અમદાવાદઃ સ્થાનિક શેરબજારોમાં આજે હેવી સેલિંગ પ્રેશરના કારણે સાર્વત્રિક મંદીનું વાવાઝોડું ફુંકાયું હતું. જેના કારણે સેન્સેક્સ 774 પોઈન્ટ્સ ઘટી ગયો હતો. જ્યારે નિફ્ટી17,900ની નીચે બંધ રહ્યો હતો. સૌથી મોટ આંચકો અદાણી જૂથની લિસ્ટેડ તમામ કંપનીઓમાં જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 60,899.21 અને નીચામાં 60,081.36 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 773.69 પોઈન્ટ્સ અથવા 1.27 ટકા ગગડીને 60,205.06 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં 18,100.60 અને નીચામાં 17,846.15 પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ 226.35 પોઈન્ટ્સ અથવા 1.25 ટકા ઘટીને 17,891.95 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. હિન્ડેનબર્ગ રિસર્ચે( Hindenburg Research)તેમની પાસે યુએસ બોન્ડ અને નોન ઈન્ડિયન ટ્રેડેડ ડેરિવેટિવ્સ ઈન્સ્ટ્રુમેન્ટ દ્વારા અદાણીની ગ્રુપ કંપનીમાં શોર્ટ પોઝિશન ધરાવતા હોવાની વાત બજારમાં ખળભળાટ મચાવ્યો હતો અને અદાણી પોર્ટ અને અદાણી એન્ટરપ્રાઈઝ સહિતની અદાણી ગ્રુપની કંપનીઓના શેર્સમાં પણ 10 ટકા સુધીનો ઘટાડો જોવાયો હતો. અદાણી ગ્રુપે આ સંદર્ભમાં ખુલાસો કર્યો હતો કે આ રિપોર્ટનું ટાઈમિંગ દર્શાવે છે કે, તે અદાણીના સૌથી મોટા એફપીઓને ખોરવવાના બદઈરાદા સાથે બહાર પાડવામાં આવ્યો છે. આ ઉપરાંત એફઆઈઆઈની વેચવાલી, બજેટ પહેલાની રોકાણકારોની દ્વીધા અને જાન્યુઆરી એફએન્ડઓ સિરીઝની એક્સપાયરીને કારણે બજાર ગગડ્યું હતું. વૈશ્વિક સંકેતો પણ સવારથી નેગેટિવ હતા.

સેક્ટોરલ્સની સ્થિતિ એટ એ ગ્લાન્સ

પાવર, કેપિટલ ગૂડ્ઝ, બેન્ક, ફાઈનાન્શિયલ, ટેલીકોમ, ફાર્મા, આઈટી અને ટેકનો શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી જ્યારે આજે એક માત્ર મેટલ ઈન્ડેક્સ જ ગ્રીન ઝોનમાં બંધ રહ્યો હતો. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.52 ટકા અને 0.94 ટકા ઘટીને બંધ રહ્યા હતા.