અમદાવાદ, 18 ડિસેમ્બરઃ  સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના પ્રસ્તાવિત ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) માટે ઓછામાં ઓછી એક વર્ષ માટે ભૂલ-મુક્ત કામગીરી સુનિશ્ચિત કરવા સહિત અનેક શરતો લાદી છે.

માર્કેટ રેગ્યુલેટર ઈચ્છે છે કે NSE તેના ટેક્નોલોજીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરે, કોર્પોરેટ ગવર્નન્સ સ્ટ્રક્ચરમાં સુધારો કરે અને વિલંબિત કાનૂની બાબતોનું નિરાકરણ લાવે.

એક્સ્ચેન્જ કોર્પોરેટ ગવર્નન્સના મુદ્દાઓમાં ફસાયા પછી NSEનું લિસ્ટિંગ ઘણા વર્ષોથી વિલંબમાં પડ્યું છે, જેમાં 2015ના કો-લોકેશન કૌભાંડમાં તેના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવની ભૂમિકાથી માંડી મલ્ટીપલ તકનીકી નિષ્ફળતાઓના સંદર્ભમાં સમસ્યાઓ સમાવિષ્ટ છે.

2021માં, NSEને તેની મેઇનફ્રેમ અને ડિઝાસ્ટર રિકવરી સાઇટ્સમાં ખામી સર્જાતાં કેટલાંક કલાકો સુધી ટ્રેડિંગ અટકાવવું પડ્યું હતું, જેના કારણે SEBI તરફથી સઘન તપાસ કરવામાં આવી હતી. આ વર્ષની શરૂઆતમાં, NSEના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર આશિષકુમાર ચૌહાણે કહ્યું હતું કે, “ભારતમાં રોકાણકારોની સંખ્યા હાલમાં 7.5 કરોડથી બમણી અથવા ત્રણ ગણી થાય છે, સેબીને અમારી પ્રક્રિયાઓ, ટેક્નોલોજી અને ઇરાદાઓમાં વિશ્વાસ રાખવાની જરૂર છે. જ્યારે સેબી વધુ આરામદાયક બનશે, ત્યારે તેઓ અમને IPO માટે અરજી કરવાનું કહેશે અને અમે આગળ વધીશું.”

30 સપ્ટેમ્બરના રોજની શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, NSEનું નોન-પબ્લિક શેરહોલ્ડિંગ 49 ટકાની નિર્ધારિત મર્યાદા સામે 44.03 ટકા હતું.પબ્લિક હોલ્ડિંગ 51 ટકાની લઘુત્તમ નિર્ધારિત મર્યાદા સામે 55.97 ટકા છે. NSEના શેરની છેલ્લી સૂચિત હરાજી રૂ. 3,150 પર હતી.

એક્સચેન્જના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બર ક્વાર્ટર માટે, NSEએ રૂ. 1,999 કરોડના કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 13 ટકા વૃદ્ધિ નોંધાવી હતી. કોન્સોલિડેટેડ આવક રૂ. 3,652 કરોડ હતી, જે એક વર્ષ અગાઉના સમયગાળાની તુલનામાં 24 ટકાનો વધારો દર્શાવે છે.

ટ્રેડિંગ ઉપરાંત, ટોચની લાઇનને લિસ્ટિંગ, ઇન્ડેક્સ સેવાઓ, ડેટા સેવાઓ અને કો-લોકેશન સુવિધા સહિતની અન્ય આવક લાઇન દ્વારા પણ ટેકો મળ્યો હતો.