અમદાવાદ, 22 મેઃ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF) (અમૂલ ફેડરેશન) દ્વારા અમૂલફેડ ડેરી, ગાંધીનગર ખાતે State-of-the-Art Advanced Organic Testing લેબોરેટરી ની સ્થાપના કરવામાં આવી છે. આ લેબોરેટરીનું ઉદઘાટન ભારતના ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ દ્વારા કરાયું છે.
ઓર્ગેનિક ફૂડની ગુણવતાની ચકાસણીમાં આ અદ્યતન લેબોરેટરી મહત્વની ભૂમિકા ભજવે છે. લેબોરેટરી દ્વારા જંતુનાશકો, heavy metals અને અન્ય અશુદ્ધિઓના પરીક્ષણ માટે વિવિધ પદ્ધતિઓ અને તકનીકોનો ઉપયોગ કરવામાં આવે છે. લેબોરેટરી ઓર્ગેનિક ઉત્પાદનોની ગુણવત્તા જાળવીને ઓર્ગેનિક પ્રોડક્ટસની માર્કેટ ડિમાન્ડ જાળવવામાં મદદરૂપ થાય છે. જે ખેડૂતો અને ઉદ્યોગ માટે લાભદાયી છે.

અમૂલ ફેડરેશનના એમડી જયેન મહેતાએ જણાવ્યું કે અમૂલે ગયા વર્ષે, મે, 2022 માં ઓર્ગેનિક ઘઉંનો લોટ (અમૂલ ઓર્ગેનિક આટા) સાથે ઓર્ગેનિક બિઝનેસની શરૂઆત કરેલ. છેલ્લા એક વર્ષમાં અમૂલે ઓર્ગેનિક બાસમતી ચોખા, ઓર્ગેનિક તુવેર દાળ, ઓર્ગેનિક ચણા દાળ, ઓર્ગેનિક મસૂર દાળ, ઓર્ગેનિક મગ, ઓર્ગેનિક રાજમા, ઓર્ગેનિક બેસન અને ઓર્ગેનિક કાબુલી ચણા જેવા ઉત્પાદનો સાથે તેના ઓર્ગેનિક પ્રોડક્ટના પોર્ટફોલિયોનો વિસ્તાર કરેલ છે.
અમૂલનો હેતુ ઓર્ગેનિક ખેડુતો અને ઉદ્યોગોને પોષાય તેવા ભાવે આંતરરાષ્ટ્રીય ધારા-ધોરણો પ્રમાણેના ઓર્ગેનિક પરીક્ષણના પરિણામો પ્રદાન કરવાનો છે.