અમદાવાદ, 4 એપ્રિલઃ નિવૃત્તિ બાદ નિશ્ચિત આવક મળતી રહે તો રિટાયરમેન્ટ આરામદાયક અને આનંદદાયી બની રહે. 70 ટકા લોકો રિટાયરમેન્ટ માટે કોઈ નાણાકીય આયોજન કરતાં હોતા નથી, તેમજ પડશે તેવા દેવાશેની મેન્ટાલિટી સાથે ભવિષ્યની મૂડી જરૂરિયાતો અને ઈમરજન્સી ફંડ તરીકે કોઈ બચત કરતા નથી. અંતે જીવે ત્યા સુધી ગદ્ધા વૈતરૂ કરી માંડ માંડ ઘર ચલાવતા હોય છે. પરંતુ જો રિટાયરમેન્ટ માટે યોગ્ય પ્લાનિંગ કરવામાં આવે અને નાણાકીય સલાહકારની સલાહ મુજબ યુવાનીમાં જ રિટાયરમેન્ટ કોર્પસ ઉભુ કરવા રોકાણ કરવામાં આવે તો રિટાયરમેન્ટની પળોમાં પોતાની મરજી મુજબ આનંદથી અને શાંતિથી સમય પસાર કરી શકે છે.  

એલઆઈસી સરળ પેન્શન પ્લાન

એલઆઈસીની આવી જ એક પેન્શન સ્કીમ છે કે, જેમાં એક વાર રોકાણ કર્યા બાદ દર મહિને નિશ્ચિત આવક મેળવી શકો છો. LIC સરલ પેન્શન પ્લાનમાં, તમે વાર્ષિક ઓછામાં ઓછા 12,000 રૂપિયાની એન્યુટી ખરીદી શકો છો. જો કે, આ યોજનામાં મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી.

એટલે કે તમે ઈચ્છો તેટલું રોકાણ કરી શકો છો અને તે રોકાણ મુજબ પેન્શન મેળવી શકો છો. આ યોજનામાં, કોઈપણ વ્યક્તિ પ્રીમિયમ ચૂકવ્યા પછી વાર્ષિક, અર્ધવાર્ષિક, ત્રિમાસિક અથવા માસિક ધોરણે પેન્શન મેળવી શકે છે. આ એકસાથે રોકાણ કરી એન્યુટી ખરીદી શકે છે. LIC કેલ્ક્યુલેટર અનુસાર, જો કોઈ 42 વર્ષીય વ્યક્તિ 30 લાખ રૂપિયાની એન્યુટી ખરીદે છે, તો તેને દર મહિને પેન્શન તરીકે 12,388 રૂપિયા મળશે.

પ્રોવિડન્ટ ફંડની રકમનો ઉપયોગ કરી શકાય

LIC સરલ પેન્શન યોજનામાં 40 વર્ષથી 80 વર્ષની વચ્ચેની કોઈપણ વ્યક્તિ આ એન્યુટી પ્લાન ખરીદી શકે છે. જેમાં રિટાયરમેન્ટ દરમિયાન મળતી ગ્રેજ્યુઅટી, પ્રોવિડન્ટ ફંડની મૂડીનું એક સામટુ રોકાણ આ સ્કીમમાં કરી શકો છે. આ સ્કીમ તમે એકલા અથવા પતિ-પત્ની સાથે લઈ શકો છો. આમાં, પોલિસીધારકને પોલિસી શરૂ થયાની તારીખથી છ મહિના પછી ગમે ત્યારે પોલિસી સરેન્ડર કરવાની સુવિધા આપવામાં આવે છે. વધુમાં, મૃત્યુ લાભના કિસ્સામાં, જો પોલિસીધારક મૃત્યુ પામે છે, તો રોકાણની રકમ તેના નોમિનીને પરત કરવામાં આવે છે.

LIC સરલ પેન્શન સ્કીમમાં રોકાણકારો માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક પેન્શન લઈ શકે છે. માસિક પેન્શન ન્યૂનતમ રૂ. 1,000, ત્રિમાસિક પેન્શન ન્યૂનતમ રૂ. 3,000, અર્ધવાર્ષિક પેન્શન ન્યૂનતમ રૂ. 6,000 અને વાર્ષિક પેન્શન ન્યૂનતમ રૂ. 12,000 છે. ખાસ વાત એ છે કે અહીં મહત્તમ પેન્શન રકમની કોઈ મર્યાદા નથી. જો તમારી ઉંમર 42 વર્ષ છે અને તમે 30 લાખ રૂપિયાની વાર્ષિકી ખરીદી રહ્યા છો, તો તમને 12,388 રૂપિયાનું માસિક પેન્શન મળશે. હવે જો તમે પેન્શનમાં વધુ રકમ મેળવવા માંગો છો, તો તે મુજબ તમે વધુ રકમનું એક સામટુ રોકાણ જમા કરાવી શકો છો.