અલ્પેક્સ સોલરની UPSIDAએ ફાળવેલી 7 એકર જમીન માટે સહમતી
અમદાવાદ, 4 એપ્રિલ : અલ્પેક્સ સોલર લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ઉત્તર પ્રદેશ સ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (UPSIDA) દ્વારા મથુરામાં કોસી કોટવાન (નેશનલ હાઇવે 19) ખાતે અંદાજિત રૂ. 15.04 કરોડ રકમની 25,873.27 ચોરસ મીટર (7 એકર) જમીનની ફાળવણી ઉપર સહમતી આપી છે. કંપની ટૂંક સમયમાં જમીનના ફાળવાયેલા પ્લોટ માટે ચૂકવણીનો પ્રથમ હપ્તો રિલિઝ કરશે.
કંપની આ જમીનનો ઉપયોગ સોલર પેનલ અને મોડ્યુલ માટે ઉત્પાદન સુવિધાની સ્થાપના માટે કરશે તથા યોગ્ય સમયે સંબંધિત તમામ સત્તામંડળો પાસેથી જરૂરી મંજૂરી મેળવશે. અલ્પેક્સ સોલર એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ ઉપર લિસ્ટેડ છે તથા સોલર સિસ્ટમના અગ્રણી ઉત્પાદક પૈકીના એક છે. આ પહેલાં કંપનીએ ઔદ્યોગિક જમીનની ફાળવણી માટે UPSIDA દ્વારા આયોજિત ઇ-હરાજી પ્રક્રિયામાં ભાગ લીધો હતો.
અલ્પેક્સ સોલર લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર અશ્વનિ સેહગલે આ અંગે જણાવ્યું હતું કે, આ નવી જગ્યા લોજીસ્ટિક્સ અને વેન્ડર સપોર્ટ બંન્ને બાબતે સરળ એક્સેસ પ્રદાન કરશે. અલ્પેક્સ સોલર બી2બી માર્કેટમાં સોલર પેનલનું ઉત્પાદન અને ડિલિવર કરે છે તથા જેકસન અને ટાટા પાવર જેવી મોટી કંપનીઓ માટે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર તરીકે પણ કામ કરે છે. કંપની ફેબ્રુઆરી 2023માં એનએસઇ ઇમર્જ ઉપર લિસ્ટ થઇ હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)