કેમિકલ વેસ્ટ માટે ડીપ સી ડિસ્ચાર્જ પાઈપલાઈન માટે ગુજરાત તૈયાર
અમદાવાદ,26 સપ્ટેમ્બર 2024: ભારત 2047 સુધી વિકસિત અને આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આ મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને હાંસલ કરવા માટે કેમિકલ અને પેટ્રો કેમિકલ ઈન્ડસ્ટ્રીની ભૂમિકા નિર્ણાયક હશે, તેમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ASSOCHAM દ્વારા યોજાયેલી કેમિકલ અને પેટ્રો કેમિકલ કોન્કલેવ 2024માં જણાવ્યું હતું. કેન્દ્ર સરકારની વર્તમાન ટર્મમાં ભારતને દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લક્ષ્યાંકને જણાવતા તેમણે કહ્યું હતું કે ભારત આજે તકો શોધવાથી આગળ વધીને તકોનું સર્જન કરી રહ્યું છે. ઉત્સર્જનમાં નેટ ઝીરો માટે કેમિકલ વેસ્ટના ડિસ્ચાર્જ માટે ગુજરાત સરકાર ડીપ સી ડિસ્ચાર્જ સહિતની પહેલમાં યોગદાન આપવા તૈયાર છે.
એસોચેમ ના સંબોધનમાં ગુજરાત કાઉન્સિલના ચેરમેન ચિંતન ઠાકરે એ જણાવ્યું કે આજે ગુજરાત દેશના 62% પેટ્રોકેમિકલ્સ, 52% અન્ય કેમિકલ્સ અને 45% ફાર્માસ્યુટિકલ્સનું ઉત્પાદન કરે છે. વધુમાં ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન ગુજરાતે સૌ પ્રથમ કર્યું છે. અમદાવાદ-ખંભાત ડીપ સી પાઈપલાઈનની જાહેરાત માટે ઠાકરે ઈન્ડસ્ટ્રી વતી ગુજરાત સરકારનો આભાર માન્યો હતો અને આ પાઈપલાઈન ઔદ્યોગિક કચરાના નિકાલ માટે ગેમચેન્જર સાબિત થશે.
ગુજરાત સરકારના MSMEના રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે ગુજરાતે દેશના કોઈ પણ રાજ્યની સરખામણીમાં વધુ ઔદ્યોગિક નીતિઓ ઘડી છે. પછી તે કેમિકલ કે પેટ્રો કેમિકલ હોય અને ડાયમંડ કે ઓટોમોબાઈલ, દરેક સેક્ટરમાં ગુજરાત અગ્રણી છે. તેમણે કેમિકલ અને પેટ્રો કેમિકલ સેક્ટરના ઉત્પાદનને 25 અબજ ડોલરથી વધારીને 1 ટ્રિલિયન ડોલર સુધી લઈ જવા માટે સરકારની તૈયારી દર્શાવી હતી.
ઉદ્યોગની દ્રષ્ટિએ લક્ષ્મી ઓર્ગેનિક ઈન્ડસ્ટ્રીઝ લિમીટેડના ચેરમેન રવિ ગોએન્કાએ જણાવ્યું હતું કે,વ્યૂહાત્મક ભૌગોલિક સ્થાન ધરાવતું ગુજરાત ઉદ્યોગજગતમાં ગ્લોબલ પ્લેયર છે. 2040 સુધી ગુજરાતના કેમિકલ સેક્ટરનો માર્કેટ શેર વધીને ત્રણ ગણો થઈ જશે અને ગ્રીન ઈન્ડસ્ટ્રી તેના માટે નેતૃત્વ કરશે, તેમ એસોચેમ ગુજરાત કાઉન્સિલના કેમિકલ અને પેટ્રોકેમિકલ કમિટીના ચેરમેન મનીષ કિરીએ જણાવ્યું હતું.
ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્ર સચિવ, IAS મમતા વર્મા એ કેમિકલ અને પેટ્રો કેમિકલ સેક્ટરમાં રોકાણ માટે રાજ્ય સરકાર વતી કંપનીઓ સાથે MoU પણ કર્યા હતા. આરંભિક સત્રની પૂર્ણાહુતિ પહેલાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નોલેજ પેપરનું પણ અનાવરણ કર્યું, જેમાં કેમિકલ ઉદ્યોગ માટે 2047 સુધીના વિઝનનો સમાવેશ થાય છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)