રિલાયન્સ અને ડિઝનીએ સૌથી વધુ કંપેલિંગ એન્ડ એંગેજિંગ એન્ટરટેઇનમેન્ટ બ્રાન્ડ્સને સાથે લાવવા સંયુક્ત સાહસની જાહેરાત કરી
રિલાયન્સ સંયુક્ત સાહસમાં ₹11,500 કરોડનું રોકાણ કરશે | ડિઝની સંયુક્ત સાહસને કન્ટેન્ટ લાઇસન્સ પ્રદાન કરશે |
મુંબઇ, 29 ફેબ્રુઆરી: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“RIL”), વાયાકોમ 18 મીડિયા પ્રાઈવેટ લિમિટેડ (“Viacom18”) અને ધ વોલ્ટ ડિઝની કંપની (NYSE:DIS) (“Disney”) એ વાયાકોમ18 અને સ્ટાર ઈન્ડિયાના વ્યવસાયોને જોડતા સંયુક્ત સાહસ (“JV”) ની રચના કરવા માટે બંધનકર્તા નિશ્ચિત કરારો પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી છે. આ ટ્રાન્ઝેક્શનના ભાગરૂપે, Viacom18ના મીડિયા ઉપક્રમને કોર્ટ દ્વારા મંજૂર કરાયેલી સ્કીમ ઓફ એરેન્જમેન્ટના અન્વયે સ્ટાર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (“SIPL”)માં મર્જ કરવામાં આવશે. વધુમાં, તેની વૃદ્ધિ માટેના આયોજનના ભાગરૂપે RIL આ સંયુક્ત સાહસમાં ₹11,500 કરોડ (~US$1.4 બિલિયન)નું રોકાણ કરવા સંમત થઈ છે.
આ ટ્રાન્ઝેક્શનમાં, પોસ્ટ-મની બેસીસ પર (રોકાણનું મૂલ્ય ગણતરીમાં લીધા બાદ), સંયુક્ત સાહસનું મૂલ્ય ₹70,352 કરોડ (~US$ 8.5 બિલિયન) આંકવામાં આવ્યું છે. ઉપરોક્ત તબક્કા પૂર્ણ થયા પછી, સંયુક્ત સાહસ RIL દ્વારા નિયંત્રિત થશે અને તેમાં RIL 16.34%, Viacom18 46.82% અને ડિઝની 36.84% હિસ્સાની માલિકી પ્રાપ્ત કરશે. ડિઝની આ સંયુક્ત સાહસમાં અમુક વધારાની મીડિયા સંપત્તિઓનું યોગદાન પણ આપી શકે છે, જે નિયમનકારી અને થર્ડ-પાર્ટી મંજૂરીઓને આધીન રહેશે.
શ્રીમતી નીતા એમ. અંબાણી સંયુક્ત સાહસના અધ્યક્ષ હશે, તેમજ ઉદય શંકર ઉપાધ્યક્ષ તરીકે સંયુક્ત સાહસને વ્યૂહાત્મક માર્ગદર્શન પૂરું પાડશે. આ સંયુક્ત સાહસ ભારતમાં એન્ટરટેઇનમેન્ટ અને સ્પોર્ટ્સ કન્ટેન્ટના અગ્રણી ટીવી અને ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પૈકીનું એક હશે, જે જિયોસિનેમા અને હોટસ્ટારના માધ્યમથી ટેલિવિઝન અને ડિજીટલ પ્લેટફોર્મ્સમાં સૌથી વધારે અપેક્ષિત ઇવેન્ટ્સના એક્સેસ સહિત સમગ્ર એન્ટરટેઇનમેન્ટ (દા.ત. કલર્સ, સ્ટારપ્લસ, સ્ટારગોલ્ડ) અને સ્પોર્ટ્સ (દા.ત. સ્ટાર સ્પોર્ટ્સ અને સ્પોર્ટ્સ18) એસેટ્સને એકસાથે લાવશે. સંયુક્ત સાહસના સમગ્ર ભારતમાં 750 મિલિયનથી વધુ દર્શકો હશે અને તે સમગ્ર વિશ્વમાં ભારતીય ડાયસ્પોરાને સેવા આપશે. આ JVને 30,000 કરતા વધુ ડિઝની કન્ટેન્ટ એસેટ્સના લાઈસન્સની સાથે, ભારતમાં ડિઝની ફિલ્મ્સ એન્ડ પ્રોડક્શન્સને ડિસ્ટ્રીબ્યૂટ કરવાના એક્સક્લુઝિવ રાઈટ્સ પણ પ્રાપ્ત થશે.
આ JV વિશે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ ડી અંબાણીએ જણાવ્યું હતું કે, “ભારતીય મનોરંજન ઉદ્યોગમાં નવા યુગના આગમનની ઘોષણા કરતો સીમાચિહ્નરૂપ કરાર છે. હવે અમને અમારા બહોળા સંસાધનો, રચનાત્મક કૌશલ્યો તેમજ માર્કેટિંગની સમજને સુસંગઠિત કરીને દેશભરના પ્રેક્ષકોને કીફાયતી દરે અતુલ્ય કન્ટેન્ટ પૂરું પાડવામાં મદદરૂપ થશે.”
વોલ્ટ ડિઝની કંપનીના CEO બોબ ઈગરે જણાવ્યું હતું કે, “ભારત એ વિશ્વનું સૌથી વધુ વસતિ ધરાવતું બજાર છે. ભારતીય બજાર અને ગ્રાહકોની નાડ રિલાયન્સ સારી રીતે પારખે છે અને સાથે મળીને અમે દેશની અગ્રગણ્ય મીડિયા કંપની બનાવીશું, જે અમને ડિજિટલ સર્વિસીઝના વિશાળ પોર્ટફોલિયો તેમજ મનોરંજન અને સ્પોર્ટ્સ કન્ટેન્ટ સાથે ઉપભોક્તાઓને વધુ સારી સેવા પૂરી પાડવાની તક આપશે.”
બોધી ટ્રી સિસ્ટમ્સના સહ-સ્થાપક ઉદય શંકરે જણાવ્યું હતું કે, “રિલાયન્સ સાથેના અમારા સંબંધો હવે વિસ્તરીને તેના ફલકમાં ડિઝની જેવી મીડિયા અને મનોરંજન ક્ષેત્રની વૈશ્વિક અગ્રણીને સામેલ કરી રહ્યા છે..” આ ટ્રાન્ઝેક્શન કેલેન્ડર વર્ષ 2024ના છેલ્લા અથવા કેલેન્ડર વર્ષ 2025ના પ્રથમ ક્વાર્ટરમાં પરિપૂર્ણ થઈ જવાની અપેક્ષા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)