મુંબઇ, 18 એપ્રિલછ ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન હબના વિકાસ માટે કોરિયાની ડિસ્પ્લે ગ્લાસ ઉદ્યોગ ક્ષેત્રની 20 કંપનીઓ સાથે સમજૂતી (MoU) કરવામાં આવી હોવાની વેદાંતા જૂથ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. દક્ષિણ કોરિયાની સરકારે કોરિયાના વેપાર, ઉદ્યોગ તથા ઊર્જા મંત્રાલયના સહયોગથી વેપાર અને મૂડીરોકાણ પ્રમોશન સંસ્થા કોટ્રા દ્વારા તાજેતરમાં યોજાઈ ગયેલા કોરિયા બિઝ-ટ્રેડ શો 2023માં રોડશો માટે વેદાંતાને નિમંત્રણ આપવામાં આવ્યું હતું.

150થી વધુ કંપનીઓ અને 1 લાખથી વધુ રોજગારીનો આશાવાદ

વેદાંતાના સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે બિઝનેસના ગ્લોબલ મેનેજિંગ ડિરેક્ટર આકર્ષ કે. હેબ્બરે કહ્યું હતું કે, આ હબમાં 150થી વધુ કંપનીઓને આકર્ષવાની સંભાવના રહેલી છે અને તેને કારણે 1,00,000 કરતાં વધુ લોકોને સીધી તથા આડકતરી રોજગારી મળશે. વેદાંતાની ગ્રીનફિલ્ડ ડિસ્પ્લે ફૅબ આ સૂચિત હબના એન્કર પૈકી એક હશે. તેમણે ભારતમાં મૂડીરોકાણ કરવા માગતી કોઇપણ કંપનીને મદદ કરવાની તૈયારી પણ દર્શાવી હતી.

દક્ષિણ કોરિયા ખાતેના ભારતીય રાજદૂત એચ.ઈ. અમિત કહ્યું હતું કે, ભારતીય ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ દેશમાં સૌથી ઝડપી વિકસી રહેલાં ક્ષેત્રો પૈકી એક છે અને વિશાળ સ્થાનિક માંગ, સરકારની વિવિધ પહેલ તથા ગ્રાહકોના વધી રહેલા સ્પેન્ડિંગ પાવરને કારણે 2026 સુધીમાં તે 300 અબજ ડૉલર થવાની ધારણા છે. આને પરિણામે ટેકનોલોજી ક્ષમતા અને ઇનોવેશન માટે જાણીતી કોરિયન કંપનીઓ માટે ભારતના વિશાળ અને સતત વધી રહેલા બજારમાં મૂડીરોકાણની આકર્ષક તક રહેલી છે.

ધોલેરા SIR એ ભારતનું સૌપ્રથમ ઔદ્યોગિક ગ્રીનફિલ્ડ સ્માર્ટ શહેર

ગુજરાત સરકારમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (GSEM)માં આઈસીટી અને ઈ-ગવર્નન્સના આસિસ્ટન્ટ ડિરેક્ટર મનિષ નાયકે ધોલેરા SIR માં ઉપલબ્ધ માળખાકીય સુવિધાઓનું નિદર્શન કર્યું હતું તથા કોરિયન કંપનીઓ માટે ઉપલબ્ધ સરકારી રાહતોની માહિતી આપી હતી. ધોલેરા SIR એ ભારતનું સૌપ્રથમ ઔદ્યોગિક ગ્રીનફિલ્ડ સ્માર્ટ શહેર છે. ડિસેમ્બર 2022માં વેદાંતાને જાપાનથી પણ આવા જ રોડશોનું નિમંત્રણ મળ્યું હતું, જેમાં આશરે 100 કંપનીના 200થી વધુ પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. એ રોડશો દરમિયાન વેદાંતે જાપાનની 30 કંપની સાથે MOU પર હસ્તાક્ષર કર્યા હતા.