અમદાવાદ, 20 સપ્ટેમ્બરઃ સ્થાનિક શેરબજારોમાં વેચવાલીનું પ્રેશર અને ફેડની બેઠકો પૂર્વેના અહેવાલોના પગલે સેન્સેક્સ 796 પોઈન્ટ તૂટ્યો હતો. જે 67 હજારની સપાટી તોડી 66800 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 231.90 પોઈન્ટ તૂટી 19901.40 પર બંધ રહ્યો હતો. આ સપ્તાહમાં બે ટ્રેડિંગ સેશનમાં જ સેન્સેક્સમાં 1038.63 પોઈન્ટના કડાકા સાથે રોકાણકારોએ 2.89 લાખ કરોડ ગુમાવ્યા છે.

શેરબજારમાં મોટા કડાકા પાછળ હેવી વેઈટ્સ એચડીએફસી બેન્ક અને રિલાયન્સની વેચવાલી હતી. એચડીએફસી બેન્કનો શેર 4 ટકા અને રિલાયન્સ 2.21 ટકા તૂટી 2382.10 પર બંધ રહ્યો હતો. 796 પોઈન્ટના કડાકામાં બંનેનું યોગદાન 600 પોઈન્ટ આસપાસ રહ્યું હતું.

શેરબજારમાં ઘટાડા પાછળના પરિબળો

દેશની ચાલુ ખાતાની ખાધમાં વધારો થઈ રહ્યો છે. ક્રૂડ ઓઈલના ભાવ પણ વધી 95 ડોલર પ્રતિ બેરલે પહોંચતાં ઓગસ્ટની વેપાર ખાધ 10 માસના ટોચે પહોંચી હતી. રશિયા અને સાઉદી અરબ તેના ઉત્પાદન કાપની નીતિ 2023ના અંત સુધી લંબાવતાં વિશ્વના ત્રીજા ક્રૂડ ઓઈલ વપરાશકાર ભારત પર અસર થઈ શકે છે.

ચીને વ્યાજદરમાં વધારાનો નિર્ણય જારી રાખતાં તેમજ અમેરિકાની ફેડ આ મામલે આજે જાહેરાત કરવાની છે. જેના કારણે રોકાણકારોએ હાલ વેઈટ એન્ડ વોચની નીતિ અપનાવી છે.

વિદેશી રોકાણકારોએ સપ્ટેમ્બરમાં અત્યારસુધીમાં કુલ 4 હજાર કરોડની વેચવાલી કરી છે. યુએસ બોન્ડ યિલ્ડમાં વધારો, નબળો રૂપિયો, ક્રૂડના વધતાં ભાવોના પગલે વિદેશી રોકાણકારો વેચવાલ બન્યા છે.

રૂપિયો આજે ડોલર સામે વધુ 6 પૈસા સુધરી 83.26 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જો કે, ક્રૂડના ભાવોમાં વધારો, અમેરિકી ડોલરના આકર્ષક દેખાવના પગલે સોમવારે તે 83.32ની ઓલટાઈમ લો સપાટીએ પહોંચતા રૂપિયા અંગે ચિંતા વધી છે. યુએસ બોન્ડ યિલ્ડમાં વધારો પણ ડોલરની મજબૂતાઈ વધારી રહ્યો છે. તમામ મદાર ફેડની જાહેરાત પર રહેશે.

આગળ શું?

આગામી ટ્રેડિંગ સત્રોમાં બજારમાં સાઇડવે ટ્રેન્ડ ચાલુ રહેવાની ધારણા છે. આ યુએસ ફેડરલ રિઝર્વની બેઠકના પરિણામોને આધારે બજારની આગામી ચાલ નક્કી થશે. જે વૈશ્વિક નાણાકીય બજારોને અસર કરી શકે તેવી નોંધપાત્ર ઘટના છે.“- કુણાલ શાહ, સિનિયર ટેક્નિકલ અને ડેરિવેટિવ એનાલિસ્ટ, LKP સિક્યોરિટીઝ.

યુએસ ફેડ પોલિસીના પરિણામ અને યુએસ બોન્ડ યીલ્ડ દાયકાની ઊંચી સપાટીએ પહોંચતા સ્થાનિક બજારોમાં ઘટાડાનું વલણ જોવા મળ્યું છે. નિફ્ટીએ તેના આગલા દિવસના ડાઉનવર્ડ ટ્રેન્ડને લંબાવતાં 232 પોઈન્ટ (-1%)ના નુકસાન સાથે બંધ થયો હતો. નબળા વૈશ્વિક સંકેતો, ક્રૂડના ભાવમાં 1 વર્ષની ઊંચી સપાટીએ પહોંચતાં અને FII દ્વારા વેચવાલીએ બજારની ચિંતામાં વધારો કર્યો છે. જો કે, મજબૂત સ્થાનિક આર્થિક ડેટા બજારને નીચલા સ્તરે સમર્થન આપવાનું ચાલુ રાખશે. બજારમાં પ્રોફિટ બુકિંગ ચાલુ રહેવાની શક્યતા છે. બુધવારે મોડી રાત્રે યુએસ ફેડ રેટના પરિણામ સિવાય, અન્ય બે મોટી સેન્ટ્રલ બેન્કો એટલે કે BOE અને BOJ ગુરુવારે વ્યાજદર અંગે જાહેરાતો કરશે. હાલ રાહ જુઓની નીતિ અપનાવવી જોઈએ. – સિદ્ધાર્થ ખેમકા, હેડ-રિટેલ રિસર્ચ, મોતિલાલ ઓસ્વાલ ફાઈ. સર્વિસિઝ.