મૂડીરોરાણ માર્ગદર્શન માટે આવતાં 100માંથી 99 રોકાણકારો એવો સવાલ પૂછતાં હોય છે કે, શેરબજારમાં રોકાણ કરાય કે નહિં…?!! તેમાંથી 20-25 રોકાણકારો શેરબજારમાં રોકાણ માટે ડિમેટ એકાઉન્ટ ખોલાવે છે. 22-23 રોકાણકારો રોકાણના બદલે ડે-ટ્રેડિંગ અને ફ્યુચર- ઓપ્શન ઊર્ફે સટ્ટાના રવાડે ચડીને આંગળા દઝાડીને ગામમાં અફવા ફેલાવે કે શેરબજાર એટલે નર્યો સટ્ટો, એમાં આપણાં જેવાનું કામ નહિં…. !! પરંતુ જો સિરિયસલી કહું તો મૂડીરોકાણ માટે ઇક્વિટી/ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ જેવું એવરગ્રીન ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ કોઇ નહિં… સટ્ટો તો રાજા યુધિષ્ઠિરનો પણ થયો નહોતો તો આપણો ક્યાંથી થવાનો હતો… ?!!

શેરબજારની શતરંજઃ મૂડીરોકાણ કે સટ્ટો, કમાણી કે મૂડીને બટ્ટો

રોકાણકારોના માર્ગદર્શન માટે આપણે શેરબજારમાં મૂડીરોકાણની શતરંજમાં મહારત કેવી રીતે મેળવી શકાય તે માટે ચર્ચા કરવા પ્રયાસ કરીશું.

શેરબજારમાં મૂડીરોકાણનો સબ્જેક્ટ થોડો અઘરો ખરો પરંતુ જો ધન, ધ્યાન અને ધીરજ હોય તો શેરમાં યોગ્ય રોકાણ એટલે કમાણી સવાશેર, અને આડેધડ રોકાણમાં શેરના પાશેર થતાં પણ વાર ના લાગે. શેરબજારમાં મૂડીરોકાણની શરૂઆત કરતાં પહેલાં રોકાણકારોએ પાયાની બાબતો જેમકે કમાણીમાંથી બચત/મૂડીરોકાણ માટે એટલિસ્ટ 10-20-30 ટકા હિસ્સો અલગ તારવવો પડે. પછી જ આવશ્યક ખર્ચાઓ માટે વિચારી શકાય. બચત માટે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જેવાં કે, બેન્ક એફડી, પીપીએફ, પોષ્ટ ઓફીસ અને સરકારની બચત/રોકાણ યોજનાઓ, મ્યુચ્યુઅલ ફંડ્સના ડેટ સહિતના ઇન્સ્ટ્રુમેન્ટ્સ કે જેમાં ફુગાવાથી નીચું કે ફુગાવાની પેરેલલ રિટર્ન મળતું હોય તેમાં મૂડીરોકાણ કરવું. ત્યારબાદ સૌપ્રથમ ઇમર્જન્સી ફંડ ક્રિએટ કરવું જે તમારી મન્થલી ઇન્કમના 6-12 ગણું હોય. ત્યારબાદ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાંથી ફંડ ઇન્વેસ્ટમેન્ટ માટે ઇક્વિટી કે ઇક્વિટી લિન્ક્ડ સ્કીમ્સમાં ટ્રાન્સફર કરી શકાય. શેરબજારમાં મૂડીરોકાણ માટેનો સૌથી પહેલો મંત્ર એ ધ્યાનમાં રાખો કે,

ઉપર જણાવ્યા પ્રમાણે ધન, ધ્યાન અને ધીરજ પૈકી આપણે સૌથી પહેલી ચર્ચા ધનથી કરીએ. શેરબજારમાં મૂડીરોકાણ કરવા માટેની સૌથી પહેલી શરત એ છે કે તમારી પાસે તમારી પોતાની મૂડી હોવી જોઇએ. ઉધારી/લોન કે જણસ (સોના-ચાંદી, રિયલ એસ્ટેટ) સામે લોન લઇને કે ક્રેડિટ કાર્ડ ઘસીને નહિં પરંતુ તમે બચાવેલાં અને ફાજલ પડેલાં કે જેની તમારે 5-7 વર્ષ સુધી જરૂર નથી તેવાં લાખ રૂપિયામાંથી માત્ર 10 હજાર જ ઇન્વેસ્ટ કરો. જેથી રિસ્ક/ રિટર્ન રેશિયો કે મૂડીરોકાણની મુદત લંબાઇ જાય તો પણ ચિંતાનું કોઇ કારણ રહે નહિં. કારણકે શેરબજારમાં એક બાબત નિશ્ચિત છે કે તેની ચાલ અનિશ્વિત છે. માર્કેટ લિડર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હોય કે હર્ષદ મહેતા પ્રેરિત મઝદા ઇન્ડસ્ટ્રીઝ હોય તેના શેરમાં ક્યારે આસમાની- સુલતાની જોવા મળે તે કંઇ નક્કી ના હોય. એક વાતની મનમાં ગાંઠ વાળી લો કે શેરબજાર એ મૂડીરોકાણનો વિષય છે. સટ્ટાનો નહિં, બીજી વાત એ સ્વીકારી લો કે કોઇપણ મૂડીરોકાણ સ્રોતમાં રિસ્ક તો છૂપાયેલું જ હોય છે. જેમ કે, બેન્ક એફડીમાં વ્યાજદર સામે ફુગાવાનું, સોના-ચાંદીમાં યુદ્ધ કે વ્યાજદર ઘટાડાનું, રિયલ એસ્ટેટમાં તેજી-મંદી ઉપરાંત કાયદાઓ અને ટેક્સમાં ફેરફારનું… ત્રીજી સૌથી મહત્વની વાત એ કે ભીખના હાંડલા ક્યારેય શીકે ના ચડે અર્થાત્ મૂડી પોતાની અને પર્યાપ્ત (પુરતી) નહીં હોય તો શેરબજારમાં કમાવાના બદલે ખોવાનો વારો આવવાનો જ. માટે પહેલાં તો સ્વોપાર્જિત ઓછામાં ઓછાં રૂ. 10 હજારથી શરૂઆત કરો. શરૂઆત આઇપીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી પણ કરી શકાય. માની લો કે, તમારી પાસે એક સામટી રૂ. 10 હજાર કે લાખ રૂપિયાની સગવડ ના હોય તો તમે ફન્ડામેન્ટલી સ્ટ્રોંગ, ઇન્વેસ્ટર્સ ફ્રેન્ડલી અને વોલ્યુમ્સ તથા વોલેટિલિટી ધરાવતાં બ્લૂચીપ શેર્સમાં એસઆઇપી મારફત પણ શરૂઆત કરી શકો છો. પરંતુ ધ્યાન એ રહે કે નિષ્ણાતની સલાહ કે તમારા પોતાના અભ્યાસ, અનુભવ અને આવડતનો ત્રિવેણી સંગમ હોવો જરૂરી છે.

શેરબજારમાં ટીપ્સના આધારે કે સેન્સેક્સ- નિફ્ટી – બેન્ક નિફ્ટીના આધારે ટ્રેડિંગના નામે સટ્ટો રમનારાની મૂડીનું આયુષ્ય બહુ લાંબુ નથી હોતું.