સાપ ગયાને લિસોટા રહ્યા કહેવતની જેમ કોવિડ-19 ખતમ થઇ રહ્યો છે. પરંતુ તેની આડ અસરો મધ્યમ વર્ગની કેડ ભાંગી રહી છે. રશિયા- યુક્રેન જિયો પોલિટિકલ ક્રાઇસિસ, ચીન- વિયેતનામ અને ચીન- યુએસ ટ્રેડ ટકરાવ સહિત સંખ્યાબંધ પ્રશ્નો વચ્ચે ક્રૂડ સહિતની મહત્વની કોમોડિટીઝ સરકારી ચોપડે સસ્તી થઇ રહી છે. પરંતુ 66 ટકા સામાન્ય અને મધ્યમ વર્ગના ઘર ખર્ચમાં કોઇપણ જાતની વધારાની ખરીદી સિવાય સામાન્ય જનજીવન 30 ટકા સુધી મોંઘુ થઇ ગયું છે.

કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઈન્ડેક્સ મેમાં વધી 12 થયો છે. જે એપ્રિલમાં 11 હતો. મે માસમાં તે સાથે છેલ્લા ચાર માસની ટોચે પહોંચ્યો છે. આ સેન્ટિમેન્ટ સંપૂર્ણ કૌટુંબિક ખર્ચ, આવશ્યક અને બિનઆવશ્યક ચીજવસ્તુઓ પર ખર્ચ, આરોગ્ય ખર્ચ, મીડિયા-એન્ટરટેઈનમેન્ટ એક્ટિવિટી અને પ્રવાસ ખર્ચ પર આધારિત છે. એક્સિસ માય ઈન્ડિયાના સર્વે અનુસાર, 66 ટકા પરિવારોના કુલ ખર્ચમાં વધારો જોવા મળ્યો છે. જે એપ્રિલ કરતાં 4 ટકા વધ્યો છે. 48 ટકા પરિવારોએ આવશ્યક ચીજવસ્તુઓ પર ખર્ચ વધાર્યો હોવાનું જોવા મળ્યું છે. જ્યારે 14 ટકા પરિવારોએ એસી, કાર, રેફ્રિજરેટર જેવી પ્રોડક્ટ્સ પર ખર્ચ વધાર્યો છે. જે માસિક ધોરણે 1 ટકા વૃદ્ધિ દર્શાવે છે.

આરોગ્ય સંબંધિત ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ્સમાં ખર્ચ વધાર્યો

કોરોના મહામારી બાદથી લોકો આરોગ્ય પ્રત્યે વધુ જાગૃત્ત બન્યા છે. આરોગ્ય સંબંધિત ચીજવસ્તુઓ પાછળ 38 ટકા પરિવારોએ ખર્ચ વધાર્યો છે. 47 ટકા પરિવારો વધતા-ઓછા અંશે ખર્ચ જાળવી રાખ્યો છે. જ્યારે 15 ટકા પરિવારોએ કોવિડના કેસોમાં ઘટાડો અને વેક્સિનેશનના કારણે આરોગ્ય સંબંધિત પ્રોડક્ટ્સમાં ખર્ચ ઘટાડ્યો છે. કન્ઝ્યુમર હેલ્થના નેટ સ્કોરનું મૂલ્ય એપ્રિલમાં -23 નોંધાયુ હતું.

આર્થિક ભીંસના કારણે રોકાણ યોજના પર લગામ

કોરોનાના લીધે મોટાભાગના તમામ વર્ગ આર્થિક ભીંસમાં છે. નાણાકીય કટોકટીના કારણે 78 ટકા લોકોએ ચાલુ નાણાકીય વર્ષમાં રોકાણ યોજનાને પડતી મૂકી છે. જ્યારે 13 ટકા પરિવારો હેલ્થ ઈન્સ્યોરન્સ, લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસીમાં રોકાણ કરવાની યોજના ધરાવે છે. ઈક્વિટીમાં અનેકગણુ રિટર્ન મળી રહ્યુ હોવા છતાં માત્ર 3 ટકા લોકો શેર-મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માગે છે. જ્યારે સોનાના ઉંચા ભાવોના લીધે રોકાણ 2 ટકા નોંધાશે.

કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ સ્કોર એટ એ ગ્લાન્સ

વિગતમે-22એપ્રિલ-22માર્ચ-22ફેબ્રુ-22જાન્યુ-22
ઘરેલુ ખર્ચ5853443950
આવશ્યક ખર્ચ2929242026
બિન જરૂરી ખર્ચ88336
આરોગ્ય ખર્ચ-23-22-19-20-22
મીડિયા-મનોરંજન-2-1121
પ્રવાસ ખર્ચ100-3-3
કુલ સેન્ટિમેન્ટ+12+11+9+7+10

નોંધ: આંકડા પોઈન્ટમાં, સ્રોત: એક્સિસમાયઈન્ડિયા

ઓનલાઈન ફૂડ કે ગ્રોસરી ખરીદવાનો ક્રેઝ ઘટ્યો

છેલ્લાં એક વર્ષમાં 35 ટકાએ ઓનલાઇન ખરીદી કરી હતી. ઓનલાઈન શોપિંગ માર્કેટ ઝડપથી વધી રહ્યુ હોવા છતાં માત્ર 19 ટકા ઉત્તરદાતાઓએ ભારતીય ફૂડ અને ગ્રોસરી ઓનલાઇન એપ્સ ઝડપથી સંતોષ આપતી અને સમય બચાવતી સુવિધા દર્શાવી છે. આજે પણ 77 ટકા લોકોએ ઝોમેટો, સ્વિગી, બિગબાસ્કેટ સહિતની ફૂડ-ગ્રોસરી એપ્સનો ઉપયોગ કર્યો નથી. જેની પાછળનું કારણ સર્વિસ ચાર્જ છે. સાથે સાથે કોરોના નિયંત્રણો હટતાં લોકો આઉટ ઇટિંગને વધુ પ્રેફરન્સ આપી રહ્યા છે.