ષા હોય તથા વાજબી મૂલ્યાંકન ઉપર ટ્રેડ કરતી હોય.

લાર્જ અને મિડ-કેપ કેટેગરીમાં રોકાણના લાભોઃ

વૈવિધ્યકરણઃ જ્યારે રોકાણ લાર્જકેપ અને મિડકેપમાં હોય ત્યારે જોખમ અથવા વોલેટાલિટીનો પ્રભાવ ઘટી જાય છે. આ પ્રકારનું વૈવિધ્યકરણ ફંડ મેનેજરને લાંબાગાળે ઉચ્ચ રિસ્ક એડજસ્ટેડ રિટર્ન ડિલિવર કરવામાં મદદરૂપ બને છે.

સ્થિરતાઃ લાર્જ કેપ સ્ટોકની વિશ્વસનીય નાણાકીય અને સ્થાપિત ઉપસ્થિતિ સાથે તે પોર્ટફોલિયોમાં સ્થિરતા પ્રદાન કરે છે.

વૃદ્ધિની સંભાવનાઃ મિડ કેપ સ્ટોક સામાન્ય રીતે ઉચ્ચ વૃદ્ધિ ધરાવતા સ્ટોક છે, જે સંભવતઃ ઉચ્ચ વળતર પ્રદાન કરી શકે છે.