NTPC તેની પેટા કંપની NTPC ગ્રીન એનર્જી માટે IPO લાવશે
નવી દિલ્હી, 14 એપ્રિલઃ NTPC તેના ગ્રીન એનર્જી યુનિટ NTPC ગ્રીન એનર્જી લિમિટેડ (NGEL) માટે આઈપીઓ (IPO) દ્વારા ફંડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. NTPC FY24માં આશરે ₹6,000 કરોડની સંપત્તિ મોનેટાઈઝ કરવાની યોજના ધરાવે છે તે પ્લાનમાં NGELનો IPO સામેલ છે.
મલેશિયાના પેટ્રોલિયમ નેશનલ બર્હાદ (Petronas)એ 20% હિસ્સા માટે તેની ઓફર પાછી ખેંચી લેતાં કંપની આઈપીઓ મારફત ફંડ મેળવવા માગતી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. 17 માર્ચના રોજ કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ (CCEA)એ તેની પેટા કંપનીમાં મહારત્ન કંપની માટે NGELમાં NTPCના રોકાણને ₹5,000 કરોડની નિર્ધારિત મર્યાદા કરતાં વધારવાની મંજૂરી આપી હતી. NTPC ભવિષ્યમાં NGEL માટે વ્યૂહાત્મક રોકાણકારોની શોધ કરશે નહીં.
બજારમાં ચાલતી ચર્ચા અનુસાર આઈપીઓ બુક બિલ્ડિંગના આધારે રહેશે. પેટ્રોનાસે ગયા મહિને બિડિંગમાં હિસ્સા માટે REC લિમિટેડ અને ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ સાથે કરાર કર્યા હતા.
NTPCની લગભગ 15 રિન્યુએબલ એનર્જી એસેટ્સ 2022-23ના અંતમાં NGELને ટ્રાન્સફર કરવામાં આવી હતી. NGEL ભારતના સૌથી મોટા પાવર ઉત્પાદકના મહત્વાકાંક્ષી ક્લિન એનર્જી પ્રોગ્રામનું સંચાલન કરશે. પ્રોજેક્ટ હાથ ધરવા માટે કંપની પાસે પેટાકંપનીઓ અને સંયુક્ત સાહસો હશે.