સોફ્ટવેર ડેવલપરો, ઉદ્યોગસાહસિકો સહિત 1,200થી વધારે સહભાગીઓ અને 10થી વધારે દેશના 20થી વધુ વક્તાઓ ઉપસ્થિત રહેશે

અમદાવાદ: અમદાવાદમાં 25 અને 26 ફેબ્રુઆરીના રોજ લારાવેલની સત્તાવાર કૉન્ફરન્સ લારાકોન ઇન્ડિયા સૌપ્રથમ વખત ભારતમાં યોજાવા જઈ રહી છે. લારાવેલ એ એક ફ્રી અને ઓપન-સૉર્સ પીએચપી વેબ ફ્રેમવર્ક છે, જેનો ઉદ્દેશ્ય વેબ એપ્લિકેશન વિકસાવવાનો છે. લારાકોન ઇન્ડિયા કૉન્ફરન્સમાં વેબ ડેવલપરો, ઉદ્યોગસાહસિકો અને અનેકવિધ હેતુઓ માટે લારાવેલનો ઉપયોગ કરી રહેલી ભારતીય અને વિદેશી કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે, જેઓ લારાવેલ અને તેની આસપાસની ઇકોસિસ્ટમ પરના અનેક વિષયો પર ચર્ચા કરશે. પહેલીવાર લારાકોનની આવૃત્તિ ભારતમાં યોજાઈ રહી છે અને ભારત આ કૉન્ફરન્સને હૉસ્ટ કરનારો વિશ્વનો ચોથો દેશ છે.

લારાવેલના સીઇઓ ટેલર ઓટવેલ આ કૉન્ફરન્સમાં હાજર રહેશે. આ કાર્યક્રમમાં 10થી વધારે દેશોના 1,200થી વધુ લોકો ભાગ લેશે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વક્તાઓ લારાવેલ, પીએચપી, VueJS, વેબ ડેવલપમેન્ટ અને અન્ય વિવિધ વિષયો પર તેમની વાત રજૂ કરશે. અમદાવાદ સ્થિત સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપની વિટોર ક્લાઉડ ટેકનોલોજિસના સ્થાપક અને સીટીઓ વિશાલ રાજપૂરોહિતની સાથે સમગ્ર દેશમાંથી આવનારા સ્વયંસેવકોની ટીમ દ્વારા આ કૉન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

લારાકોન ઇવેન્ટ્સના ઇતિહાસમાં પહેલીવાર એમ બની રહ્યું છે કે, સ્થાપક પોતે કોઈ યજમાન દેશની પ્રથમ લારાકોન કૉન્ફરન્સમાં હાજરી આપવા જઈ રહ્યાં છે. વિશાલ રાજપૂરોહિતે જણાવ્યું કે, આ ફ્રેમવર્કનો ઉપયોગ કરી રહેલી મોટાભાગની કંપનીઓને આગામી દિવસોમાં વર્કફૉર્સની જરૂર પડશે. આ કાર્યક્રમ સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીની એક સમૃદ્ધ ઇકોસિસ્ટમ તરીકે ગુજરાત અંગે તથા આ માર્કેટમાં પ્રવેશવાથી કેવી રીતે ફક્ત કંપનીઓને જ લાભ થાય છે, તે અંગે જાગૃતિ પેદા કરવા માટેની પણ એક તક પૂરી પાડશે.