Infosysના પ્રોત્સાહક પરિણામોથી શેર 5 ટકા ઉછળ્યો, માર્કેટ કેપની દ્રષ્ટિએ ચોથી ટોચની કંપની બની
અમદાવાદઃ ઇન્ફોસિસે અપેક્ષા કરતાં વધુ સારા પરિણામો આપતાં આજે શેરબજારમાં તેમાં મોટાપાયે લેવાલી જોવા મળી હતી. શેર ઈન્ટ્રા ડે 5.23 ટકા ઉછાળા સાથે 1494ની ટોચે પહોંચ્યો હતો. કુલ આવક બીજા ત્રિમાસિકમાં 23.4 ટકા વધીને રૂ. 36,538 કરોડ થઈ હતી. ચોખ્ખો નફો 11 ટકા વધીને રૂ. 6,021 કરોડ થયો છે. આ ઉપરાંત કંપનીએ રૂ. 9,300 કરોડના શેર બાયબેક કરવાની પણ જાહેરાત કરી હતી.
બપોરે 3.00 વાગ્યે શેર 3.78 ટકા વૃદ્ધિ સાથે 1473.40 પર ટ્રેડેડ હતો. દેશની ટોચની બીજા નંબરની આઈટી કંપનીની માર્કેટ કેપ 6.20 લાખ કરોડ સાથે માર્કેટ કેપની દ્રષ્ટિએ ચોથા નંબરની કંપની બની હતી. એચયુએલને ફરી એકવાર પાછળ પાડ આ સ્થાન હાંસિલ કર્યું હતું.
Next Target Price 1750 સાથે ખરીદવા સલાહ
BofA ઈન્ફોસિસમાં રૂ.1535ના ટાર્ગેટ ભાવ સાથે ન્યૂટ્રલ રેટિંગ જાળવી રાખ્યું હતું. કોટક ઈન્સ્ટીટ્યૂશનલ ઈક્વિટીએ કરન્સી ફોરકાસ્ટમાં ફેરફારને પગલે FY2023-25E ઈપીએસમાં 1-3 ટકાનો વધારો કર્યો હતો. આ સાથે ઈન્ફોસિસ માટેનો ટાર્ગેટ ભાવ રૂ.1750 કર્યો હતો. મોતિલાલ ઓસ્વાલે બાય રેટિંગ સાથે આ સ્ટોક માટે રૂ.1630 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. ગ્લોબલ બ્રોકરેજ ફર્મ CLSAએ પણ કંપનીના શેરનો ટાર્ગેટ ભાવ વધારીને 1800 રૂપિયા કર્યો હતો.
ચોથી વખત શેર બાયબેક કરશે
ઈન્ફોસિસના બોર્ડે શેર દીઠ રૂ. 1,850ના દરે બજારમાંથી તેના શેર ખરીદવાની મંજૂરી આપી છે.હવે ઈન્ફોસિસ 9,300 કરોડના શેર બાયબેક કરશે. આ સાથે ઈન્ફોસિસ બોર્ડે શેર દીઠ રૂ. 16.50ના વચગાળાના ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. કંપનીએ 1993માં લિસ્ટિંગ કરાવ્યા બાદ આ ચોથી વખત શેર બાયબેક કરવા જઈ રહી છે.
આજે વૈશ્વિક રાહે ભારતીય શેરબજારમાં પણ સવારથી જ ભારે તેજી જોવા મળી હતી અને આઈટી, ટેકનો, બેન્ક શેરોની આગેવાનીમાં રોકાણકારોની મૂડીમાં 4 લાખ કરોડ સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો.