અમદાવાદઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (NSE) વર્ષ 2022માં એક વાર ફરી દુનિયાના સૌથી મોટા ડેરિવેટિવ્સ એક્સચેન્જ તરીકે બહાર આવ્યું છે. વળી વર્લ્ડ ફેડરેશન ઓફ એક્સચેન્જીસ (ડબલ્યુએફઇ)એ જાળવેલા આંકડા મુજબ, NSEએ વર્ષ 2022માં ટ્રેડની સંખ્યા (ઇલેક્ટ્રોનિક ઓર્ડર બુક)ની દ્રષ્ટિએ ઇક્વિટી સેગમેન્ટમાં દુનિયામાં ત્રીજું સ્થાન મેળવ્યું છે, જે અગાઉના વર્ષમાં પ્રાપ્ત કરેલા 4થા સ્થાનથી એક સ્થાનની પ્રગતિ છે.

કેલેન્ડર વર્ષ 2022માં ઇક્વિટી સેગમેન્ટમાં એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ઇટીએફ) દૈનિક સરેરાશ ટર્નઓવર રૂ. 470 કરોડ હતું, જે વાર્ષિક ધોરણે 51 ટકાનો વધારો છે. કેલેન્ડર વર્ષ 2022માં સેકન્ડરી માર્કેટમાં સોવેરિયન ગોલ્ડ બોન્ડ્સનું દૈનિક સરેરાશ ટર્નઓવર રૂ. 7 કરોડ હતું, જે વાર્ષિક ધોરણે 59 ટકાનો વધારો છે. NSEના ઇક્વિટી સેગમેન્ટમાં ઓછા આધાર સાથે વોલ્યુમ ગયા મહિને દૈનિક સરેરાશ ટર્નઓવર રૂ. 3 કરોડને આંબી ગયું છે. ડેરિવેટિવ્સ મોરચે NSE કરન્સી અને વ્યાજદરના સેગમેન્ટમાં તેમજ કોમોડિટી ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં નવા ઉત્પાદનો પર કાર્યરત છે તેમજ ટૂંક સમયમાં શરૂ કરવાની જાહેરાત કરશે, જે નિયમનકારી મંજૂરીઓને આધિન છે. ઇક્વિટી સેગમેન્ટમાં 27 જાન્યુઆરી, 2023ના રોજ NSE પર ટ્રેડિંગ માટે ઉપલબ્ધ તમામ સીક્યોરિટીઝ T+1 આધારે સેટલ થશે. ઇક્વિટી સેગમેન્ટમાં સાઇઝ અને વિશાળ કામગીરીને ધ્યાનમાં રાખીએ તો આ ઉપલબ્ધિ મહત્વપૂર્ણ છે. આ સીમાચિહ્નરૂપ પ્રસંગે NSEના બિઝનેસ ડેવલપમેન્ટનાં હેડ શ્રીરામ ક્રિષ્નને કહ્યું હતું કેઃ ઇક્વિટી સેગમેન્ટમાં 3જુ સ્થાન મેળવવાની અને ડેરિવેટિવમાં સૌથી મોટા એક્સચેન્જની ઉપલબ્ધિ તમામ હિતધારકોના સહિયારા પ્રયાસોનું પરિણામ છે.