ગુજરાતી મહિલા ઉદ્યોગ સાહસિકોએ કમાણીને બદલે સમાજમાં પરિવર્તન પર ફોકસ કર્યું
રૂઢિગત ખોટી માન્યતાઓને દૂર કરવા પહેલ કરી, 25 લાખથી 2 કરોડ સુધીનું ટર્નઓવર
જે જમાનામાં આંત્રપ્રિન્યોર્સ કે સ્ટાર્ટઅપ્સને કોઈ મહત્વ કે પ્રોત્સાહનો મળતા ન હતાં તેવા કપરાં સમયમાં નાના ગૃહ ઉદ્યોગથી માંડી દેશની ટોચની કંપની બનાવવામાં ગુજરાતીઓનું યોગદાન મહત્વનું રહ્યું છે. તેમાં ગુજરાતની મહિલાઓ પણ પાછી પડે તેમ નથી. વિશ્વભરમાં બ્રાન્ડ બની ચૂકેલા લિજ્જત પાપડ, જસુબેનનો પિત્ઝા, ઈન્દુબેન ખાખરાવાલાથી માંડી નાયકા જેવી કંપની સ્થાપિત કરવામાં ગુજરાતની મહિલા સફળ રહી છે. જો કે, બદલાતા સમયની સાથે સ્ટાર્ટઅપ્સ મારફત માત્ર કમાણી કરવાને બદલે સમાજમાં પરિવર્તન લાવવાના લક્ષ્યાંક સાથે ગુજરાતની ઘણી મહિલાઓએ સ્ટાર્ટઅપ્સ શરૂ કર્યાં છે. તેમાં સફળ રહી અંતે વાર્ષિક 25થી 2 કરોડ સુધીનું ટર્નઓવર પણ મેળવી રહી છે. આવો મળીએ તેમાંની અમુક મહિલા આંત્રપ્રિન્યોર્સને…
માસિક ધર્મ વિશે જાગૃત્તિ આપવા સ્ટાર્ટઅપ શરૂ કર્યુ, ફોર્બ્સની યાદીમાં સામેલ થઈ
અદિતી ગુપ્તા
કો ફાઉન્ડરઃ મેન્સ્ટ્રુપીડિયા, (2012)
વાર્ષિક ટર્નઓવરઃ 1.15 કરોડ
હાલમાં જ શાર્ક ટેન્ક ઈન્ડિયામાં ફંડ મેળવનાર અદિતી ગુપ્તા દેશભરમાં ચર્ચાનો વિષય બની હતી. અમદાવાદની અદિતી ગુપ્તા કે જેણે જાહેરમાં વાત કરવામાં પણ ખચકાટ થાય તેવા વર્જિત વિષય પર 2012માં લોકોમાં માસિક ધર્મ વિશે જાગૃત્તિ ફેલાવવા અને રૂઢિગત ખોટી માન્યતાઓ દૂર કરવા મેન્સ્ટ્રુપીડિયા સ્ટાર્ટઅપ દ્રારા કોમિક શરૂ કરી. થોડા જ વર્ષોમાં ફોર્બ્સની ટોપ-અંડર 30 વુમન આંત્રપ્રિન્યોરમાં સામેલ થવા ઉપરાંત બીબીસી 100 પ્રેરણાદાયી મહિલાની યાદીમાં સ્થાન મેળવ્યું. વર્લ્ડ ઈકોનોમિક ફોરમની ગ્લોબલ શેપર અદિતી 11000થી વધુ શાળાઓમાં 25 લાખથી વધુ સગીરાઓને 17 ભાષામાં કોમિક મારફત માસિક ધર્મ વિશે સાચુ જ્ઞાન આપી રહી છે. દોઢ લાખના ખર્ચે શરૂ કરેલુ સ્ટાર્ટઅપ આજે 20 દેશોમાં બિઝનેસ કરી વાર્ષિક 1.15 કરોડથી વધુ ટર્નઓવર મેળવી રહી છે.
કોવિડમાં બિઝનેસ ઠપ થતાં એમએસએમઈને ટેકો આપવા આઈટી સોલ્યુશન બનાવ્યું
રૂપલ ઘીયા
ફાઉન્ડરઃ ડીજી બ્રાન્ડ
વાર્ષિક ટર્નઓવરઃ 50 લાખ
કોરોના મહામારીમાં રેસ્ટોરન્ટ-હોટલ બિઝનેસ ઠપ થતાં નાના અને લઘુ ઉદ્યોગોને વેગ આપવાં તેમજ બ્રાન્ડ ડેવલપિંગમાં મદદ કરવા ડીજી બ્રાન્ડ નામની આઈટી કંપની સ્થાપિત કરી છે. એમએસએમઈ સહિત તમામ બિઝનેસનું બ્રાન્ડિંગ કેવી રીતે કરવુ તેનું સોલ્યુશન પૂરુ પાડે છે. માત્ર બે વર્ષમાં વાર્ષિક રૂ. 50 લાખનું ટર્નઓવર હાંસિલ કર્યું છે. ઉપરાંત ધ વિલેજ વર્લ્ડ નામનો રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ પર પણ કામગીરી કરી રહ્યા છે. ગુજરાતઃ 44 ટકાથી વધુ મહિલાઓ નોકરીને બદલે પોતાનો બિઝનેસ શરૂ કરવા માગતી હોવાથી આંત્રપ્રિન્યોર બને છે. એક સર્વે મુજબ, 28 ટકા મહિલાઓ ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી ગૃહ ઉદ્યોગની શરૂઆત કરે છે. જ્યારે 7 ટકા મહિલાઓ ઈનોવેટિવ બિઝનેસ પ્લાન ધરાવતી હોવાથી આંત્રપ્રિન્યોર બને છે. 15 ટકા મહિલાઓ ફેમિલી બિઝનેસમાં જોડાય છે.
કોમેડી દ્વારા મહિલાઓને વર્જિત વિષયો પર જ્ઞાન આપે છે
પ્રીતિ દાસ
ફાઉન્ડરઃ મહિલા મંચ
એફએસઆઈએમાં ધ રિયલ સુપર વુમનનો એવોર્ડ મેળવનાર પ્રીતિ દાસ કોમેડી મારફત સમાજમાં બોડી શેમિંગ, માસિક સ્રાવ, મી ટુ સ્ટોરી, જાતિવાદ, સેક્સ સહિતના વર્જિત વિષયો પર લોકોને ચર્ચા કરવા પ્રોત્સાહિત કરે છે. તેના અંગે સાચુ જ્ઞાન આપી ખોટી માન્યતાઓને દૂર કરી રહી છે. મહિલા મંચ દ્વારા મહિલાઓને સ્ટેજ પર આ વિષયો પર પોતાના અભિપ્રાયો આપે છે.
- 8450થી વધુ રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ્સ ગુજરાતમાં
- 490થી વધુ મહિલા આંત્રપ્રિન્યોર્સ
- 325થી વધુ મેન્ટર્સ સ્ટાર્ટઅપ્સ સ્થાપિત કરવા ટેકો આપે છે