Sensex 30 ટ્રેડિંગ સેશનમાં ફરી પાછો નવી રેકોર્ડ ટોચે, Nifty50 22330ની સર્વોચ્ચ ટોચે
અમદાવાદ, 1 માર્ચઃ ચાલુ કેલેન્ડર વર્ષમાં ભારતીય શેરબજારો તેજીથી આગળ વધી રહ્યા છે. 16 જાન્યુઆરીએ 73427ની રેકોર્ડ ટોચ નોંધાવ્યા બાદ સેન્સેક્સ માત્ર 30 ટ્રેડિંગ સેશનમાં ફરી પાછો 73686.07ની નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે. નિફ્ટી50એ પણ 22330.85ની સર્વોચ્ચ ટોચ નોંધાવ્યા બાદ 344.55 પોઈન્ટના ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે.
સેન્સેક્સમાં આજે 1100 પોઈન્ટથી વધુ અને નિફ્ટી 350 પોઈન્ટથી વધુનો ઉછાળો નોંધાવ્યા પાછળનું કારણ દેશના મજબૂત જીડીપી આંકડા છે. બેન્કિંગ અને પીએસયુ શેરોમાં ફરી પાછી તેજી ઉપરાંત આઈટી અને હેલ્થકેર સિવાયના તમામ સેક્ટરોલ ઈન્ડેક્સમાં સુધારાના કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં આકર્ષક ઉછાળો જોવા મળ્યો છે.
આજે શેરબજારમાં ઉછાળાના પાંચ પરિબળો
જીડીપી ડેટાઃ દેશનો રિઅલ જીડીપી અર્થશાસ્ત્રીઓના 6.5-7 ટકાના અપેક્ષિત દર કરતાં ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં 8.4 ટકાના દરે વધ્યો છે. વધુમાં, છેલ્લા બે ત્રિમાસિક ગાળાનો ગ્રોથ 8.1% (અગાઉના 7.7%થી) સુધી સુધારવામાં આવ્યો હતો. મોતિલાલ ઓસ્વાલના ચીફ ઈકોનોમિસ્ટ નિખિલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, કૃષિ સેક્ટરમાં ઘટાડો, જ્યારે ઔદ્યોગિક સેક્ટરમાં ડબલ ડિજિટ ગ્રોથ અને સર્વિસ સેક્ટર્સ પણ મજબૂતાઈથી આગળ વધી રહ્યા છે.
બેન્કિંગ અને પીએસયુ શેરોના અહેવાલોઃ આગામી લોકસભા ચૂંટણીમાં બીજેપીની એનડીએ સરકારની જીત નિશ્ચિત હોવાના અહેવાલોએ જોર પકડ્યું છે. જેના પગલે બેન્કિંગ અને પીએસયુ શેરોમાં તેજી નોંધાઈ છે. ખાસ કરીને બેન્ક નિફ્ટી, નિફ્ટી50 અને ફાઈનાન્સિયલ શેરોમાં ખરીદી વધવાનો આશાવાદ પ્રોફિટમાર્ટ સિક્યુરિટીઝના રિસર્ચ હેડે આપ્યો છે.
3. અમેરિકી ફુગાવોમાં ઘટાડોઃ અમેરિકાએ ગુરૂવારે ફુગાવામાં ઘટાડો નોંધાયો હોવાના અહેવાલો જારી કરતાં S&P 500 અને નાસડેક રેકોર્ડ ટોચે બંધ રહ્યા હતા. વૈશ્વિક બજારોમાં સકારાત્મક માહોલની અસર ભારતીય શેરબજારો પર જોવા મળી છે.
4. ફેડ રિઝર્વ દ્વારા રેટમાં ઘટાડોઃ અમેરિકી ફુગાવો નબળો પડતાં અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડો થવાનો આશાવાદ પ્રબળ બન્યો છે. યુએસ ટ્રેઝરી યીલ્ડ ઘટવાની શક્યતાઓ વચ્ચે રોકાણકારો બોન્ડ્સ અને કરન્સી માર્કેટમાંથી ઈક્વિટી અને અન્ય એસેટ્સમાં રોકાણ શિફ્ટ કરી શકે છે.
5. ભાજપની જીતની સંભાવનાઃ વિવિધ ન્યૂઝ મીડિયા અને એજન્સીઓ દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં લોકસભા ચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત થઈ છે. જેના પગલે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ સેગમેન્ટમાં ગ્રોથની સંભાવના વધી છે. સર્વિસ અને ઔદ્યોગિક સેક્ટર મજબૂત ગ્રોથ સાથે વેગવાન બન્યા છે. માર્કેટને આશા છે કે, ચાલુ નાણાકીય વર્ષના અંતે નિફ્ટી50 16થી 20 ટકાના દરે વધશે.