અમદાવાદ, 5 એપ્રિલઃ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) ના ભૂતપૂર્વ MD આર.એસ. સોઢીને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ (RRVL) – રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)ના ગ્રોસરી બિઝનેસની કમાન સોંપાય તેવી શક્યતા હોવાની ચર્ચાએ માર્કેટમાં જોર પકડ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર GCMMFમાંથી સોઢીની કુશળતાનો ઉપયોગ અમૂલ અને મધર ડેરી સાથેની સ્પર્ધામાં ઉત્પાદનોનો લાભ લેવા માટે થઈ શકે છે. સોઢીએ GCMMFમાં 41 વર્ષ સુધી સેવાઓ આપ્યા બાદ હવે રિલાયન્સ જૂથ તેમને આવકારવાની તૈયારી કરી રહ્યું હોવાનું મનાય છે.

RRVLની FMCG આર્મ રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ડિવિઝનને તેના નવા ઉત્પાદનોના લોન્ચિંગ દ્વારા આક્રમક રીતે તેની હાજરી વિસ્તારી રહી છે તે સંજોગોમાં જો આ સમીકરણ અમલમાં આવે તો રિલાયન્સ જૂથને બહુ જ મોટો ફાયદો થઇ શકે છે.

GCMMF ખાતે લગભગ 41 વર્ષ સુધી કામ કર્યા પછી સોઢીએ જાન્યુઆરી 2023માં રાજીનામું આપ્યું હતું. અમૂલ (Amul)માંથી રાજીનામું આપનારા ભૂતપૂર્વ એમડી આર એસ સોઢીની આગેવાની હેઠળ અમૂલે પ્રગતિ કરી હતી અને દૂધની સહકારી ડેરીમાંથી આગળ વધીને તેણે ચોકલેટ, આઈસ્ક્રીમ સહિતની દરેક મિલ્ક પ્રોડક્ટમાં જોરદાર ગ્રોથ કર્યો હતો. હવે તેઓ રિલાયન્સ રિટેલના ગ્રોસરી બિઝનેસના ગ્રોથ માટે કામ કરશે.

આર એસ સોઢી એ પ્રથમ જાણીતી હસ્તિ નથી જે રિલાયન્સ જૂથમાં જોડાયા છે. અગાઉ રિલાયન્સ રિટેલે કોકા કોલા ઈન્ડિયા ચેરમેન ટી ક્રિષ્નાકુમારને પણ આવકાર્યા હતા. સોઢીને ડેરી ઉદ્યોગમાં પુષ્કળ અનુભવ હોવાના કારણે રિલાયન્સ રિટેલ આગામી સમયમાં ડેરી પ્રોડક્ટ અથવા વેલ્યુ એડેડ ડેરી સેગમેન્ટમાં પ્રોડક્ટ લોન્ચ કરે ત્યારે તે ઉપયોગી બની રહેશે.