અમદાવાદ, 24 એપ્રિલઃ અદાણી ગ્રૂપ સરપ્લસ કેશનો ઉપયોગ કરવા તેમજ રોકાણકારોનો વિશ્વાસ પાછો મેળવવા ગ્રૂપની વિવિધ કંપનીઓના ફોરેન કરન્સી બોન્ડ બાયબેક કરવાની યોજના બનાવી રહ્યું છે. જેનો પ્રથમ હિસ્સો અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ)માંથી $65 કરોડ (5335 કરોડ)ના ફોરેન કરન્સીના બોન્ડ બાયબેક સાથે થશે.

વૈશ્વિક રોકાણકારોનો વિશ્વાસ વધારીને ટૂંક સમયમાં મૂડી ફાળવણી યોજનાને અંતિમ સ્વરૂપ આપી શકે છે. એવો અંદાજ છે કે જૂથના કુલ ડેટમાંથી, ફોરેન કરન્સી બોન્ડ્સ સૌથી વધુ 39% એક્સ્પોઝર ધરાવે છે, ત્યારબાદ વિદેશી અને ભારતીય બેન્કોની મુદતની લોન આવે છે. શનિવારે એક્સચેન્જમાં, APSEZએ જણાવ્યું હતું કે તેના બોર્ડે, 22 એપ્રિલના રોજ મળેલી બેઠકમાં, 2024ની બાકી રહેલી સિનિયર નોટ્સ માટે એક અથવા વધુ તબક્કામાં ટેન્ડર ઓફરને મંજૂરી આપી છે.

બાયબેક માટે સમય, વિગતવાર નિયમો અને શરતો નક્કી કરવા માટે બોર્ડે કંપનીની ફાઇનાન્સ કમિટીને અધિકૃત કરી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ગ્રૂપ સંભવતઃ વર્તમાન ક્વાર્ટરમાં $25 કરોડ અને $30 કરોડના પ્રથમ હપ્તાથી શરૂઆત કરશે અને આગામી ક્વાર્ટરમાં બાકીની રકમ પાછી ખરીદવાનું વિચારશે. આ બાબતથી જાણકાર અધિકારીએ જણાવ્યું હતું કે, “ગ્રૂપ આખરે આંતરિક ઉપાર્જન અને સરપલ્સ કેશ દ્વારા સમગ્ર $ 65 કરોડના બોન્ડ બાયબેક કરવા માગે છે.”

તાજેતરની કોર્પોરેટ ફાઇલિંગ દર્શાવે છે કે FY23ના પ્રથમ નવ મહિનામાં, APSEZએ રૂ. 15,055 કરોડની આવક અને રૂ. 7,676 કરોડનો EBITDA અથવા ઓપરેટિંગ નફો નોંધાવ્યો હતો. FY22માં કંપની પાસે રૂ. 10,492 કરોડની રોકડ રકમ હતી.

અદાણી ગ્રીન પાસે 2 અબજ ડોલરના ફોરેન કરન્સી બોન્ડ

અદાણી ગ્રૂપની તાજેતરની કોર્પોરેટ ફાઇલિંગ દર્શાવે છે કે તેની પાસે ગ્રૂપ ફર્મ્સ APSEZ અને અદાણી ગ્રીન એનર્જી ખાતે લગભગ $2 અબજના ફોરેન કરન્સી બોન્ડ છે જે આવતા વર્ષે પરિપક્વ થશે.