વિશ્વ દૂધ દિવસ: ગુજરાતમાં રોજનું 319 લાખ લીટરથી વધુ દૂધનું ઉત્પાદન
અમદાવાદ, 1 જૂનઃ (લેખકઃ મિતેષ સોલંકી, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ)
સમગ્ર વિશ્વમાં દર વર્ષે 1 જૂનનાં રોજ વિશ્વ દૂધ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ દૂધ ઉત્પાદન પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ કરીને ડેરી ક્ષેત્રનો વિકાસ કરવાનો અને દૂધના પૌષ્ટિક મૂલ્યો વિશે લોકોને સમજાવી દૈનિક આહારમાં દૂધના વપરાશનો સમાવેશ કરવાનો છે. આ સાથેજ વિશ્વમાં પોષણ આજીવિકા સંદર્ભે આર્થિક વિકાસ અને ટકાઉ વિકાસમાં ડેરી ઉદ્યોગના યોગદાનને મહત્વ આપવાનો હેતુ છે. વિશ્વ દૂધ દિવસની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રની સહસંસ્થા ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા 1 જૂન 2001માં કરવામાં આવી હતી અને ખાદ્ય-કૃષિ સંગઠનની સ્થાપના 16 ઓક્ટોબર 1945ના રોજ કરવામાં આવી, જેમાં હાલમાં કુલ 195 સભ્ય દેશો સામેલ છે. આ વર્ષે વિશ્વ દૂધ દિવસની થીમ વિશ્વને ગુણવત્તાયુક્ત પોષણ પહોંચાડવામાં ડેરીની ભૂમિકા રાખવામાં આવી છે. જેને ધ્યાને રાખીને સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેથી તેમાં વધુ વિકાસ સાધી શકાય.
ગુજરાતમાં જ્યારે ખાનગી ડેરીઓ પશુપાલકોને દૂધના નીચા ભાવ આપી તેમનું શોષણ કરતી હતી, ત્યારે પશુપાલકોને શોષણમાંથી મુક્ત કરવા માટે અમૂલ ડેરીના સ્થાપક ત્રિભુવનદાસ પટેલે સહકારી ધોરણે સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વર્ષ 1946માં ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની શરૂઆત કરી હતી, જેનાથી ગુજરાતના લાખો ખેડૂતો અને શ્રમજીવીઓને સ્વરોજગારી મળી હતી. ગુજરાત સરકાર દ્વારા દૂધ ઉત્પાદન ક્ષેત્રે અનેક વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. જેથી ડેરી અને પશુપાલનનો વ્યવસાય આજે ગૌણ નહીં પરંતુ મુખ્ય વ્યવસાય બની રહ્યો છે, આ સાથેજ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને મૂલ્યવર્ધિત દૂધ ઉત્પાદન, દૂધની બનાવટોના ઉત્પાદન અને નિકાસ થકી પશુપાલકો તેમજ રાજ્યને પણ આર્થિક સદ્ધરતા મળી છે. આજે રાજ્યમાં 23 જેટલી ડેરીઓ દૂધ ઉત્પાદન ક્ષેત્રે કાર્યરત છે જેમાં અમૂલ ડેરી મુખ્ય છે. ગુજરાતમાં આજે રોજનું 319 લાખ લીટરથી વધુ દૂધનું ઉત્પાદન કરવામાં આવે છે. આજે ગામડાનો દરેક ખેડૂત આ વ્યવસાયને અપનાવીને સ્વાવલંબી બન્યો છે. ખેડૂતો દ્વારા પશુપાલન વ્યવસાયમાં ઊંડો રસ દાખવવાને કારણે જ આજે સમગ્ર દેશમાં શ્વેતક્રાંતિ આવી છે.
વિશ્વના 24.64% જેટલું દૂધનું ઉત્પાદન માત્ર ભારતમાં
આજે વિશ્વમાં 250 કરોડ લીટર જેટલું રોજનું દૂધનું ઉત્પાદન કરવામાં આવે છે. જેમાં ભારત 60 કરોડ લીટરથી વધુનું ઉત્પાદન કરે છે. એટલે કે વિશ્વના 24.64% જેટલું દૂધનું ઉત્પાદન માત્ર ભારતમાં કરવામાં આવે છે. આ સાથેજ દૂધ ઉત્પાદનમાં ભારતે છેલ્લા નવ વર્ષમાં 58%થી વધુનો વધારો કર્યો છે. અને આજે ભારતનો ક્રમ વિશ્વના ટોપ 10 દૂધ ઉત્પાદનકર્તા દેશોની હરોળમાં પ્રથમ આવે છે. જે દેશ માટે ખૂબજ ગૌરવની બાબત છે. જેથી કહી શકાય કે, ભારત દૂધ ઉત્પાદન ક્ષેત્રે અન્ય દેશો માટે મોડેલ સ્વરૂપ બની રહ્યો છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)