આણંદ, ૧૯ ઓગષ્ટ: ગુજરાતના તમામ ડેરી સહકારી સંઘની મધ્યસ્થ સંસ્થા અને અમૂલ બ્રાન્ડનું માર્કેટીંગ કરતી સંસ્થા ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (GCMMF) હાલમાં તેનું ગોલ્ડન જ્યુબિલી વર્ષ મનાવી રહી છે. 1973માં માત્ર 6 સભ્યો અને રૂ.121 કરોડના ટર્નઓવર સાથે શરૂ કરાયેલી GCMMF હાલમાં ગુજરાતમાં 18 સભ્ય સંઘ ધરાવે છે અને 3 કરોડ લીટરથી વધારે દૂધ એકત્રિત કરે છે. રૂ.72,000 કરોડ (9 અબજ યુએસ ડોલર) નું ટર્નઓવર કરીને અમૂલ ભારતની સૌથી મોટી એફએમસીજી બ્રાન્ડ બની છે. અમૂલ કે જેને હાલમાં દુનિયામાં 8મા નંબરની સૌથી મોટી ડેરી સંસ્થા ગણવામાં આવે છે તેણે વર્ષ 2022-23માં તેના ગ્રુપ ટર્નઓવરમાં વધુ રૂ.11,000 કરોડનો ઉમેરો કર્યો છે.

તા.19 ઓગષ્ટ, 2023ના રોજ યોજાયેલી GCMMFની 49મી વાર્ષિક સામાન્ય સભા પછી જીસીએમએમએફના ચેરમેન શામળભાઈ પટેલે માહિતી આપી હતી કે વર્ષ 2022-23માં સંસ્થાએ 18.5 ટકાની વૃધ્ધિ હાંસલ કરી છે. નાણાંકિય વર્ષ 2022-23 દરમ્યાન મોટાભાગની ફ્લેગશીપ કેટેગરીમાં વિવિધ સિમાચિહ્નો હાંસલ કર્યા છે. અમૂલના દૂધ આધારિત પીણાંમાં 34 ટકાની વૃધ્ધિ થઈ છે. અમૂલ આઈસ્ક્રિમમાં 40 ટકા જેટલી વૃધ્ધિ નોંધાઈ છે. અમૂલ બટરમાં 19 ટકા, તથા અમૂલ ઘીના કન્ઝ્યુમર પેકમાં 9 ટકાનો વધારો નોંધાયો છે. અમૂલ લોન્ગલાઈફ મિલ્કમાં 20 ટકાની વૃધ્ધિ, અમૂલ દહીંમાં 40 ટકાની વૃધ્ધિ, અમૂલની તાજી છાશમાં 16 ટકાની અસરકારક વૃધ્ધિ, અને સૌથી મોટી પ્રોડક્ટ કેટેગરી અમૂલ તાજા દૂધમાં પ્રભાવશાળી 20 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. મોટાભાગની કન્ઝ્યુમર પ્રોડક્ટસમાં હાઈવોલ્યુમ ગ્રોથ નોંધાવ્યો છે” તેમ જીસીએમએમએફના ઈનચાર્જ એમડી જયેન મહેતાએ જણાવ્યું.

જીસીએમએમએફના વાઈસ ચેરમેન વલમજી હુંબલએ જણાવ્યું કે, સહકાર વિભાગનું અલાયદુ મંત્રાલય રચવાને કારણે ત્રણ મલ્ટી-સ્ટેટ કોઓપરેટીવ્ઝની સ્થાપના કરવા માટેની પ્રેરણા મળી છે, જેમાં દેશની સહકારી સંસ્થાઓ મારફતે માલ-સામાનની નિકાસને પ્રોત્સાહન આપવા માટે નેશનલ કોઓપરેટીવ એક્સપોર્ટસ લિમીટેડ (એનસીઈએલ), તથા દેશની સહકારી સંસ્થાઓ મારફતે ઓર્ગેનિક બિઝનેસને પ્રોત્સાહન માટે નેશનલ કોઓપરેટીવ ઓર્ગેનિક્સ લિમિટેડ (એનસીઓએલ) ઉપરાંત બિયારણના ઉત્પાદન, વિતરણ અને સંશોધનમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટે ભારતીય બીજ સહકારી સમિતી (બીબીએસએસ) નો સમાવેશ થાય છે. આને કારણે કૃષિ ક્ષેત્રની વૃધ્ધિ, આહાર સુરક્ષા અને ભારતીય ખેડૂતોના કલ્યાણમાં વૃધ્ધિ થશે અને તે ભારતના સહકારી ક્ષેત્રની એકંદર વૃધ્ધિ અને વિકાસ તરફ દોરી જશે.