અમદાવાદ, 27 ડિસેમ્બરઃ સ્થાનિક શેર બજાર સ્થિરતા સાથે સતત આગળ વધી રહ્યું છે. નિફ્ટી-50 આજે ફરી નવી 21603.40 પોઈન્ટની ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે. સેન્સેક્સ 535 પોઈન્ટ ઉછળી 71871.81 થયો હતો. સેન્સેક્સે 20 ડિસેમ્બરે 71913.07ની સર્વોચ્ચ ટોચ નોંધાવી હતી.

સેન્સેક્સ અને નિફ્ટી ડિસેમ્બરમાં અત્યાર સુધીમાં 7 ટકાથી વધુ વધ્યા છે, જે અગાઉના મહિનામાં નોંધપાત્ર 5 ટકાના વધારાને પગલે 26 ડિસેમ્બરના બંધ સુધી સેન્સેક્સ આ વર્ષે 17.3 ટકા વધ્યો છે જ્યારે નિફ્ટી50 18.4 ટકા ઊછળ્યો છે. સ્થાનિક આર્થિક વૃદ્ધિના પોઝિટીવ આંકડાઓ, યુએસમાં ફુગાવામાં રાહતના કારણે રેટ કટની આશાને વેગ આપ્યો હતો, યુએસ બોન્ડની યીલ્ડ અને ડોલરમાં સતત ઘટાડો અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) દ્વારા ખરીદી કરી હતી.

વિદેશી બજારોના સથવારેઃ અમેરિકામાં ફુગાવામાં રાહત રેટ કટની અપેક્ષામાં વધારો કરે છે. અમેરિકી ફેડ રિઝર્વ માર્ચ સુધી વ્યાજદરોમાં ઘટાડો શરૂ કરી શકે છે. જેના પગલે અમેરિકી, એશિયાઈ બજારોમાં સુધારાની અસર સ્થાનિક શેરબજાર પર જોવા મળી હતી.

મજબૂત આર્થિક ગ્રોથઃ ભારતનો જીડીપી ગ્રોથ સતત મજબૂતાઈ સાથે આગળ વધી રહ્યો છે. ફિચ રેટિંગ્સે પણ જીડીપી ગ્રોથ અંદાજ વધારી 6.5 ટકા (2024-25) કર્યો છે. તેમજ ચાલુ નાણાકીય વર્ષમાં 6.5-7.5 ટકાના દરે જીડીપી વધવાનો સંકેત અર્થશાસ્ત્રીઓ આપી રહ્યા છે.

વિદેશી રોકાણમાં વધારોઃ શેરબજારોની તેજી અને રેટ કટના પગલે વિદેશી રોકાણ વધ્યું છે. નવેમ્બરમાં એફપીઆઈએ 24546 કરોડ અને ડિસેમ્બરમાં અત્યારસુધી 78903 કરોડનું રોકાણ કર્યું છે.

રિટેલ રોકાણકારોની ભાગીદારીઃ દેશની વધતી વસ્તી વચ્ચે રિટેલ રોકાણકારોએ શેરબજારના રિટર્નને ધ્યાનમાં રાખતાં રોકાણ વધાર્યું છે. બીએસઈ આંકડાઓ અનુસાર, રિટેલ રોકાણકારોની સંખ્યા વાર્ષિક ધોરણે 27 ટકા વધી છે. માસિક ધોરણે 3 ટકા વધારો જોવા મળ્યો છે.

આઠ સેક્ટોરલ ઈન્ડેક્સ ઐતિહાસિક ટોચે પહોંચ્યા

સ્ટોક સ્પેસિફિક તેજી વચ્ચે આજે મેટલ, એનર્જી, ઓઈલ એન્ડ ગેસ, એફએમસીજી, હેલ્થકેર, ઈન્ડસ્ટ્રીયલ, કન્ઝ્યુમર ગુડ્સ, કેપિટલ ગુડ્સ ઈન્ડેક્સ ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. જેમાં એનર્જી ઈન્ડેક્સ સૌથી વધુ 1.94 ટકા અને મેટલ શેરોમાં તેજી સાથે ઈન્ડેક્સ 1.03 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે. હેલ્થકેર સેગમેન્ટમાં ગુજરાત થેમિસ બાયોસિન લિ. (Gujarat Themis Bisyn Ltd.)નો શેર 12.93 ટકા ઉછળા સાથે 236.15ની વાર્ષિક ટોચે પહોંચ્યો હતો. ઈન્ડસ્ટ્રીયલ સેગમેન્ટમાં કામધેનુનો શેર 13.34 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે.