અમદાવાદ, 28 સપ્ટેમ્બરઃ ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓ રૂપિયા ખાઇ જાય અને તમે કશું ના કરી શકો તે સમજી શકાય, પરંતુ જ્યારે બેન્કના લોકરમાં મૂકેલા રૂપિયા ઊધઇ ખાઇ જાય કે પોલીસ સ્ટેશનમાં મૂકેલું અફીણ ઊંદરડા ખાઇ જાય ત્યારે કોનો વાંક કાઢવો તે કહેવાની જરૂર ખરી….???!!

આવો જ એક વિચિત્ર કિસ્સો આજકાલ ભારે ચર્ચા અને કુતુહલ જગાવી રહ્યો છે. ઉત્તરપ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં રહેતી અલકા પાઠકે તેની પુત્રીના લગ્ન માટે લગભગ દોઢ વર્ષ માટે 18 લાખ રૂપિયા બેન્ક લોકરમાં મૂક્યા હતાં. બેન્કે તેને KYC વેરિફિકેશન અને વાર્ષિક લોકરની જાળવણી માટે બોલાવીને પછી જાણ કરી કે….. અલકા પાઠક તમારા રૂપિયા ઉધઈ ખાઈ ગઈ છે…. !!

ફાઈનાન્સિયલ મેનેજમેન્ટ અંગે જાગૃત્તિના અભાવે બે મહિલાઓનો પોતાની જમા મૂડી ગુમાવવાનો વારો આવ્યો. ઈન્ડિયા ટુડેના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પાઠકે તેનું લોકર ખોલ્યું તો તેને જણાયું કે નોટોને ઉધઈથી નુકસાન થયું છે અને તેણે આ અંગે બેન્ક અધિકારીઓને જાણ કરી હતી. હવે જોવાનું એ રહેશે કે, તેને નુકસાનીનું વળતર કેટલું અને ક્યારે મળશે કે પછી નહિં મળે.

અલકા પાઠક ટ્યુશન ક્લાસ ચલાવે છે, તેમણે પોતાની કમાણીની તમામ જમા મૂડી બેન્ક એફડી કે, અન્ય નાણાકીય સ્રોતોમાં રોકાણ કરવાને બદલે લોકરમાં મૂકી હતી. બાદમાં તેણે સ્વીકાર્યું કે, તેને મૂડીના સંગ્રહમાં કેટલું નુકસાન થશે તે વિશે ખ્યાલ જ નથી. આ ઘટનામાં કેટલું નુકસાન થયું છે તે જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

આવી જ એક ઘટનામાં રાજસ્થાનના ઉદયપુરમાં એક મહિલાએ પંજાબ નેશનલ બેંકના લોકરમાં કાપડની થેલીમાં 2.15 લાખ રૂપિયા રાખ્યા હતા અને જ્યારે તે બેન્કમાંથી રૂપિયા ઉપાડી લાવી ત્યારે ઘરે પહોંચ્યા બાદ જોયુ, તો જાણ થઈ કે, રૂપિયા ઉધઈ ખાઈ ગઈ છે.