વેદાંતાનું દેવું ડિમર્જ કંપનીઓમાં સંપત્તિના ગુણોત્તરમાં ફાળવવામાં આવશે
મુંબઇ, 29 માર્ચઃ માઈનિંગ કંપની વેદાંતા તેના એલ્યુમિનિયમ સહિત મુખ્ય વ્યવસાયોના ડિમર્જર પ્રક્રિયા માટે આગળ વધી રહી છે. જેને અલગ લિસ્ટેડ કંપનીઓ તરીકે જાહેર કરી ગ્રુપનું દેવુ ડિમર્જ કંપનીઓની સંપત્તિના ગુણોત્તરમાં ફાળવવામાં આવશે તેવું જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. વેદાંતા આ મામલે તેના લેણદારો સાથે જોડાણના એડવાન્સ તબક્કામાં છે, અને પ્રક્રિયા સરળતાથી આગળ વધી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ડિમર્જર બાદ કંપનીઓમાં દેવાની ફાળવણી અંગે સ્પષ્ટતા કરતાં કંપનીના વરિષ્ઠ અધિકારીએ હાલમાં યોજાયેલી ઈવેન્સ્ટર ઈવેન્ટના સમાપન દરમિયાન જણાવ્યું હતું કે, માન્ય નીતિ-નિયમો અનુસાર, ડિમર્જ કંપનીઓની સંપત્તિના ગુણોત્તરમાં દેવાની ફાળવણી કરવામાં આવશે.
વેદાંતા એલ્યુમિનિયમનું ઉદાહરણ આપતાં વધુમાં જણાવ્યું હતું કે, કંપનીમાં દેવાની ફાળવણી સંપત્તિની બુક વેલ્યૂના સીધા પ્રમાણમાં રહેશે. તેમજ આ ટ્રાન્જેક્શન ટેક્સ-ન્યૂટ્રલ રહે તેની ખાતરી કરવામાં આવશે.
ગતવર્ષે સપ્ટેમ્બરમાં વેદાંતાએ મેટલ્સ, પાવર, એલ્યુમિનિયમ, ઓઈલ એન્ડ ગેસ બિઝનેસની સંભવિત વેલ્યૂને અનલોક કરતાં ડિમર્જરની જાહેરાત કરી હતી. ડિમર્જર બાદ છ સ્વતંત્ર વર્ટિકલ્સ – વેદાંતા એલ્યુમિનિયમ, વેદાંતા ઓઈલ એન્ડ ગેસ, વેદાંતા પાવર, વેદાંતા સ્ટીલ અને ફેરસ મટિરિયલ્સ, વેદાંતા બેઝ મેટલ્સ, વેદાંતા લિમિટેડ બનશે. જેમાં વેદાંતાના શેરહોલ્ડર્સને પ્રતિ શેર નવી લિસ્ટેડ પાંચ કંપનીઓનો એક શેર પ્રાપ્ત થશે. ડિમર્જર બાદ હિન્દુસ્તાન ઝિંકનો બિઝનેસ તેમજ ઈલેક્ટ્રોનિક્સ બિઝનેસ વેદાંતા લિમિટેડ સાથે જોડાયેલો રહેશે. એનઓસી મેળવ્યા બાદ અરજી તુરંત એનસીએલટી સમક્ષ રજૂ કરવામાં આવશે.
એસબીઆઈકેપ દેવાની ફાળવણી સંદર્ભે લેણદારોનું પ્રતિનિધિત્વ કરી રહી છે. ડિમર્જરની સાથે વેદાંતા ગ્રુપ લેવલે તેનું દેવુ ઘટાડી આગામી 3 વર્ષમાં 3 અબજ ડોલરનું કરવા ડિલિવરેજિંગ પ્રોગ્રામ હાથ ધરી રહી છે.
વેદાંતાએ તેની ડિમર્જરની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ડિમર્જર સોવરિન વેલ્થ ફંડ્સ, રિટેલ રોકાણકારો અને વ્યૂહાત્મક રોકાણકારો સહિત વૈશ્વિક રોકાણકારોને સમર્પિત કંપનીઓમાં પારદર્શી ધોરણે સીધુ રોકાણ કરવાની તકો આપશે. લિસ્ટેડ ઈક્વિટી અને સ્વંય સંચાલિત મેનેજમેન્ટ ટીમ સાથે ડિમર્જ કંપનીને વ્યૂહાત્મક યોજનાઓ ઘડવા તેમજ તેના ગ્રાહકો, ઈન્વેસ્ટમેન્ટ સાયકલ, અને એન્ડ માર્કેટ સાથે જોડાણો કરવા સ્વતંત્રતા આપશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)