અમદાવાદઃ ફ્લેક્સિબલ પૅકેજિંગ સેક્ટરમાં પોતાની સ્થિતિને મજબૂત કરવા અને પોતાની પ્રોડક્ટના પોર્ટફોલિયોને વૈવિધ્યસભર બનાવવા કામાક્ષી સ્યુડપૅકે હાલમાં જ અમદાવાદ નજીક બાવળા ખાતે તેના નવા ફ્લેક્સિબલ પૅકેજિંગ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. જર્મની સ્થિત સ્યુડપૅક ખાદ્યપદાર્થો, બિન-ખાદ્યપદાર્થો માટેની હાઈ-પર્ફોમન્સ ફિલ્મો અને મેડિકલ પૅકેજિંગની અગ્રણી ઉત્પાદનકર્તા છે, જેણે કામાક્ષી સાથે 2019માં પાર્ટનરશિપ કર્યા બાદ કામાક્ષી સ્યુડપૅક (અગાઉ કામાક્ષી ફ્લેક્સીપ્રિન્ટ્સ પ્રા. લિ. તરીકે ઓળખાતી હતી) જોઈન્ટ વેન્ચરની રચના કરી હતી.

આ બંને કંપનીઓએ સંયુક્તપણે રૂ. 200 કરોડના મૂડીખર્ચે આ પ્લાન્ટ સ્થાપ્યો છે. જૂન 2022માં આ પ્લાન્ટને કાર્યરત કરવામાં આવ્યો હતો. 2.25 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલો આ નવો પ્લાન્ટ વાર્ષિક 24,000 મેટ્રિક ટન (એમટીપીએ)ની સ્થાપિત ક્ષમતા ધરાવે છે. બેરિયર પ્રોપર્ટીઝ, એસ્થેટિક્સ અને સુવિધા પૂરાં પાડનારા ફ્લેક્સિબલ પૅકેજિંગ ઉત્પાદનોની વૈવિધ્યસભર શ્રેણીનું ઉત્પાદન કરી ભારતીય માર્કેટની પરિપક્વ થઈ રહેલી પૅકેજિંગની જરૂરિયાતોને પૂરી કરશે. આ નવો પ્લાન્ટ જાન્યુઆરી, 2023 સુધીમાં સંપૂર્ણપણે કાર્યરત થઈ જાય તેવી અપેક્ષા છે.

આ લૉન્ચિંગ અંગે કામાક્ષી સ્યુડપૅકના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હરીશ ગોયલે જણાવ્યું હતું કે, ‘આ પ્લાન્ટ ફુલ્લી ઓટોમેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે, જેમાં આધુનિક એક્સટ્રુશન, પ્રિન્ટિંગ, કૉટિંગ, લેમિનેશન અને બેગ બનાવવાની ક્ષમતાઓનો સમાવેશ થાય છે.જે 400 જેટલા કુશળ કર્મચારીઓને રોજગારી આપશે. અમે સ્પેશિયાલિટી પ્રોડક્ટ ઑફરિંગ તરીકે પ્રોડક્ટના નવા સેગમેન્ટમાં પણ પ્રવેશ કરીશું.’ૉ

જર્મનીની કંપનીનું પ્રથમ એશિયન ટાઈઅપ
જર્મનીના સ્યુડપૅક ગ્રૂપે અમદાવાદની કામાક્ષી સાથે પાર્ટનરશિપ કરી એશિયામાં પ્રવેશ કર્યો છે. કંપનીના એમડી થારસિસે કાર્લે ભારતીય બજારમાં ઉચ્ચ-ગુણવત્તા ધરાવતા બેરિયર, મેડિકલ અને લિડિંગ ફ્લેક્સિબલ મટીરિયલોની માંગમાં વધારોને પહોંચી વળવા કામાક્ષી સાથે પાર્ટનરશિપ કરી હોવાનું જણાવ્યું છે.

કામાક્ષી પહેલેથી જ અમદાવાદની બહાર ચાંગોદર ખાતે તેનો એક પૅકેજિંગ પ્લાન્ટ ધરાવે છે, જે 45,000 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે અને 3,600 એમટીપીએ ફ્લેક્સિબલ પેકેજિંગ મટીરિયલ બનાવવાની સ્થાપિત ક્ષમતા ધરાવે છે. બેગ બનાવનારા એન્સિલરી મશીન એક મહિનામાં 20 કરોડ પાઉચ અને 10 કરોડ પૉલી બેગ્સ બનાવી શકે છે.