9 માસથી એફપીઆઇની વેચવાલીઃ 1.4 લાખ કરોડના શેર્સ વેચ્યા
- માર્ચ-22ના નાણાકીય વર્ષ દરમિયાન રૂ. 1.4 લાખ કરોડનો માલ ફુંક્યો
- માર્કેટ સેન્ટિમેન્ટ માટે મહત્વનું પરીબળ ગણાતી એફપીઆઇ નેગેટિવ
- જિયો- પોલિટિકલ ક્રાઇસિસ, કોરોના અને સાવચેતી મુખ્ય વિલન
- ફેડ દ્રારા વ્યાજદરમાં વધારાની જાહેરાતની પણ અસર જોવા મળી
ભારતીય શેર બજારોમાંથી વિદેશી રોકાણકારોએ 2020-21માં કુલ 2.7 લાખ કરોડનું રોકાણ કર્યા બાદ ગત નાણાકીય વર્ષમાં કુલ 1.4 લાખ કરોડની રેકોર્ડ વેચવાલી નોંધાવી છે. કોરોના વાયરસની ત્રીજી લહેરમાં વધતા કેસો, રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે આર્થિક રિકવરીમાં અનિશ્ચિતતાઓ તેમજ ભારતીય શેર બજારોની તેજીમાં પ્રોફિટ બુકિંગના કારણોસર ઓક્ટોબર અંતથી માર્ચ સુધી વિદેશી રોકાણકારોએ મોટાપાયે વેચવાલી કરી હતી. ફેડ દ્વારા વ્યાજદરમાં વધારાના સંકેતના કારણે પણ વિદેશી રોકાણકારોએ ફંડ પાછું ખેંચી થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી હતી. નિષ્ણાતોના મતે ક્રૂડ સહિત કોમોડિટીમાં મોંઘવારી વધતાં આગામી ટૂંકાગાળા માટે વિદેશી રોકાણકારો દ્વારા રોકાણ પ્રવાહ અસ્થિર રહેશે. એપ્રિલ, 2021થી માર્ચ, 2022 દરમિયાન લે-વેચના અંતે વિદેશી રોકાણકારો 1.4 લાખ કરોડનું રોકાણ પાછું ખેંચી નેટ સેલર્સ રહ્યા હતા. 12માંથી નવ મહિના વેચવાલી દર્શાવી હતી. ઓક્ટોબર, 2021થી ઈક્વિટી બજારોમાં વેચવાલ રહ્યા હતા.
વિદેશી રોકાણકારોનો ઓવરઓલ ટ્રેન્ડ નેગેટિવ
કોવિડની બીજી લહેરના કારણે સર્જાયેલી અફરાતફરી વચ્ચે વિદેશી રોકાણકારોએ વર્ષની શરૂઆતમાં એપ્રિલ-મે દરમિયાન જ રૂ. 12613 કરોડની વેચવાલી કરી હતી. જો કે, બાદમાં મે મહિનાથી સપ્ટેમ્બર સુધી રોકાણ પ્રવાહ વધાર્યો હતો. ઈક્વિટી બજાર પ્રત્યે વિદેશી રોકાણકારોનો ઓવરઓલ ટ્રેનડ્ નેગેટિવ રહ્યો હોવાનું મોર્નિંગસ્ટાર ઈન્ડિયાના મેનેજર રિસર્ચ, એસોસિએટ ડિરેક્ટર હિમાંશુ શ્રીવાસ્તવે જણાવ્યું છે. કોવિડના કેસોમાં ઘટાડો, મજબૂત ત્રિમાસિક પરિણામો, આવકોમાં વૃદ્ધિ જેવા સમીકરણોના લીધે જૂનમાં 17215 કરોડનું રોકાણ કર્યુ હતું. જુલાઈમાં પાછું 11308 કરોડનું રોકાણ પાછું ખેંચ્યુ હતું.
ભારતમાંથી એક્સપોઝર ઘટાડી ચીનમાં રોકાણ કરશે
ઝેરોધા અને ટ્રુ બિકોનના કો-ફાઉન્ડર નિખિલ કામથે જણાવ્યું હતું કે, વિદેશી રોકાણકાર માટે ભારત સાપેક્ષ ધોરણે મોંઘુ થયુ છે. ડોલર સામે રૂપિયો નબળો પડ્યો છે. તેમજ રશિયા-યુક્રેન યુદ્ધના કારણે મોંઘવારી વધી છે. ફેડએ પણ વ્યાજદરોમાં વૃદ્ધિનુ વલણ શરૂ કર્યું છે. જેથી તે ભારતમાંથી એક્સપોઝર ઘટાડી ચીનમાં રોકાણ તકો વધારી શકે છે.
ડેટ માર્કેટમાં 1628 કરોડનું રોકાણ
નાણાકીય વર્ષ 2021-22માં વિદેશી રોકાણકારોએ ઈક્વિટી બજારમાંથી રેકોર્ડ વેચવાલી દર્શાવી છે. બીજી બાજુ ડેટ માર્કેટમાં રૂ. 1628 કરોડનું રોકાણ કર્યું છે. અગાઉના નાણાકીય વર્ષમાં ડેટ માર્કેટમાંથી વિદેશી રોકાણકારોએ રૂ. 50443 કરોડની વેચવાલી કરી હતી. ગતવર્ષે ઈક્વિટી બજારમાં વોલેટિલિટી વધી હતી. જેથી ઘણા એફપીઆઈએ સુરક્ષિત રોકાણ માટે ડેટ માર્કેટનો સહારો લીધો હતો.
મોટાપાયે વેચવાલીના વર્ષ
વર્ષ વેચવાલી
2021-22 1.4 લાખ કરોડ
2018-19 88 કરોડ
2015-16 14171 કરોડ
2008-09 47706 કરોડ