5 વર્ષમાં સક્રિય મહિલા લોનધારકોમાં 15%ના દરે વૃદ્ધિ
મુંબઇ, 7 માર્ચ: 8 માર્ચનાં રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પૂર્વે દર વર્ષે ટ્રાન્સ યુનિયન સિબિલે મહિલા ઋણધારકોમાં વાર્ષિક રિટેલ ક્રેડિટનાં પ્રવાહો અંગે પ્રસિદ્ધ કરેલો અહેવાલ દર્શાવે છે કે ભારતનાં ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં મહિલાઓ દ્વારા ધિરાણ ઉપાડમાં ઝડપી વધારો થયો છે. છેલ્લાં પાંચ વર્ષમાં મહિલા ઋણધારકોની સંખ્યા વાર્ષિક ચક્રવૃધ્ધિ (CAGR) 15 ટકાનાં દરે વધી છે, જ્યારે પુરુષ ઋણધારકોની સંખ્યા 11 ટકાનાં ચક્રવૃધ્ધિ દરે વધી હતી. મહિલા ઋણધારકોનો હિસ્સો 2017માં 25 ટકાથી વધીને 2022માં 28 ટકા થયો હતો. ભારતમાં આશરે 45.4 કરોડ પુખ્ત મહિલાઓ છે, જેમાંથી કેલેન્ડર વર્ષ 2022માં 6.3 કરોડ સક્રિય ઋણધારકો હતી. મહિલાઓ માટે ધિરાણ સુવિધા (કુલ પુખ્ત વસતિમાં ઋણધારકોની ટકાવારી) કેલેન્ડર વર્ષ 2017માં 7 ટકાથી વધીને 2022માં 14 ટકા થઈ હતી. ડિસેમ્બર 2022માં આશરે 6.3 કરોડ ધિરાણ સક્રિય મહિલા ઋણધારકો સાથે મહિલા ઋણધારકોનો વૃધ્ધિ દર (16 ટકા) પુરુષો (13 ટકા) કરતાં વધુ ઝડપી રહ્યો છે.
ટ્રાન્સયુનિયન સિબિલના ચીફ ઓપરેટિંગ ઓફિસર હર્ષાલા ચંદોરકરે જણાવ્યું હતું કે, મહિલા ઋણધારકોની રિસ્ક પ્રોફાઇલ વધુ સારી હોય છે. કેલેન્ડર વર્ષ 2022માં 57 ટકા મહિલા ઋણધારકોનો સ્કોર પ્રાઇમ અને તેનાથી ઉપર હતો, જ્યારે આ સ્કોર 51 ટકા પુરુષ ઋણધારકોમાં હતો.
છેલ્લાં પાંચ વર્ષ (કેલેન્ડર વર્ષ 2017થી 2022)માં બિઝનેસ લોન મેળવવા માંગતી મહિલાઓની સંખ્યા ત્રણ ગણી થઈ છે, જે ભારતમાં મહિલાની આગેવાનીમાં સ્ટાર્ટઅપ્સમાં વૃધ્ધિ થઈ રહી હોવાનું પ્રમાણ છે, આ સમયગાળામાં એકંદર બિઝનેસ લોન પોર્ટફોલિયોમાં મહિલાઓનું પ્રમાણ 12 ટકા વધ્યું છે. (કેલેન્ડર વર્ષ 2017માં 20 ટકાની સામે કેલેન્ડર વર્ષ 2022માં 32 ટકા). હોમ લોન સેગમેન્ટમાં પણ મહિલા ઋણધારકોનો હિસ્સો વધ્યો છે. છેલ્લાં પાંચ વર્ષમાં આ સેગમેન્ટમાં છ ટકા વધારો થયો છે.
અર્ધ-શહેરી અને શહેરી વિસ્તારોમાં મહિલા ઋણધારકોમાં વધારો
અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં મહિલા ઋણધારકોનો વ્યાપ વધ્યો છે. અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં મહિલા ઋણધારકોનો હિસ્સો કેલેન્ડર વર્ષ 2017થી 2022 દરમિયાન 18 ટકાનાં ચક્રવૃધ્ધિ દરે વધ્યો છે, જ્યારે મેટ્રો અને શહેરી વિસ્તારોમાં 14 ટકાનાં દરે વૃદ્ધિ થઈ હતી. અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં મહિલા ઋણધારકોનો એકંદર હિસ્સો વધીને 62 ટકા થયો હતો, જે આ જ સમયગાળામાં છ ટકાનો વધારો સૂચવે છે. ટોચનાં 12 રાજ્યો (કુલ ક્રેડિટ એક્ટિવ બોરોઅર્સનાં સંદર્ભમાં)માં પશ્ચિમ બંગાળ (22 ટકા), રાજસ્થાન (21 ટકા) અને બિહાર (21 ટકા)માં કેલેન્ડર વર્ષ 2017થી 2022 દરમિયાન મહિલા ઋણધારકોમાં સૌથી ઊંચી વૃદ્ધિ નોંધાઈ હતી. ન્યૂ-ટુ-ક્રેડિટ બોરોઅર્સ (NTC) પર ટ્રાન્સયુનિયનનો લેટેસ્ટ અભ્યાસ દર્શાવે છે કે કેલેન્ડર વર્ષ 2022માં મહિલા ઋણધારકોએ સૌથી વધુ કૃષિ લોન અને કન્ઝ્યુમર ડ્યુરેબલ (ઘરમાં ઉપયોગી સાધનો) લોન પ્રાપ્ત કરી છે. પ્રથમ વાર ધિરાણ મેળવનારા ગ્રાહકોમાં મહિલા ઋણધારકોનો હિસ્સો કેલેન્ડર વર્ષ 2017માં 32 ટકાથી વધીને કેલેન્ડર વર્ષ 2022માં 34 ટકા થયો હતો.
કેલેન્ડર વર્ષ 2022માં 82 લાખ મહિલાઓએ પોતાનો સિબિલ સ્કોર અને રિપોર્ટ મેળવ્યો હતો, જ્યારે કેલેન્ડર વર્ષ 2021માં આ સંખ્યા 57 લાખ જ હતી, જે 44 ટકાની તીવ્ર વૃધ્ધિ દર્શાવે છે. વધતી જતી જાગૃતિ અને ધિરાણ સભાનતાને કારણે ભારતનાં ધિરાણ બજારમાં મહિલાઓની ભાગીદારી પણ સુધરી છે. પોતાની ધિરાણ બાબતોનું જાતે દેખરેખ રાખતી (સેલ્ફ-મોનિટરીંગ) મહિલાઓ4નો હિસ્સો કેલેન્ડર વર્ષ 2021માં 13 ટકાથી વધીને કેલેન્ડર વર્ષ 2022માં 15 ટકા થયો છે.