મુંબઇ: છેલ્લા ત્રણ માસ દરમિયાન લોકોનો હેલ્થ પ્રોડક્ટ્સ પાછળનો ખર્ચ ગયા મહિના કરતા ત્રણ ટકા વધ્યો હતો, જો કે આવશ્યક ચીજો માટેનું સેન્ટિમેન્ટ ગયા મહિના જેટલું જ રહ્યું હતું. એક સર્વેમાં એવું જાણવા મળ્યું કે 34 ટકા ગ્રાહકોએ ઇન સ્ટોર પ્રમોશનલ ઓફર્સ ધ્યાનમાં લીધી હતી અને તેમાંના 50 ટકા માને છે કે તેમની ખરીદીનાં નિર્ણયમાં આ ઓફરની અસર થઈ હતી.

કોવિડ 19ને કારણે ખર્ચમાં નિયંત્રણથી શરૂઆત કર્યા બાદ તહેવારો દરમિયાન કોવિડ નિયંત્રણ હળવા થવાથી ભારે ખરીદી કરી અને છેલ્લે ફુગાવાને કારણે સ્ટેગનેશન. જરૂરી કે બિનજરૂરી પ્રોડક્ટ્સ પર ખર્ચ હોય કે ટ્રાવેલ-ટુરિઝમ પરનો ખર્ચ હોય, કન્ઝ્યુમર સેન્ટિમેન્ટનાં આ સૂચકાંકો પર ફુગાવાની અસર પડે જ છે. કદાચ આને કારણે જ ગ્રાહકો વિદેશને બદલે દેશમાં પર્યટન પસંદ કરે છે.

છેલ્લાં ત્રણ મહિનામાં આરોગ્ય સંબંધિત ખર્ચમાં 42% વધારો

56 ટકા લોકોનો એકંદર ઘર ખર્ચ વધ્યો, નેટ સ્કોર -3 ટકા ઘટ્યો

46 ટકા લોકોનો આવશ્યક ચીજો પાછળનો વપરાશ વધ્યો, નેટ સ્કોર +28

8 ટકા લોકો માટે મુનસફીની ચીજો પાછળનો વપરાશ વધ્યો, નેટ સ્કોર ઘટીને -1

42 ટકા લોકો માટે આરોગ્ય સંબંધિત ચીજોનો વપરાશ વધ્યો, ત્રણ ટકા વધારો

6 ટકા પરિવારો માટે મોબિલિટી વધી, ગયા મહિના કરતાં 1 ટકા ઘટાડો

21 ટકા લોકો આ વર્ષના અંતમાં ભારતમાં રજાઓ ગાળવાનું પસંદ કરશે

કન્ઝ્યુમર ડેટા ઇન્ટેલિજન્સ કંપની એક્સિસ માય ઇન્ડિયાએ વિવિધ પ્રકારનાં મુદ્દાઓ અંગે ગ્રાહકોની ધારણાનું માસિક પૃથક્કરણ કરતા ઇન્ડિયા કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ (CSI)ના લેટેસ્ટ તારણો પ્રસિધ્ધ કર્યા હતા. તે અનુસાર 56 ટકા પરિવારો માટે એકંદર ઘર ખર્ચ વધ્યો છે, જે ગયા મહિના કરતાં ત્રણ ટકા પોઇન્ટ ઘટાડો સૂચવે છે. ગયા મહિને +51 નો નેટ સ્કોર આ મહિને -4 ટકા ઘટીને +47 થયો છે. 46 ટકા પરિવારો માટે પર્સનલ કેર અને ઘરગથ્થુ વપરાશની ચીજો પરનો ખર્ચ વધ્યો છે, જે ગયા મહિનાં જેટલો જ છે. ગયા મહિને +27નાં નેટ સ્કોરમાં આ મહિને 1નો વધારો થયો છે. 8 ટકા પરિવારો માટે એસી, કાર અને રેફ્રીજરેટર જેવી બિન-જરૂરી અને મુનસફીની ચીજો પાછળનો ખર્ચ વધ્યો છે, જે ગયા મહિના કરતા ત્રણ ટકાનો ઘટાડો સૂચવે છે. ગયા મહિને +4 રહેલો નેટ સ્કોર આ મહિને ઘટીને -1 થયો છે, જે તહેવારોની મોસમ બાદ સેન્ટિમેન્ટમાં ઘટાડો સૂચવે છે. 42 ટકા પરિવારો માટે વિટામિન્સ, લેબોરેટરી ટેસ્ટ્સ, આરોગ્યપ્રદ ખોરાક જેવી આરોગ્ય સંબંધિત ચીજો પાછળનો ખર્ચ વધ્યો છે, જે છેલ્લાં ત્રણ મહિનામાં સર્વોચ્ચ છે. શિયાળો બેસવાથી ગયા મહિના કરતાં આ ચીજો પાછળનાં વપરાશમાં ત્રણ ટકા વધારો થયો છે. નકારાત્મક અર્થ (એટલે કે આરોગ્યની બાબતો પર જેટલો ઓછો ખર્ચ એટલું સારું સેન્ટિમેન્ટ) ધરાવતા હેલ્થ સ્કોરની નેટ સ્કોર વેલ્યુ -27 હતી, જે ગયા મહિનાં કરતાં -4 ઘટી છે. 21 ટકા પરિવારો માટે મીડિયા વપરાશ (ટીવી, ઇન્ટરનેટ, રેડિયો વગેરે) વધ્યો છે, જે ગયા મહિનાં જેટલો જ છે. ગયા મહિને -4 રહેલો એકંદર નેટ સ્કોર આ મહિને +2 હતો. 34 ટકા લોકોએ સ્ટોરમાં ચાલી રહેલી પ્રમોશનલ ઓફર ધ્યાનમાં લીધી હતી અને તેમાંથી 50 ટકા લોકોએ સંકેત આપ્યો હતો કે આ ઓફરથી તેમની ખરીદીનાં નિર્ણય પર અસર પડશે.

વર્ષના અંતમાં રજાઓ ગાળવા માટે ગ્રાહકનાં ટ્રેન્ડ સમજવા માટેનાં સર્વેમાં જાણવા મળ્યું કે આ સીઝનમાં 21 ટકા લોકો સ્થાનિક પ્રવાસ (માત્ર ભારતમાં) કરશે. આ અંગે ઉંડાણમાં ઉતરતા જાણવા મળ્યું કે 23 ટકા લોકો ખર્ચનાં આધારે પોતાનો નિર્ણય લેશે, જ્યારે 17 ટકા લોકો સીઝન અને ડેસ્ટીનેશનને આધારે નિર્ણય લેશે. રજાઓનું આયોજન કરતી વખતે પરિવારનો નિર્ણય ત્રીજું પરિબળ રહ્યું હતું.