FD કરાવીને BANKમાં જ આખો દિવસ બેસી રહો છો..? કે પાછા મૂળ કામ ધંધે વળગી જાવ છો.. ?
સત્યમ(SATYAM) કોમ્પ્યુટરના પ્રમોટર બી રામલિંગા રાજુ દ્વારા પ્રમોટ કરાયેલી માયતાસ (MAYTAS) ઇન્ફ્રા ફિઆસ્કો યાદ છે…?
એક સમયની ગોલ્ડન પિકોક એવોર્ડ વિનર અને દેશની 4થા ક્રમની આઇટી કંપની સત્યમ કોમ્પ્યુટર્સનો શેર રૂ. 544ની સર્વોચ્ચ સપાટીએથી ગગડી રૂ. 5 થઇ ગયો હતો. જ્યારે સત્યમના અંગ્રેજી સ્પેલિંગ SATYAMની મિરર ઇમેજ અર્થાત્ સ્પેલિંગ ઉલ્ટાવીને બનાવાયેલી કંપની MAYTAS આઇપીઓ સમયે રૂ. 370ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 515.75ની સપાટીએ ખૂલ્યા બાદ એવો ખિલ્યો હતો કે રોકાણકારો, ટ્રેડર્સ, સ્પેક્યુલેટર્સમાં બસ સત્યમ સત્યમ અને સત્યમ થઇ રહ્યું હતું. પરંતુ રાતોરાત કૌભાંડના પગલે બન્ને શેર્સમાં ધબો નારાયણ થઇ જવા સાથે સત્યમ અને માયતાસના શેર રૂ. 10ની નીચે જતાં રહ્યા હતા. શેરબજારમાં તેજીનો સુવર્ણ યુગ કે મંદીનો અંધકાર યુગ કાયમી નથી હોતો. અલેલટપુઓની ટિપ્સ અને કોઇપણ નોલેજ સિવાય માત્ર સેન્સેક્સ- નિફ્ટી કે ઇન્ડેક્સ જોઇને સોદાં કરનારા રોકાણકારોને એક જ શિખામણ કે, શેરબજાર એ સટ્ટાનો નહિં, ઇન્વેસ્ટમેન્ટનો વિષય છે. ઉપરના ઉદાહરણને ધ્યાનમાં રાખીને કહીએ તો રૂ. 500+માં સત્યમનો શેર ખરીદનારો રોકાણકાર પણ ધીરજ સાથે ઉભો રહ્યો હશે તો તેને ટેક મહિન્દ્રાના શેરના સ્વરૂપમાં બમ્પર રિટર્ન મળતું હશે.
શેરબજારમાં મૂડીરોકાણ માટે કેટલાં ધનની જરૂર પડશે તે ધ્યાનમાં રાખો
મૂળ વાત આવીએ તો શેરબજારમાં મૂડીરોકાણ માટે કેટલું ધન જોઇએ. સૌપ્રથમ તો બ્રોકરેજ ફર્મ સાથે ટ્રેડિંગ અને ડિમેટ એકાઉન્ટ ખોલાવવા ઉપરાંત મિનિમમ બેલેન્સ સહિત રૂ. 100થી પણ શરૂઆત કરી શકાય. પરંતુ તેનો કોઇ અર્થ નથી સરતો. મિનિમમ બેલેન્સ તમે બચાવેલી ફાજલ મૂડીના 10 ટકા સુધી રાખી શકો છો. માનો કે, તમારી એક મહિનાની બચત રૂ. 10000 છે તો તેમાંથી રૂ. 1000 દર મહિને ઇન્વેસ્ટ કરી શકો છો. શેરબજારમાં પણ મ્યુચ્યુઅલ ફંડની જેમ એસઆઇપી (સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) અપનાવી શકો છો. મહિનાની ચોક્કસ તારીખે ટેકનો- ફન્ડામેન્ટલી સ્ટ્રોંગ અને વોલ્યૂમ્સ, વોલેટિલિટી, તેમજ ઇન્વેસ્ટર ફ્રેન્ડલી અર્થાત્ સમયાંતરે રાઇટ્સ, બોનસ, ડિવિડન્ડ, બાયબેક સહિતના લાભો આપતી કંપનીનો એક શેર પણ ખરીદી શકો છો. તેનાથી તમે માર્કેટની વોલેટિલિટીની સાથે સાથે શેરની ખરીદ કિંમતને એવરેજ કરી શકશો. ધ્યાનમાં એ રહે કે, તમે ખરીદો છો તે શેર્સ ટેકનો- ફન્ડામેન્ટલી સ્ટ્રોંગ હોવા જોઇએ. તો દરમહિને એક શેર 12 મહિને 12 શેર્સનો પોર્ટફોલિયો ક્રિએટ કરી શકશો.
શેરબજારમાં મૂડીરોકાણ કરવા એન્ટ્રી લેનારા 100માંથી 95 ટકા રોકાણકારો એ ભૂલી જાય છે કે, શેરબજાર એ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ મારફત સાઇડ ઇન્કમ માટેનું સાધન છે. તેઓ જે ધંધા, વ્યવસાય કે ઇવન નોકરીને પણ ભૂલીને શેરબજાર- શેરબજાર- શેરબજાર કરવા લાગે છે. પરિણામ એ આવે છે કે, શેરના પાશેર કરીને 95માંથી 85 રોકાણકારોની સ્થિતિ ના ઘરના કે ના ઘાટના જેવી થઇ જતી હોય છે. તમે બેન્કમાં એફડી કરાવીને બેન્કમાં જ કે, સોના-ચાંદીની ખરીદી કરીને સોનીની દુકાનમાં જ આખો દિવસ બેસી રહો છો..? કે પાછા મૂળ કામ ધંધે વળગી જાવ છો.. ? તેવી જ રીતે શેરબજારમાં પણ એક વાર ઇન્વેસ્ટ કર્યા પછી સમયાંતરે મૂલ્યાંકન કરો તે વ્યાજબી છે. પરંતુ પછી આખો દિવસ મોબાઇલ કે કોમ્પ્યુટર જોતાં રહેવાનો કોઇ અર્થ હોતો નથી. આવી મનોવૃત્તિના કારણે ક્યારે સટ્ટાખોરીના રવાડે ચડી જવાય તેનો ખ્યાલ પણ રહેતો નથી અને મૂળ આર્થિક પ્રવૃત્તિ આડા પાટે ચડી જવાનો પણ ભય રહેતો હોય છે.
ધારોકે તમારી પાસે રૂ. એક લાખની બચત છે તો તેમાંથી 10 હજારનું જ રોકાણ શેરબજારમાં કરો. ઘણીવાર એવું બને કે, 10 હજારના શેર ખરીદ્યા પછી ભાવની વધઘટ જોઇને બાકીના રૂ. 90 હજાર પણ લડાવવાની લાલચ જાગે તે સ્વાભાવિક છે. પરંતુ આવી મનોવૃત્તિથી દૂર રહો.