• વડોદરા ખાતે સ્થપાનારા પ્રોજેક્ટનું ખાતમુહુર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે

અમદાવાદઃ તાતા જૂથ અને યુરોપિયન એવિએશન કંપની એરબસ સૌપ્રથમ વાર ગુજરાતમાં ડિફેન્સ એરક્રાફ્ટ પ્રોજેક્ટ સ્થાપીને સી- 295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું ઉત્પાદન હાથ ધરશે. આ એવો સૌપ્રથમ પ્રોજેક્ટ હશે કે જે ભારતમાં પ્રાઇવેટ કંપની દ્રારા મિલિટરી એરક્રાફ્ટનું ઉત્પાદન કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરા ખાતે ટાટા ગ્રૂપનાં ઇન્ડિયા C295 પ્રોગ્રામ માટે ફાઇનલ એસેમ્બલી લાઇન (FAL) નું શિલારોપણ કર્યું હતું. આ એકમ એરક્રાફ્ટનું ઉત્પાદન અને એસેમ્બલી કામ કરશે તથા ભારતીય હવાઇ દળ (ઇન્ડિયન એર ફોર્સ) માટે ટ્રાન્સપોર્ટ કન્ફીગરેશનમાં મિશન માટે તૈયાર એરક્રાફ્ટ પૂરાં પાડશે, જે સ્વદેશી ઇલેક્ટ્રોનિક વોરફેર સ્યુટથી સજ્જ છે. આ પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રત, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, સંરક્ષણ સચિવ ડો. અજય કુમાર, નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ રાજીવ બંસલ અને ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રસેકરન સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

સપ્ટેમ્બર 2021માં ડિફેન્સ મિનિસ્ટ્રીએ એરબસ ડિફેન્સ અને સ્પેસ ઓફ સ્પેન સાથે (ઇન્ડિયન એરફોર્સને (આઇએએફ)ને સી-295 પ્રકારના મિડિયમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પૂરા પાડવા માટે રૂ. 21000 કરોડની કિંમતના કોન્ટ્રાક્ટ કર્યા હતા. ભારતમાં સૌપ્રથમ ઇન્ડિયન મેઇડ એરક્રાફ્ટ સપ્ટેમ્બર-2026 સુધીમાં ઉત્પાદન શરૂ થઇ જવાની ધારણા સેવાય છે.

શિલારોપણ પ્રસંગે બોલતા ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રસેકરને જણાવ્યું હતું કે, વડોદરામાં ફાઇનલ એસેમ્બલી લાઇન (FAL)ની સ્થાપના થવાથી ટાટા ગ્રૂપ હવે વેલ્યુ સ્ટ્રીમનાં એક છેડે એલ્યુમિનિયમ ઇન્ગોટ્સ મેળવી શકશે અને તેને ભારતીય હવાઇ દળ માટે એરબસ C295 એરક્રાફ્ટમાં પરિવર્તિત કરી શકશે.

56 એરક્રાફ્ટની ડિલિવરી પૂર્ણ કર્યા બાદ એરબસ ઇન્ડિયન મેઇડ એરોપ્લેન્સ સિવિલ એવિએશન અને નિકાસ માટે વેચી શકશે. તે માટે સરકારી મંજૂરીને આધિન રહેશે. ભારત ડિફેન્સ ઇક્વિપમેન્ટસનું વિશ્વનું સૌથી મોટું આયાતકાર છે. અને તે આયાત ભારણ ઘટાડવા માટે વૈશ્વિક ઉત્પાદકો સાથે ટાઇઅપ કરી રહ્યું છે. હાલમાં માત્ર સરકારી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ (એચએએલ) જ એરક્રાફ્ટનું ઉત્પાદન કરી રહી છે.

ભારતીય હવાઈ દળ વિશ્વમાં C295નું 35મું ઓપરેટર બન્યું છે. અત્યાર સુધી આ પ્રોગ્રામનાં 285 ઓર્ડર્સ મળ્યાં છે, જેમાં 200થી વધુ વિમાનોની ડિલિવરી થઈ ચૂકી છે, 34 દેશોનાં 38 ઓપરેટરો છે અને 17 રિપિટ ઓર્ડર મળ્યાં છે. 2021માં C295એ 50 લાખથી વધુ ફ્લાઇટ-કલાકો હાંસલ કર્યાં છે. ટૂંકી અથવા તૈયારી વિનાની એરસ્ટ્રિપ્સ પરથી ઓપરેટ કરવાની ક્ષમતા ધરાવતા C295નો ઉપયોગ 71 ટ્રુપ્સ અથવા 50 પેરાટ્રુપ્સનાં વ્યૂહાત્મક અવરજવર માટે તથા વર્તમાન ભારે વિમાનો ન પહોંચી શકે તેવાં સ્થળોએ લોજિસ્ટિક ઓપરેશન માટે થાય છે. તે પેરાટ્રુપ્સ તથા લોડ્સને એરડ્રોપ કરી શકે છે અને ઇજાગ્રસ્તો અથવા તો મેડિકલ ઇમરજન્સીમાં જવાનોને સલામત સ્થળે ખસેડવા માટે પણ કામમાં લાગે છે.

ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ લિમિટેડ અંગે

ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ લિમિટેડ એ ટાટા સન્સની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે અને એરોસ્પેસ, સંરક્ષણ અને ગૃહ સલામતી માટે ઇન્ટીગ્રેટેડ સોલ્યુશન્સ પૂરાં પાડે છે. એક દાયકાથી ઓછાં સમયમાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ વૈશ્વિક એરોસ્પેસ માર્કેટમાં મહત્વની કંપની બની ગઈ છે અને વૈશ્વિક OEMs ઉપરાંત ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય માટે અગ્રણી ઉત્પાદક ભાગીદાર છે. કંપની ડિઝાઇનથી માંડીને એરક્રાફ્ટનું સંપૂર્ણ એસેમ્બલિંગ અને વેપન સિસ્ટમ્સ સુધીની સમગ્ર એરોસ્પેસ અને ડિફેન્સ સિસ્ટમ વેલ્યુ ચેઇનની ક્ષમતા ધરાવે છે અને મિસાઇલ, રડાર, અનમેન્ડ એરિયલ સિસ્ટમ, કમાન્ડ અને કન્ટ્રોલ સિસ્ટમ્સ, ઓપ્ટ્રોનિક્સ અને આંતરિક સલામતી જેવા ક્ષેત્રોમાં પણ સુસજ્જ છે.