અમદાવાદ, 5 માર્ચઃ પ્લેટિનમ ઈન્ડસ્ટ્રીઝ લિ.એ આજે બીએસઈ ખાતે 33 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યા બાદ રોકાણકારોને કુલ 38.59 ટકા નફો આપવામાં સફળ રહી હતી. જો કે, ગ્રે માર્કેટમાં રૂ. 100 અર્થાત 58 ટકા પ્રીમિયમ મળવાનો સંકેત નિષ્ણાતોએ દર્શાવ્યો હતો. જેની સમકક્ષ રિટર્ન આપવામાં કંપની નિષ્ફળ રહી હતી.

બીએસઈ ખાતે 171ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 228ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યા બાદ ઉંચામાં 237 અને નીચામાં 219 થયો હતો. 12.50 વાગ્યે 29.82 ટકા પ્રીમિયમે 222ના સ્તરે કારોબાર થઈ રહ્યો હતો. પ્લેટિનમ ઈન્ડસ્ટ્રીઝે રૂ. 171 ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 235.32 કરોડનું ફંડ એકત્ર કર્યુ હતું.

પ્લેટિનમ ઈન્ડસ્ટ્રીઝના આઈપીઓ માટે રિટેલ રોકાણકારોએ 50.92 ગણા બીડ ભર્યા હતા. ક્યુઆઈબી પોર્શન 151 ગણો અને એનઆઈઆઈ 141.79 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે કુલ 98.99 ગણો ભરાયો હતો. 2016થી કાર્યરત પ્લેટિનમ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ સ્ટેબિલાઈઝર્સના ઉત્પાદનમાં વિશેષતા ધરાવે છે. જે પીવીસી સ્ટેબિલાઈઝર્સ, સીપીવીસી એડિટીવ્સ અને લુબ્રિકાન્ટ્સનું ઉત્પાદન કરે છે. કંપનીની પ્રોડક્ટ્સ પીવીસી પાઈપ્સ, પીવીસી પ્રોફાઈલ્સ, પીવીસી ફિટિંગ્સ, ઈલેક્ટ્રિકલ વાયર્સ અને કેબલ્સ, એસપીસી ફ્લોર ટાઈલ્સ, પીવીસી ફોમ બોર્ડ, પેકેજિંગ મટિરિયલ્સમાં વપરાય છે. કંપનીની આવક છેલ્લા છ વર્ષમાં 42.11 ટકાના દરે વધી છે. જે 2018માં 28.42 કરોડ સામે વધી 2023માં 234.05 કરોડ થઈ છે. કંપની દેશભરમાં 12 ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર ધરાવે છે.

નિષ્ણાતોના મતે, કંપની ઉંચા માર્જિન સાથે ઈનોવેટિવ ક્વોલિટી પ્રોડક્ટ્સમાં શ્રેષ્ઠ માર્કેટ ધરાવે છે. ટોપ અને બોટમ લાઈનમાં સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે. કંપની આઈપીઓ મારફત એકત્રિત ફંડનો ઉપયોગ તેની પેટા કંપનીઓની સ્થાપના અને વિસ્તરણ માટે કરશે. જેને ધ્યાનમાં લેતાં આગામી વર્ષોમાં કંપની આ ગ્રોથ જાળવી રાખવા વિશ્વસનીય છે. જો કે, બજારની વર્તમાન સ્થિતિને જોતાં કરેક્શનના માહોલમાં શેરના ભાવમાં ઘટાડો થઈ શકે છે. શોર્ટ ટર્મ રોકાણકારોને નફો બુક કરવા તેમજ લિસ્ટિંગ બાદના પ્રથમ ત્રિમાસિક પરિણામ જારી થયા બાદ ખરીદી કરવા સલાહ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)