અદાણી પોર્ટસે રૂ.1485 કરોડમાં કરાઇકલ પોર્ટ હસ્તગત કર્યું
ભારતમાં APSEZનો પોર્ટ પોર્ટફોલિઓ વધીને 14 પોર્ટ થયો
અમદાવાદ, 5 એપ્રિલ: ટ્રાન્સપોર્ટ યુટિલિટી અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) એ NCLTની મંજૂરીના અનુસંધાને કરાઇકલ પોર્ટ પ્રાઇવેટ લિ. (KPPL)ના હસ્તાંતરનું કામકાજ પૂર્ણ કર્યું છે.
ચેન્નાઈથી ૩૦૦ કિલોમીટર દૂર દક્ષિણમાં કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીના કરાઈકલ જિલ્લામાં આવેલ કરાઈકલ બંદર વિકસાવવામાં આવ્યું હતું અને ૨૦૦૯માં કાર્યરત કરવામાં આવ્યું હતું. ૧૪-મીટર પાણીનો ડ્રાફ્ટ મેળવતા આ બંદરનો જમીન વિસ્તાર ૬૦૦ એકરથી વધુ છે. તેના હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ૫ ઓપરેશનલ બર્થ, ૩ રેલ્વે સાઇડિંગ, યાંત્રિક વેગન-લોડિંગ અને ટ્રક-લોડિંગ સિસ્ટમ્સ સહિત મિકેનાઇઝ્ડ બલ્ક કાર્ગો હેન્ડલિંગ સિસ્ટમ, ૨ મોબાઇલ હાર્બર ક્રેઇન્સ અને કાર્ગોના સંગ્રહ માટે વિશાળ જગ્યા જેમાં ઓપન યાર્ડ્સ, ૧૦ કવર્ડ વેરહાઉસ અને ૪ લિક્વિડ સ્ટોરેજ ટાંકીઓનો સમાવેશ થાય છે.
૨૧.૫ MMTની બિલ્ટ-ઇન કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા સાથે બંદર મુખ્યત્વે સિમેન્ટ, ખાતર, ચૂનાના પત્થર, સ્ટીલ અને લિક્વીડ કાર્ગો હેન્ડલ કરે છે. તામિલનાડુમાં નાગાપટ્ટિનમ ખાતે નિર્માણાધિન CPCLની ૯ MMTPAની ક્ષમતાની નવી રિફાઈનરી કરાઈકલ પોર્ટ માટે વધારાના મોટા જથ્થાના પ્રવાહી કાર્ગોને હેન્ડલ કરવાની તક ઉપલબ્ધ કરે છે તેમ APSEZના સીઈઓ અને સંપૂર્ણ સમયના ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું.