અમદાવાદ, 21 ઓક્ટોબરઃ Paytmની પેરેંટ કંપની One97 Communicationsએ સપ્ટેમ્બર-23ના રોજ પૂર્ણ થયેલા બીજા ત્રિમાસિકમાં રૂ. 2,519 કરોડની કોન્સોલિડેટેડ આવક નોંધાવી છે. જે ગતવર્ષે રૂ. 1914 કરોડની તુલનાએ 32 ટકા વધી છે.

ચુકવણીમાં સુધારો કરવાને કારણે પ્રોસેસિંગ માર્જિન અને લોન વિતરણમાં વૃદ્ધિના કારણે કંપનીની ખોટ ઘટીને રૂ. 292 કરોડ થઈ છે, ગતવર્ષે રૂ. 571 કરોડ હતી. કંપનીને ચાલુ નાણાકીય વર્ષમાં આવકોમાં વૃદ્ધિનો દોર જારી રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. તહેવારોની સિઝનમાં ઓનલાઈન વેચાણમાં વૃદ્ધિના કારણે ત્રીજા ત્રિમાસિકમાં આકર્ષક પરિણામો નોંધાવાનો આશાવાદ છે.

એકંદર લોન વિતરણ 122 ટકા વધીને રૂ. 16,211 કરોડ નોંધાયું હતું. કુલ લોન ફાળવણીમાંથી રૂ. 3,275 કરોડની મર્ચન્ટ લોન અને રૂ. 3,927 કરોડની પર્સનલ લોન સમાવિષ્ટ છે. પોસ્ટપેડ લોનનું મૂલ્ય રૂ. 9,010 કરોડ રહ્યું હતું.

Paytm પાસે ચાર અલગ-અલગ પ્રકારના ક્રેડિટ પોર્ટફોલિયો છે – Paytm પોસ્ટપેડ, પર્સનલ લોન, મર્ચન્ટ લોન અને તેના કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ્સ.

સપ્ટેમ્બર 2023ના રોજ પૂરા થતા ક્વાર્ટરમાં કંપનીનું રોકડ બેલેન્સ વધીને રૂ. 8,754 કરોડ થયું છે, જે જૂન 2023ના રોજ પૂરા થતા ક્વાર્ટરમાં રૂ. 8,367 કરોડ હતું.

નેટ પેમેન્ટ માર્જિન અને લોન વિત્તરણ બિઝનેસમાં વૃદ્ધિના કારણે પેટીએમનો કોન્ટ્રિબ્યૂશન પ્રોફિટ 1426 કરોડ થયો છે. જે વાર્ષિક ધોરણે 69 ટકા વૃદ્ધિ દર્શાવે છે. બીજી બાજુ કોન્ટ્રિબ્યૂશન માર્જિન ગતવર્ષે 44 ટકાથી વધી આ વર્ષે 57 ટકા થયા છે.