નવી દિલ્હીઃ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ કાફે કોફી ડે એન્ટરપ્રાઈઝ લિમિટેડ (CDEL)ને રૂ. 26 કરોડની પેનલ્ટી ફટકારી છે. સેબીએ કથિત ફંડ ડાયવર્ઝન માટે CDELને સજાના ભાગરૂપે પેનલ્ટી ફટકારી છે. CDELએ કાફે કોફી ડેની પેરેન્ટ કંપની છે. SEBIને તપાસમાં જાણવા મળ્યું છે કે CDELની સાત પેટાકંપનીઓમાંથી રૂ. 3,535 કરોડની રકમ મૈસૂર અમાલગેમેટેડ કોફી એસ્ટેટ લિમિટેડ (MACEL)માં ડાયવર્ટ કરવામાં આવી હતી. MACEL વાસ્તવમાં CDELના પ્રમોટર્સ સાથે જોડાયેલી કંપની છે. જુલાઈ 2019માં, કોફી ડે ગ્રૂપના ચેરમેન વીજી સિદ્ધાર્થે કથિત રીતે આત્મહત્યા કરી હતી અને એક સુસાઈડ નોટ છોડી હતી. આ ચિઠ્ઠીમાં સિદ્ધાર્થે લખ્યું છે કે તેણે ઘણું દેવું હોવાના કારણે આ પગલું ભર્યું છે. સિદ્ધાર્થના મૃત્યુ પછી, સપ્ટેમ્બર 2019માં, CDELના બોર્ડે CDEL અને તેની પેટાકંપનીઓના હિસાબો સહિત અન્ય પાસાઓની તપાસની જવાબદારી નિવૃત્ત CBI DIG અશોક કુમાર મલ્હોત્રા અને અગસ્ત્ય લીગલ એલએલપીને સોંપી હતી. તપાસ બાદ વિગતવાર રિપોર્ટ સેબીને સુપરત કરવામાં આવ્યો હતો.